ગાંધીવિચારો વિશ્વને મળેલી અણમોલ ભેટઃ ઓબામા

Wednesday 28th January 2015 09:15 EST
 
રાજઘાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ બાદ ઓબામાએ પીપળાનો છોડ રોપ્યો હતો. તેમણે વિઝિટ બુકમાં લખ્યું હતુંઃ ગાંધીજીનો આત્મા આજે પણ ભારતમાં જીવંત છે. ઓબામાને ગાંધીજીની અર્ધપ્રતિમા, પુસ્તકો, ચરખો સહિતની ભેટ અપાઇ હતી.
 

ઓબામાએ ગાંધીજીની સમાધી પર પુષ્પાંજલિ અર્પ્યા બાદ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં ઓબામાએ મુલાકાતીઓની નોંધપોથીમાં લખ્યું હતું કે ડો. માર્ટિન લ્યુથર કિંગે (જુનિયર) જે કહ્યું હતું તે આજે પણ સત્ય જણાય છે કે મહાત્મા ગાંધીજીનો આત્મા (તેમના ઉપદેશરૂપે) આજે પણ ભારતમાં જીવંત છે. અને તે વિશ્વ માટે એક અણમોલ ભેટ છે. ચાલો આપણે બધા લોકો અને રાષ્ટ્રો તેમની આ પ્રેરણા સાથે પ્રેમ અને શાંતિથી જીવીએ.'
વર્ષ ૨૦૧૦માં ઓબામા ભારત આવ્યા હતા અને તે સમયે પણ તેમણે ગાંધીજીનાં સમાધિસ્થળની મુલાકાત લીધી હતી. ઓબામા ગાંધીજીથી ઘણા પ્રભાવિત છે. ૨૦૧૦માં ઓબામાએ મુલાકાત લીધી ત્યારે સંદેશો લખ્યો હતો. જેમાં તેમણે ગાંધીજી અંગે કહ્યું હતું કે 'આ મહાન આત્મા (ગાંધીજી)ને આપણે હંમેશાં યાદ કરતાં રહીશું કે જેણે પૂરાં વિશ્વને શાંતિ, પ્રેમ, સહિષ્ણુતાના સંદેશા દ્વારા બદલી નાખ્યું, તેમના ગયાનાં ૬૦ વર્ષ બાદ પણ તેમણે ફેલાવેલો પ્રકાશ આજે પણ પૂરા વિશ્વને પ્રેરણા આપી રહ્યો છે.'

ચરખો અને ગાંધીપુસ્તકોની ભેટ

ઓબામાને ગાંધીજીની સમાધિની મુલાકાત દરમિયાન ગાંધીજીની અર્ધપ્રતિમા, આત્મકથા સહિત ત્રણ પુસ્તકો, ખાદીથી બનેલું સ્મારકપત્ર અને ચરખો ભેટ આપવામાં આવ્યાં હતાં. ઓબામાને આ ભેટ રાજઘાટના સેક્રેટરી રજનીશ કુમારે આપી હતી. ભેટ આપેલી સામગ્રીમાં આત્મકથા સિવાય જે બે પુસ્તકો છે તેમાં માઇન્ડ ઓફ મહાત્મા ગાંધી અને મહાત્મા ગાંધી ૧૦૦ વર્ષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓબામાને ખાદીનું વસ્ત્ર પણ અર્પણ કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter