કોરોનાની અસરઃ બ્રિટિશ એરવેઝના ૩૬,૦૦૦ કર્મચારી સસ્પેન્ડ કરાશે

Wednesday 08th April 2020 00:33 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારીને પગલે બ્રિટિશ એરવેઝ દ્વારા ગેટવિકથી જતી અને આવતી તમામ ફ્લાઇટ બંધ કરી દેવાતા ૩૬,૦૦૦ કર્મચારીની નોકરી સામે જોખમ સર્જાયું છે. યુનાઇટેડ યુનિયન સાથેની સમજૂતી અનુસાર એરલાઇન્સ ૮૦ ટકા સ્ટાફ સસ્પેન્ડ કરવાની કામગીરી આગળ વધારી રહી છે. બ્રિટિશ એરવેઝ દ્વારા ગેટવિક એરપોર્ટથી જનારા અને આવનારા તમામ ઉડ્ડયન રદ કર્યા છે. લંડન સિટી એરપોર્ટથી પણ બ્રિટિશ એરવેઝની તમામ કામગીરી સ્થગિત કરી દેવાઈ છે. અસરગ્રસ્ત કર્મચારીઓને સરકાર પાસેથી વેતનનો થોડો હિસ્સો મળશે તેવી અપેક્ષા છે.

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને કારણે એવિએશન ઈન્ડસ્ટ્રી ભારે મુશ્કેલીમાં આવી છે ત્યારે આર્થિક બોજા હેઠળ બ્રિટિશ એરવેઝ પોતાના અંદાજે ૩૬,૦૦૦ કર્મચારીઓને છુટા કરી શકે છે. યુનાઇટેડ યુનિયન સાથે ૧૦ દિવસની લાંબી મંત્રણા પછી સમજૂતીને પગલે એરલાઇન પોતાના કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ, એન્જીનીયર્સ અને વડામથક ખાતે કામ કરનારા કર્મચારીઓમાંથી ૮૦ ટકાને સસ્પેન્ડ કરશે પરંતુ, તેમની છટણી કરવામાં નહિ આવે. અહેવાલો અનુસાર એરલાઇન દ્વારા કોરોના વાઇરસ રોગચાળાને પગલે ગેટવિક એરપોર્ટથી પોતાના તમામ ઉડ્ડયન સ્થગિત કર્યા છે. તેની ગંભીર અસર ઉડ્ડયન ક્ષેત્રે જોવા મળી રહી છે.

એરલાઇન દ્વારા વેસ્ટ સસેક્સ એરપોર્ટથી યુરોપ, અમેરિકા અને કેરેબિયન જનારા સહિત સમગ્ર યુકે ખાતેના લંડન સિટી એરપોર્ટથી જતા આવતા પોતાના તમામ વિમાનનું ઉડ્ડયન રદ કરાયું છે. કેટલાક ઘટાડી દેવાયેલા શિડ્યુઅલ સાથે ફક્ત લંડન હિથ્રોથી ફ્લાઇટોનું આવાગમન ચાલુ છે.

ફોરેન સેક્રેટરી ડોમિનિક રેબ્સ દ્વારા વિદેશની ધરતી પર અટવાયેલા બ્રિટિશ નાગરિકોને પરત સ્વદેશ લાવવા માટે ૭૫ મિલિયન પાઉન્ડની સહાયવાળા અભિયાન હેઠળ તેના વિમાન ઉડી રહ્યાં છે. અસરગ્રસ્ત કર્મચારીઓને આશા છે કે તેમને સરકારની જોબ રીટેન્શન યોજના હેઠળ વેતનનો કેટલોક હિસ્સો મળશે. જે હેઠળ સરેરાશ વેતનની સરખામણીએ ૨૫૦૦ પાઉન્ડ દર મહિને મળી શકે તેમ છે.

પોતાના તમામ ૩૩૦ એરક્રાફ્ટનું ઉડ્ડયન બંધ કરી તેને ગ્રાઉન્ડ કરી દઇને ઇઝીજેટ યુકેની એ પ્રથમ એરલાઇન કંપની બની હતી જેણે પોતાની કામગીરી બંધ કરી હોય. ઇઝીજેટના નિર્ણય પછીના ગણતરીના કલાકોમાં બ્રિટિશ એરવેઝ દ્વારા ગેટવિકના નોર્થ ટર્મિનલને બંધ કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો. આર્થિક ભારણ ઘટાડવા માટે બુધવારે ગેટવિકના સાઉથ ટર્મિનલની સાથે નોર્થ ટર્મિનલને બપોરે બે વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી બંધ રાખવાનું નક્કી કરાયું હતું. જેની અસર કર્મચારીઓને પણ થઇ છે. કોલ સેન્ટર કર્મચારીઓ અને સક્રિય કામગીરીમાં સામેલ કર્મચારીઓને સમજૂતી અનુસાર પૂરા પગારે ચાલુ રખાયા છે. હાલ તો સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ તથા કંપની વચ્ચે વાટાઘાટ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ કેટલા કર્મચારીઓની નોકરી જોખમમાં છે તે અંગેની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. પ્રવક્તાએ કહ્યું હતું કે હાલના સમયે અનેક વિમાની કંપનીઓ વિવિધ પડકારો સામે ઝઝૂમી રહી છે, અનેકે તો કામચલાઉ ધોરણે કામગીરી પણ બંધ કરી છે.બે અઠવાડિયા અગાઉ કંપની દ્વારા કર્મચારીઓને નિર્દેશ અપાયો હતો કે કોરોના વાઇરસ પ્રકોપને પગલે કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે તેમ છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ એલેક્સ ક્રુઝે તમામ ૪૫૦૦૦ કર્મચારીઓને પત્ર લખી જણાવ્યું હતું કે આ જીવલેણ વાઇરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને વૈશ્વિકસ્તરે તેની અસર થઇ રહી છે અને વર્ષ ૨૦૦૮ની આર્થિક મંદી, સાર્સ કે નાઇનઇલેવન કરતાં વધારે ગંભીર પરિણામ માટે તૈયાર રહેવા પણ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter