કોલંબોમાં ઇસ્ટર સન્ડે રક્તરંજિતઃ ૮ બોમ્બ વિસ્ફોટમાં ૨૯૦નાં મોત

Monday 22nd April 2019 06:20 EDT
 
 

કોલંબોઃ શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૨૯૦ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે સેંકડો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી ખ્રિસ્તી સમુદાયના છે. કોલંબોના સેન્ટ એન્થની ચર્ચ, નેગોમ્બો કસ્બાના સેબેસ્ટિયન ચર્ચ અને પૂર્વીય શહેર બાટ્ટિકલોઆના ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી પરિવારો ઇસ્ટર સન્ડે પર્વે યોજાયેલી પ્રેયર સર્વીસમાં ઉમટ્યા હતા. પ્રાર્થનાસભા ચાલતી ત્યારે જ સવારે ૮.૪૫ કલાકે પ્રચંડ બોમ્બ વિસ્ફોટોથી આ ત્રણે ચર્ચમાં મોતનું તાંડવ સર્જાયું હતું. બાદમાં પાટનગરની ત્રણ જાણીતી ફાઇવસ્ટાર હોટેલો - શાંગ્રિલા, સિન્નામોન ગ્રાન્ડ અને કિંગ્સબરી બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠી હતી. ઇસ્ટર પર્વના કારણે શહેરની ફાઇવસ્ટાર હોટેલોમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉજવણી માટે ઉમટ્યા હતા. આમ જ્યાં થોડી સેકન્ડ પૂર્વે પ્રાર્થના, આનંદ-ઉલ્લાસનો માહોલ હતો ત્યાં ચિચિયારીઓ અને આક્રંદનું મોજું ફરી વળ્યું હતું. હજુ તો આ લોકોને આ વિસ્ફોટની કળ વળે તે પૂર્વે બપોરના સમયે વધુ બે વિસ્ફોટ થયા હતા. આ આયોજનબદ્ધ હુમલાની જવાબદારી હજુ સુધી તો કોઇ આતંકી સંગઠને સ્વીકારી નથી, પરંતુ પ્રાથમિક અહેવાલ અનુસાર આ વિસ્ફોટ પાછળ ઇસ્લામિક કટ્ટરવાદીઓનો હાથ છે.

સવારના છ ધડાકા બાદ બપોરે બે વાગ્યા બાદ સાતમો ધડાકો કોલંબોના ઉપનગર દેહીવાલાની એક હોટેલમાં થયો હતો જેમાં બે લોકોના મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ કોલંબોના એક વિસ્તારમાં જ્યારે પોલીસ પહોંચી ત્યારે આઠમો ધડાકો થયો હતો. પોલીસને જોઈને એક સ્યુસાઇડ બોમ્બરે પોતાની જાતને વિસ્ફોટકથી ઉડાવી દીધી હતી. આ ધડાકામાં ત્રણ પોલીસના મૃત્યુ થયાં હતાં.
ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવીને કરાયેલા આ ૮ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ૨૯૦ લોકોનાં મોત થયાં છે જ્યારે ૫૦૦થી વધુને ઈજા પહોંચી છે. મૃતકોમાં ૩૫ વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ ભારતીય સિવાય અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ અને નેધરલેન્ડના નાગરિકો હોવાની પ્રારંભિક જાણકારી મળી છે. આ હુમલામાં કુલ છ ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે.
શ્રીલંકામાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પર આઘાત વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ જણાવ્યું હતું કે, હું આજની પરિસ્થિતિથી અત્યંત આઘાતજનક સ્થિતિમાં છું. હું જનતાને શાંત રહેવા અને અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરાવાની અપીલ કરું છું. તપાસના આદેશ આપી દેવાયા છે.
શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ કોલંબો અને બાટ્ટીકાલોઆમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે તાકીદની બેઠક બોલાવી હતી. શ્રીલંકાની સરકારે સોમવાર અને મંગળવારે શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. તમામ એરપોર્ટ સીલ કરી દેવાયા છે. આ ધડાકાઓના પગલે દેશમાં અફવા, હિંસા અને અરાજકતાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે શ્રીલંકામાં રાત્રિ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. ઇન્ટરનેટ સર્વીસ ટર્મિનેટ કરાઇ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવાયો છે. આગામી ૧૦ દિવસ સુધી સમગ્ર દેશમાં હાઈ એલર્ટનો આદેશ અપાયો છે. ગુપ્તતંત્રે ચેતવણી આપી હતી કે, આત્મઘાતી હુમલાખોરો દેશના પ્રતિષ્ઠિત સ્થળો પર હુમલાની યોજના બનાવી રહ્યાં છે.

કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી

શ્રીલંકાના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ સાત શકમંદોની ધરપકડ કરી છે. અત્યાર સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. પ્રારંભિક અહેવાલો પ્રમાણે ૬ પૈકીના બે હુમલા આત્મઘાતી બોમ્બરો દ્વારા કરાયા છે. શાંગ્રિલા હોટેલ ખાતે સ્યુસાઇડ બોમ્બર ઝહરાન હાશિમ દ્વારા હુમલો કરાયો હતો. બાટ્ટિકાલાઓ ખાતેના ચર્ચમાં આત્મઘાતી હુમલો કરનારને અબુ મોહમ્મદ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે.

વિસ્ફોટની ચેતવણી અપાઇ હતી

શ્રીલંકામાં રવિવારે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા સંદર્ભે ૧૦ દિવસ પહેલાં જ ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા અને સંબંધિત સત્તાધિશોને તેની જાણ પણ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર, ૧૧ એપ્રિલે પોલીસ ચીફ પૂજૂથ જયસૂંદ્રાએ એક એલર્ટ પણ જારી કરી હતી. એ એલર્ટમાં લખાયું હતું કે વિદેશી એજન્સીઓએ માહિતી આપી છે કે નેશનલ તૌહિત જમાત આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેમના નિશાન પર ચર્ચ અને ભારતીય રાજદૂતાવાસ હોઈ શકે છે. પોલીસ પ્રમુખના એલર્ટ બાદ પણ જો આવા હુમલા થાય તો એ શ્રીલંકા પ્રશાસન માટે ચિંતાનો વિષય છે. જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો આજે અનેક લોકોના જીવ બચી ગયા હોત અને લોકો શ્રીલંકામાં ધૂમધામથી ઈસ્ટર મનાવતા હોત.

બોમ્બર બ્રેકફાસ્ટની લાઇનમાં...

સુરક્ષા અધિકારીઓને આશંકા છે કે બે ચર્ચમાં આત્મઘાતી બોમ્બરો દ્વારા હુમલો કરાયો છે. ફાઈવસ્ટાર કક્ષાની શાંગ્રીલા હોટેલ, સિનામોન ગ્રેન્ડ હોટેલ અને કિંગ્સબરી હોટેલમાં બોમ્બધડાકા થયા છે. સિનામોન હોટેલના મેનેજરે કહ્યું હતું કે સુસાઈટ બોમ્બર ખોટું એડ્રેસ આપીને હોટલમાં રોકાયો હતો. તે સવારના બ્રેકફાસ્ટની લાઈનમાં ઊભો રહ્યો હતો અને પોતાની જાતને ઉડાવી દીધી હતી.

નેશનલ તૌહિત જમાત પર શંકાની સોય

ગુપ્તચર અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, નેશનલ તૌહિત જમાત નામનું સંગઠન શ્રીલંકાના કેટલાક મહત્ત્વના ચર્ચને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ સંગઠન કોલંબો સ્થિત ભારતીય દૂતાવાસને પણ નિશાન બનાવવા માગતું હતું. નેશનલ તૌહિત જમાત એક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે. ગયા વર્ષે કેટલાક બૌદ્ધ ધર્મસ્થળો પર હુમલા થયા પછી આ સંગઠનનું અસ્તિત્વ જાહેર થયું હતું. અલબત્ત, કોલંબો સિરિયલ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી.

પોલીસ ડોક્ટર અને નર્સોની રજાઓ કેન્સલ

બોમ્બ ધડાકાના પગલે તમામ પોલીસ, ડોક્ટરો અને નર્સોની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. કોલંબોના ભંડારનાયકે એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાવ્યો છે. ૩ ચર્ચ અને ૩ હોટલ પર આતંકવાદી હુમલા બાદ કોલંબોની હોસ્પિટલો મૃતદેહો અને ઘાયલોથી ઊભરાઈ ગઈ હતી. હોસ્પિટલમાં પથારીઓ ખૂટી પડી હતી. લોહની અછત સર્જાતા નેશનલ બ્લડ ટ્રાન્શફ્યુઝન સર્વેસ જાહેર અપીલ જારી કરી હતી જેના પગલે મોટી સંખ્યામાં શ્રીલંકનો રક્તદાન કરવા માટે હોસ્પિટલો ખાતે ઊમટી પડ્યા હતા.

ખ્રિસ્તીઓ પર ૧ વર્ષમાં ૮૬ હુમલા

શ્રીલંકામાં ૨૦૦ ચર્ચ અને અન્ય ખ્રિસ્તી સંગઠનોના મુખ્ય સંગઠન નેશનલ ક્રિશ્ચિયન ઇવેન્જલિકલ એલાયન્સના જણાવ્યા અનુસાર ખ્રિસ્તીઓ પર હુમલા કરવાની છેલ્લા એક વર્ષમાં ૮૬ ઘટના નોંધાઇ છે. શ્રીલંકાની કુલ વસતી ૨.૨૦ કરોડ છે. જેમાં ૭૦ ટકા બૌદ્ધ, ૧૨.૬ ટકા હિંદુ, ૯.૭ ટકા મુસ્લિમ અને ૭.૬ ટકા ખ્રિસ્તી છે.

૨૦૦૬માં ૧૨૦ નેવી સેઇલર્સની હત્યા

લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (એલટીટીઈ)ના ચીફ વી. પ્રભાકરે ૨૦૦૬માં શ્રીલંકન નેવીના સેઇલર્સના કાફલા પર હુમલો કરાવ્યો હતો. જેમાં ૧૨૦ સેઇલર્સના મૃત્યુ થયા હતા. એ સમયે પ્રભાકરન્ તામિલો માટે અલગ રાજ્યની માગણી કરતા હતા અને તેમનું સંગઠન શ્રીલંકન સેના સામે લડતું હતું. ૨૦૦૬માં ૧૬ ઓક્ટોબરે આશરે ૨૦૦ જેટલા સેઇલર્સ રજાઓ ગાળવા પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે દિગમપટાયામાં સેઈલર્સની ૧૫ બસો વચ્ચે પ્રભાકરને વિસ્ફોટકો ભરેલી કાર ઘુસાડી દીધી હતી. એમાં રહેલા વિસ્ફોટકો ફાટવાથી સેઈલર્સના મૃત્યું થયાં હતાં.

આ પ્રકારની જંગલિયતને સ્થાન નથી: વડા પ્રધાન મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું શ્રીલંકામાં થયેલા ભયાનક વિસ્ફોટોને સખતાઈથી વખોડી કાઢું છું. આ પ્રકારની જંગલિયતને આપણા ક્ષેત્રમાં કોઈ સ્થાન નથી. ભારત શ્રીલંકાની જનતા સાથે અડીખમ ઊભો છે. મૃતકોના પરિવારજનોને મારી સાંત્વના અને ઘાયલો માટે પ્રાર્થના.

ક્યાં વિસ્ફોટ થયાં?
• વિસ્ફોટ ૧ઃ સેન્ટ એન્થની ચર્ચ-કોલંબો
• વિસ્ફોટ ૨ઃ સેબેસ્ટિયન ચર્ચ, નેગોમ્બો-કોલંબો
• વિસ્ફોટ ૩ઃ ચર્ચ, બાટ્ટિકાલોઆ શહેર
• વિસ્ફોટ ૪ઃ ધ શાંગ્રિલા હોટેલ
• વિસ્ફોટ ૫ઃ ધ સિન્નામોન ગ્રાન્ડ હોટેલ
• વિસ્ફોટ ૬ઃ ધ કિંગ્સબરી હોટેલ
• વિસ્ફોટ ૭ઃ દેહીવાલાની હોટેલ
• વિસ્ફોટ ૮ઃ કોલંબોમાં તપાસ સ્થળે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter