કોરોના કટોકટીઃ થોડામાં ઘણું

Tuesday 14th April 2020 08:02 EDT
 

• કેટલાક લોકો વિચિત્ર માનસિકતા ધરાવે છે. યુકેના રેલ, મેરિટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ (RMT) વર્કર્સ યુનિયનના આસિસ્ટન્ટ વડા સ્ટિવ હેડલીએ કોરોના વાઈરસના ચેપગ્રસ્ત વડા પ્રધાન બોરિસ જ્હોન્સન રોગથી મરી જશે તો હું પાર્ટી આપી ઉજવણી કરીશ તેવું વિવાદાસ્પદ વિધાન કરી સોપો પાડી દીધો છે. વાર્ષિક ૧૦૦,૦૦૦ પાઉન્ડનો પગાર ખિસ્સામાં મૂકતા હેડલીએ વડા પ્રધાન જ્હોન્સનને હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડાયા તે પછી આ કોમેન્ટ ફેસબૂક પર મૂકી હતી. RMT ના પ્રેસિડેન્ટ મિશેલ રોજર્સ અને જનરલ સેક્રેટરી મિક કેશે આવી ટિપ્પણી તદ્દન અસ્વીકાર્ય હોવાનું કહી વખોડી હતી.

• લોકડાઉન દરમિયાન પબ્સ બંધ છે તેમજ ઘરમાં પણ શરાબપાન લગભગ ઓછું થઈ ગયું છે ત્યારે તેની આરોગ્ય પર ઘણી સારી અસર થતી હોવાનું જીપી અને cosmedics.co.ukના મેડિકલ ડાયરેક્ટર ડો. રોસ પેરી કહે છે. શરાબપાન ન કરવાથી બે સપ્તાહમાં જ ૨૦૦૦ કેલરી શરીરમાં ઓછી જાય છે અને એક મહિનો શરાબ ન પીવાય તો તમારા લીવરને ૧૫ ટકા ચરબી ઘટી જવાનો લાભ મળે છે. આમ ચરબીવિહોણું જઠર, સ્વચ્છ ત્વચા અને મજબૂત ઈમ્યુન સિસ્ટમ તેને બીમારી સામે લડવાનું જોમ આપે છે. સરકારી ગાઈડલાઈન્સ મુજબ પુરુષ અને સ્ત્રી સપ્તાહમાં ૧૪ યુનિટ સુધી શરાબ પી શકે છે જેના પરિણામે શરીરને વધારાની ૩૦૦૦ કેલરી મળે છે.

• કોરોના કટોકટી વધી છે ત્યારે બ્રિટિશરો દ્વારા ગૂગલ પર ફર્લો, યુનિવર્સલ ક્રેડિટ તેમજ બેનિફિટ્સ કેવી રીતે ક્લેઈમ કરવા સહિતની બાબતોનું ઓનલાઈન સર્ચિંગ વધી ગયું છે. યુએસમાં ‘ફર્લો’ શબ્દ સામાન્ય છે પરંતુ, યુકેમાં તેનો ઉપયોગ હમણા જ શરૂ થયો છે. નાણાકીય મુશ્કેલી અનુભવતા બ્રિટિશરોએ ‘યુનિવર્સલ ક્રેડિટ’ વિશે માહિતી શોધી છે. આશરે ૧૦ લાખ લોકો બેનિફિટ્સનો ક્લેઈમ કરવા પ્રયાસરત છે. હવે કોરોના વાઈરસના લક્ષણો વિશેની શોધખોળ ઘટી ગઈ છે.

• બ્રિટનમાં કોરોના સંક્રમણનો પ્રસાર અટકાવવામાં કાર્યરત લોકોને નવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો ચેપના પ્રસાર માટે 5G કનેક્ટિવિટીને જવાબદાર ઠેરવી રહ્યાં છે. લોકો મોબાઈલ એન્જિનિયર્સને ધમકી આપવા સાથે 5G ટાવર સળગાવી રહ્યાં છે. જોકે, નિષ્ણાતોએ ચેપના ફેલાવાને 5G કનેક્ટિવિટી સાથે કોઈ સંબંધ ન હેવાની સ્પષ્ટતા કરી છે.

• સરકારે કોરોના વાઈરસના જંગમાં ખર્ચના વધારેલા વ્યાપને પહોંચી વળવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પાસે ‘ઓવરડ્રાફ્ટ’ વ્યવસ્થાને લંબાવી છે. દેશની યુનિવર્સિટીઓએ નાણાકીય નિષ્ફળતા અને સંભવિત તૂટી પડવાને પહોંચી વળવા સરકાર પાસેથી બે બિલિયન પાઉન્ડના પેકેજની માગણી કરી છે. બીજી તરફ, સરકાર દેશના સાંસદોને કોરોના મહામારીમાં તેમની ઓફિસો માટે વધારાના ૧૦,૦૦૦ પાઉન્ડ ચૂકવવા તૈયાર થઈ છે જેને, જાહેર નાણાના દુર્વ્યય તરીકે વખોડવામાં આવેલ છે.

• યુકેમાં સમર વેકેશન માટે શાળાઓ બંધ થાય તે પહેલા થોડો સમય ફરી ખોલવાની માગણી થઈ રહી છે. શાળાઓ સપ્ટેમ્બર મહિના સુધી બંધ રહી શકે છે તેવા ભય વચ્ચે હેડટીચર્સ કહે છે કે વૈજ્ઞાનિક સલાહ હોય અને શાળાઓ ખોલવી સલામત જણાય તો તે થોડો સમય ખોલવી જોઈએ.

• કોરોના વાઈરસ સામેના જંગમાં બ્રિટનના તબીબોની મદદ કરવા તુર્કી આગળ આવ્યું છે. તુર્કીએ સર્જિકલ માસ્ક્સ, N૯૫ ઈન્ડસ્ટ્રીઅલ માસ્ક અને હઝમટ સ્યૂટ્સ સહિત ઈમર્જન્સી સાધનો-ઉપકરણો સાથે વિમાન મોકલવાનું શરૂ કરી દીધું છે.

• ડેનમાર્કમાં કોરોના વાઈરસના કેસીસ ઘટવા સાથે બુધવાર ૧૫ એપ્રિલથી શાળાઓ અને ડે કેર સેન્ટર્સ ફરી ખોલવામાં આવશે. જોકે, બાર,રેસ્ટોરાં, શોપિંગ કોમ્પ્લેક્સીસ બંધ રાખવા તેમજ ૧૦થી વધુ માણસ એકત્ર થવા પર પ્રતિબંધ સહિતના અન્ય પગલાં ઓછામાં ઓછું એક મહિનો અમલમાં રહેશે. ડેનમાર્કમાં શનિવારે ૨૪૭ના મૃતાંક સાથે ચેપગ્રસ્તની સંખ્યા ૫૮૦૦થી વધુ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter