કુદરતના કોપનો ભોગ બનેલા નેપાળનો વિશ્વ સમક્ષ મદદનો પોકાર

Wednesday 02nd September 2026 05:20 EDT
 
 

કાઠમંડુઃ નેપાળમાં અચાનક આવેલા અતિભારે પૂરના કારણે મૃત્યુઆંક વધીને 1,000થી વધી ગયો છે અને હજુ પણ 4,000 થી વધુ લોકો ગુમ છે. કુદરતના કોપનો ભોગ બનેલા નેપાળે અન્ય દેશો પાસેથી મદદની માગણી કરી છે. બીજી તરફ, નેપાળની માઠી દશા બેઠી હોય તેમ ભારે વરસાદનો ખતરો મંડરાતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દેશે અમેરિકા પાસેથી ફ્રીઝર, ડીએનએ ટેસ્ટિંગ કિટ્સ અને લીડાર જેવી આવશ્યક બિન-ખાદ્ય વસ્તુઓ અને સેવાઓની માગણી કરી છે. સિંગાપોર પાસેથી ‘ડીવીઆઈ’ (DVI - ડિઝાસ્ટર વિક્ટિમ આઈડેન્ટિફિકેશન) જેવી રાહત-વિશિષ્ટ સામગ્રી; અને ચીન તથા સિંગાપોર પાસેથી બેલી બ્રિજ અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા ડ્રોનની માગણી કરી છે. ભારતે ડીએનએ ચકાસવા નિષ્ણાતો મોકલ્યા છે.
આ આપત્તિના છઠ્ઠા દિવસે પણ ગુમ થયેલા લોકોની શોધખોળ અને ફસાયેલા લોકોને ઉગારવા માટે બચાવકર્તાઓ સમય સામે જંગ લડી રહ્યા છે, જે દરમિયાન અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાંથી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. 26 ઓગસ્ટના રોજ નેપાળ-તિબેટ સરહદ નજીક હિમનદી (ગ્લેશિયર) તૂટી પડ્યા બાદ બરફ અને ખડકના ભૂસ્ખલનને કારણે પાણી, કાદવ અને કાટમાળનો ભયાનક પ્રવાહ નીચે તરફ વહ્યો હતો.
સુરંગોમાં ફસાયા છે સેંકડો જીવ
નેપાળ ત્રાસદીને સોમવારે 6 દિવસ થઈ ગયા છે. વિવિધ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં હજી પણ 600 થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ કામગીરીમાં લાગેલી ટીમોની વિપરીત પરિસ્થિતિઓની સાથે-સાથે સમય સામે પણ જંગ છે. સમય જેટલો લાંબો ખેંચાશે, જિંદગીની આશા એટલી નબળી પડતી જશે. નેપાળના વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, રસુવાગઢી હાઇડ્રો પાવર ટનલમાં અભિયાન પૂરું થઈ ગયું છે. સેનાના નેતૃત્વમાં એન્જિનિયર અને ડ્રોન ટીમ અંતિમ છેડા સુધી પહોંચી હતી. ત્યાં કોઈ માણસની હાજરી મળી નથી. ત્રિશૂલી-3બી, ચિલિમે, અપર ત્રિશૂલી-1 અને લાંગટાંગની સુરંગોમાં અભિયાન ચાલુ છે. આ દરમિયાન, બચાવ અભિયાનમાં વિલંબ થવા પર સવાલો ઉઠી રહ્યા છે. પૂર બુધવાર - 26 ઓગસ્ટે આવ્યું હતું. સુરંગોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારત અને ચીનની મદદ 29 ઓગસ્ટે સ્વીકારવામાં આવી હતી. વિદેશી તકનીકી મદદ લેવામાં ત્રણ દિવસના વિલંબ બદલ સરકાર ટીકાઓના ઘેરામાં છે.
તિબેટમાં ફ્લડના વીડિયો-ફૂટેજ ગાયબ, ચીનની સેન્સરશિપ
તિબેટ અને નેપાળ સરહદે બુધવારે આવેલા વિનાશક પૂરથી માત્ર નેપાળ જ નહીં તિબેટમાં પણ ભારે તારાજી સર્જાઈ છે. ચીન તિબેટમાં યુદ્ધના સ્તરે રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે. જોકે, ચીને તિબેટમાં પૂરના વિનાશ અંગેના અહેવાલો પર સેન્સરશિપ મૂકી દીધી છે, જેના કારણે છેલ્લા ચાર દિવસથી માત્ર નેપાળ-તિબેટ સરહદે ગ્યિરોંગ પોર્ટનો એક જ વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આ સિવાય તિબેટમાં વિનાશ દર્શાવતા તમામ વીડિયો અને ફૂટેજ ચીને તેના ઈન્ટરનેટ પરથી હટાવી દીધા છે. વિદેશી પત્રકારોને તિબેટમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળ અને તિબેટ સરહદે બુધવારે આવેલા ફ્લેશ ફ્લડની હોનારતમાં તિબેટમાં મૃત્યુઆંક વધીને સાત થયો છે જ્યારે 554 લોકો લાપતા છે તેમ તિબેટ ઈમર્જન્સી મેનેજમેન્ટ વિભાગે શનિવારે કહ્યું હતું. જોકે, ચીનમાં ઈન્ટરનેટ પર નેપાળ-તિબેટ દુર્ઘટના અંગે તિબેટના વીડિયો પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે પૂરથી તિબેટમાં થયેલા વિનાશના અહેવાલો પર સેન્સરશિપ મૂકી દેવાઈ છે. તિબેટમાં થયેલા વિનાશના વીડિયો અને ફૂટેજ ચીનના ઈન્ટરનેટ પરથી ગાયબ થઈ ગયા છે. જોકે, ચીન માટે નેપાળ-તિબેટ સરહદે ગ્યિરોંગ પોર્ટના ક્રોસિંગનો વીડિયો અટકાવવા મુશ્કેલ રહ્યું છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે પાણીના તીવ્ર પ્રવાહમાં સેકંડોમાં જ સેંકડો માણસો તણાઈ ગયા છે. છતાં ચીન માત્ર સાત લોકોના મોતના દાવા કરી રહ્યું છે.
એલર્ટમાં કલાકનો વિલંબ... નહીંતર સેંકડો જીવ બચી જાત
નેપાળ હોનારત પર ‘સિસ્ટમ’ની મોટી બેદરકારી સામે આવી છે. હવામાન વિભાગનો દાવો છે કે રસુવા જિલ્લા વહીવટી તંત્રને ચીન તરફથી પૂર આવવાની માહિતી સવારે 9 વાગ્યે મળી ગઈ હતી. આનાથી વિપરીત, વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે તેમને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સવારે 8:40 વાગ્યે માહિતી મળી હતી. બીજી તરફ, પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે તેમને સવારે 7:30 વાગ્યે પોતાના મિત્રો-સગાંસંબંધીઓ તરફથી પૂરની ચેતવણી મળી હતી. આ રીતે ત્રણેયના સમયમાં એક કલાકનો તફાવત છે. જો સમયસર એલર્ટ આપી દીધું હોત તો સેંકડો જીવ બચાવી શકાયા હોત.
નિષ્ણાતોના મતે વિશાળ બરફ-ખડક પડતાં પૂર આવ્યું
નેપાળમાં વિનાશ વેરનારું પૂર ઉંચા હિમાલયમાં બરફ અને ખડકોના વિશાળ જથ્થાના નીચે પડવાથી આવ્યું હતું, ભૂકંપ કે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF - હિમનદી તળાવ ફાટવાથી)ને કારણે નહીં તેમ નિષ્ણાતોનું કહેવું છે. નેપાળ એન્વાયર્ન્મેન્ટ સોસાયટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રસુવાના લાંગટાંગ લિસાંગ વિસ્તારમાં લગભગ 5,200 મીટરની ઊંચાઈએથી બરફ, ખડકો અને કાટમાળનો એક વિશાળ જથ્થો તૂટીને લહેન્દે નદીમાં પડ્યો હતો. જેના કારણે કાદવ-કાટમાળથી ભરેલું ભયાનક પૂર ઊભું થયું હતું અને તે ભોટેકોશી તથા ત્રિશુલી નદીઓ દ્વારા નીચેના વિસ્તારો તરફ આગળ વધ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter