કોરોના વાઈરસ ગભરાટઃ રોકાણકારોના £૧૫૦ બિલિયનનું ધોવાણ

Wednesday 11th March 2020 04:11 EDT
 

લંડનઃ સમગ્ર વિશ્વના ૯૫ દેશમાં કોરોના વાઈરસના કેસ ૪,૦૬૨ મૃત્યુઆંક સાથે ૧૧૫,૦૦૦ ને નજીક પહોંચવા સાથે વાઈરસના ગભરાટની અસર લંડનના માર્કેટ્સ પર પડી હતી જેના કારણે રોકાણકારોના ૧૫૦ બિલિયન પાઉન્ડનું ધોવાણ થયું હતું. ત્રણ સપ્તાહ અગાઉ વાઈરસ કટોકટીનો આરંભ થયો તે પછી નવ માર્ચ, સોમવારે FTSE 100 કંપનીઓના શેર્સ ૮.૫ ટકા એટલે કે ૫૫૦ પોઈન્ટ નીચે પટકાયા હતા. ૨૦૦૮ની નાણાકીય કટોકટી પછી આ સૌથી મોટો દૈનિક ઘટાડો હતો અને કટોકટીના આરંભ પછી કુલ ૧૪૦૦ પોઈન્ટનો ઘટાડો થયો છે. સૌથી વધુ નુકસાન, બ્રિટિશ પેટ્રોલિયમ, રોયલ ડચ શેલ અને ટ્રાવેલ કંપની TUIને થયું હતું. બીજી તરફ, ઓઈલના ભાવ ૧૯૯૧ના ગલ્ફ યુદ્ધ પછી સૌપ્રથમ વખત તળિયે પહોંચ્યા હતા. ઈટાલીમાં ૭૦૦૦થી વધુ કેસ અને ૪૬૩ લોકોના મૃત્યુ સાથે સમગ્ર દેશમાં તાળાબંધી જાહેર કરવા સાથે કડક નિયંત્રણો લાગુ કરાયા હતા. યુકેમાં વાઈરસના ૩૭૩ કેસ સાથે મૃત્યુઆંક છ થયો હતો.

બ્રિટિશરો ઈટાલીથી પાછા આવી શકે

ઈટાલીના નિયંત્રણોના પગલે યુકે સરકારે પણ બ્રિટિશ નાગરિકોને આવશ્યક ન હોય ત્યાં સુધી દેશમાં પ્રવાસ નહિ કરવા સલાહ આપી છે. કોરોના વાઈરસગ્રસ્ત ઈટાલીમાં નવા પ્રવાસ નિયંત્રણોનું ઉલ્લંઘન કરનારાને ત્રણ માસની સખત કેદનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિમાં પણ તાળાબંધી હેઠળના ઉત્તર ઈટાલીમાંથી બ્રિટિશરો વિમાનમાર્ગે ઘેર આવી શકશે અથવા પોતાની રજાઓ પૂરી કરી શકશે તેમ યુકેની ફોરેન ઓફિસે જણાવ્યું છે. એરપોર્ટ્સ ખુલ્લાં રહેશે અને બ્રિટિશરો કોઈ પણ નિયંત્રણો વિના ઈટાલીથી દેશ પરત આવી શકશે. જોકે, તેઓને ઘરમાં જ ૧૪ દિવસ સુધી અલાયદા રહેવા અનુરોધ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter