કોરોના વાઈરસથી BAME કોમ્યુનિટીના ૧૬.૨ ટકા લોકો મોતનો શિકાર બન્યા

કોરોના વાઈરસથી મોતને ભેટેલા ૧૬ ટકામાંથી ૩ ટકા ભારતીય મૂળના, ૨.૧ ટકા પાકિસ્તાની મૂળના અને ૦.૬ ટકા બાંગલાદેશી મૂળના લોકો

Friday 01st May 2020 01:13 EDT
 
 

લંડનઃ યુકેમાં કોરોના વાઈરસ માટે પોઝિટિવ અને મોતને ભેટેલા લોકોમાંથી બ્લેક, ઓશિયન એન્ડ માઈનોરિટી એથનિક (BAME) સમૂહના ૧૬ ટકાથી વધુ લોકો હોવાનું NHS ઈંગ્લેન્ડનો ડેટા જણાવે છે. ૧૭ એપ્રિલના ડેટા મુજબ ૧૩,૯૧૮ પેશન્ટ્સ ઈંગ્લેન્ડમાં હતા જેઓ મોત સમયે કોવિડ-૧૯ માટે ટેસ્ટ પોઝિટિવ થયા હતા. જેમાંથી ૭૩.૬ ટકા શ્વેત વંશીયતા અને ૧૬.૨ટકા BAME વંશીયતાના હતા. બાકીના ૯.૫ ટકાની વંશીયતા ઓળખી શકાઈ ન હતી.

BAME કોમ્યુનિટીના લોકો કોવિડ-૧૯થી શા માટે વધુ અસર પામે છે તેની તપાસ કરવા ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા સમીક્ષાની જાહેરાત પછી આ આંકડા જાહેર કરાયા હતા. કોરોના વાઈરસથી મોતને ભેટેલા ૧૬ ટકામાંથી ૩ ટકા ભારતીય મૂળના, ૨.૧ ટકા પાકિસ્તાની મૂળના અને ૦.૬ ટકા બાંગલાદેશી મૂળના લોકો હતા. કેરેબિયન સમુદાય બીજો સૌથી પીડિત સમુદાય હતો. મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકોમાં ૨.૯ ટકા નાગરિકો કેરેબિયન મૂળના હતા. કોરોના મહામારીમાં એશિયન લઘુમતી મૂળના ૨,૨૫૨ લોકોનાં મૃત્યુ થયાં હતાં જેમાંથી, ભારતીય મૂળના લોકોની સંખ્યા સૌથી વધુ ૪૨૦ હતી અને પાકિસ્તાની મૂળના લોકોની સંખ્યા ૩૦૦ જેટલી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧ની બ્રિટિશ વસ્તીગણતરી અનુસાર દેશની વસ્તીમાં BAME કોમ્યુનિટી વર્ક ફોર્સના લોકો ૧૦.૮ ટકા હતા.

યુકેના ઈન્ટેન્સિવ કેર નેશનલ ઓડિટ એન્ડ રિસર્ચ સેન્ટર (ICNARC)નો તાજેતરનો અહેવાલ જણાવે છે કે દેશના વંશીય લઘુમતી વસ્તીને ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરવી પડે તેની વધુ શક્યતા છે. જે સમગ્રતયા યુકેની વસ્તીના ૧૩ ટકા પ્રમાણ કરતાં ત્રણ ગણી હોઈ શકે છે. યુકેસ્થિત ભારતીય મૂળના ડોક્ટર્સે દક્ષિણ એશિયાઈ લોકોમાં કોરોના વાઈરસના વધુ ચેપ અને મોતની બાબતમાં વંશીયતાની ભૂમિકામાં ઉંડી તપાસ આરંભી છે.

બ્રિટનમાં ભારતીય ડોક્ટરોના મુખ્ય પ્રતિનિધિ જૂથ બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO)ના પ્રમુખ ડો. રમેશ મહેતાએ જણાવ્યું હતું કે,‘ કોમ્યુનિટીઓ અટકાવાત્મક પગલાં લઈ શકે તે માટે તફાવત સર્જનારા પરિબળોની તપાસ માટે સંશોધકોની ટીમ તૈયાર કરાઈ છે. આ પ્રવાહ પાછળ વિટામીન-ડીની ઉણપ, મોટા ભારતીય પરિવારમાં સામાજિક અંતર જાળવી શકવાનો અભાવ અથવા જનીનિક કારણો સહિત અનેક પરિબળોનો એક નહિ પરંતુ, સમૂહ પણ કારણરુપ હોઈ શકે છે.’

BAPIO દ્વારા ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટી અને NHS ઈંગ્લેન્ડના મેડિકલ ડાયરેક્ટર સ્ટીફન પોવાઈસને પત્રો લખી કોવિડ-૧૯ હોસ્પિટલ એડમિશન્સના તમામ સત્તાવાર ડેટા રિસર્ચ માટે આપવા વિનંતી કરી છે. પત્રોની નકલ NHS ઈંગ્લેન્ડ અને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડને પણ મોકલાઈ છે. કોરોના મહામારીના સંજોગોમાં વધેલા કાર્યબોજમાં સાથ આપવા NHSની હાકલને માન આપી ભારતીય મૂળના સેંકડો નિવૃત્ત ડોક્ટર્સ હોસ્પિટલોની ફ્રન્ટલાઈન સારવાર માટે હાજર થઈ રહ્યાં છે ત્યારે લઘુમતી વંશીય કોમ્યુનિટીઓમાં કોરોના વાઈરસથી થતાં મોત વિશે મર્યાદિત ડેટા ચિંતા ઉપજાવી રહ્યો છે. NHS ફ્રન્ટલાઈન પર કાર્યરત ડોક્ટરોમાં એક પ્રોફેસર પરાગ સિંઘલ કહે છે કે,‘ પુરાવા ઘણા મર્યાદિત છે આથી, યોગ્ય અભ્યાસ આવશ્યક છે. અમારી દરખાસ્ત છે કે વંશીયતાને ધ્યાનમાં લીધા વિના સીનિયર અને નિવૃત્ત ક્લિનિશિયન્સને ફ્રન્ટલાઈન ફરજથી અળગા અન્ય કામે રાખવા જોઈએ. BAME ડોક્ટર્સે જોખમોના મૂલ્યાંકન માટે તેમની બીમારીઓ સંબંધે તેમના એમ્પ્લોયર્સ સાથે પણ ચર્ચા કરવી જોઈએ.’

યુકેમાં જીવલેણ કોરોના વાઈરસથી મોતનો શિકાર બનેલા NHS વર્કફોર્સમાં ભારતીય મૂળના અનેક ડોક્ટર્સ છે જેમાં મૂળ ગુજરાતના અને વેલ્સસ્થિત ૫૮ વર્ષીય કાર્ડિયાક સર્જન જિતેન્દ્ર કુમાર રાઠોડ તેમજ કેરળના અને બર્મિંગહામસ્થિત ૮૦ વર્ષીય હમઝા પાછીરીનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter