કોરોના વાઈરસના હળવાં લક્ષણો સાથેના દર્દીઓ ઘરમાં જ રહેશે

Wednesday 11th March 2020 04:13 EDT
 
 

લંડનઃ યુકેમાં હવે કોરોના વાઈરસના હળવાં લક્ષણો ધરાવતા પેશન્ટ્સને હોસ્પિટલમાં દાખલ કર્યા વિના કોમ્યુનિટીમાં જ રહેવા દેવાશે અને પોતાની મેળે જ ઘરમાં એકલા રહે તેવી સૂચના આપવામાં આવશે. કોરોના વાઈરસ સાથેના પેશન્ટ્સને સ્પેશિયાલિસ્ટ સેન્ટરમાં ક્વોરેન્ટાઈન કરવાના પ્રયાસો પડતા મૂકાયા છે. બ્રિટનના અડધોઅડધ કોરોના વાઈરસ દર્દીને ઈયુની સલાહથી વિપરીત ઘેર મોકલી દેવાયા છે. કુ એમ પણ કહેવાય છે કે ફાટી નીકળેલા રોગચાળાનો સામનો કરવા NHS પાસે પૂરતાં પ્રમાણમાં પથારીઓ નથી.

ગુરુવાર, પાંચ માર્ચે યુકેમાં કોરોના વાઈરસ સાથેના પ્રથમ પેશન્ટનું મોત થયું છે જે બર્કશાયરની નાજૂક તબિયતની વૃદ્ધ મહિલા હોવાનું કહેવાય છે. આ ૭૫ વર્ષની મહિલાએ તાજેતરમાં વિદેશ પ્રવાસ કર્યો ન હતો અને યુકેમાં રહી તેમને કેવી રીતે ચેપ લાગ્યો તેની તપાસ સત્તાવાળાઓએ હાથ ધરી છે. અગાઉ આ મહિલા કોરોના વાઈરસ સિવાયની તકલીફો સાથે હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. જોકે, છેલ્લે રીડિંગમાં રોયલ બર્કશાયર હોસ્પિટલમાં દાખલ થયાં ત્યારે વાઈરસ માટે પોઝિટિવ જણાયાં હતાં. વયોવૃદ્ધ લોકોની ઈમ્યુન સિસ્ટમ નબળી હોવાનાં કારણે તેમને જીવલેણ ચેપ જલ્દી લાગી શકે છે.

આ મોતથી Covid-19 સામે કામ પાર પાડવાનો નવો તબક્કો શરૂ થયો છે. ચેપગ્રસ્ત દર્દીને સ્પેશિયાલિસ્ટ સેન્ટરમાં અલાયદા રાખવાના પ્રયાસ છોડી દેવાની રણનીતિ ‘અટકાવ’ના બદલે ‘વિલંબ’ના તબક્કામાં લઈ જવાની છે. ૩૨૧ બ્રિટિશરો પરીક્ષણોમાં પોઝિટિવ જાહેર થયા છે તેમાં ૯૮માંથી ૪૫ સાજા થયાં નથી અને હળવાં લક્ષણો સાથે ઘરમાં જ પરિવારથી અલાયદા રહે છે. તેઓ માત્ર ખોરાક અને પાણી માટે જ તેમના બેડરૂમમાંથી બહાર આવે છે. આરોગ્ય અધિકારીઓ સતત તેમના સંપર્કમાં રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter