ગુજરાતી રંગભૂમિનાં ‘રાણી’ને અંજલિ આપે છે અરવિંદ રાઠોડ

Thursday 28th January 2016 05:21 EST
 
 

(જીવનનાં ૪૫ વર્ષના સંબંધોથી જોડાયેલા અરવિંદ રાઠોડ અને પદ્મારાણીના સંબંધોમાં કોઈને પણ ઈર્ષા આવે એવો પ્રેમ હતો, આદર હતો અને એકબીજા માટે સત્કાર પણ હતો. પદ્માબહેનને કેન્સર ડિટેક્ટ થયું એ દિવસથી ૨૫ જાન્યુઆરીની બપોર સુધી અરવિંદ રાઠોડ પદ્મામય થઈને રહ્યા હતા. કીમોથેરપી કરાવવા હોસ્પિટલમાં જવાથી લઈને એ થેરપીને કારણે સ્વભાવમાં આવી ગયેલા ચીડિયાપણાને પણ પ્રેમથી ચલાવી લેતા અરવિંદ રાઠોડ ગયા ઓગસ્ટ મહિનાથી પલંગ પર સૂવાને બદલે પદ્માબહેનના બેડની બાજુમાં ચેર પર સૂઈ જતા, જેથી પદ્માબહેન રાતે જાગે તો તેમને એકલું ન લાગે. ૨૫ જાન્યુઆરીએ બપોરે પદ્માબહેનના દેહાંત પછી અરવિંદભાઈએ ધ્રુસકે-ધ્રુસકે રડતાં કહ્યું હતું કે હવે કાલે સવારે હું કોને નાસ્તો કરવા માટે સમજાવીશ.)

‘એક્ઝેક્ટ તારીખ કહું તો ૧૬ ઓગસ્ટ. એ દિવસે અમે બન્ને સાથે છેલ્લી વાર અમારું નાટક ‘અમારી તો અરજી, બાકી તમારી મરજી’નો શો કરવા માટે સાથે સ્ટેજ પર ગયાં અને પછી બ્રેક લઈ લીધો. પદ્માને કેન્સરની બીમારી લાગુ પડી હતી. રિપોર્ટ બધા પોઝિટિવ આવ્યા હતા અને એની સારવાર તાત્કાલિક શરૂ કરવાની હતી. હોસ્પિટલ, ડોક્ટર, ટ્રીટમેન્ટ અને બીજી બધી પ્રક્રિયાઓ શરૂ કરવા માટે અમારી પાસે બહુ સમય નહોતો. અનિવાર્ય સંજોગોસર નાટક બંધ કરવાની જાહેરાત કરી ત્યારે પણ પદ્માની ઇચ્છા તો એવી જ હતી કે હું નાટક ચાલુ રાખું, પણ મારે એવું નહોતું કરવું. મારે તો પદ્માની સાથે રહેવું હતું, મેક્સિમમ સાથે રહેવું હતું. ખબર નહોતી કે સાથે રહેવાની, વધારેમાં વધારે સાથે રહેવાની એ વાત પછી આમ અચાનક જ હવે હું એકલો પડી જઈશ. એક્સ-રે, CT સ્કેન અને MRI ટેસ્ટ ચાલતી હોય તો પણ હું તો જીદ કરીને તેની સાથે જાઉં. ડોક્ટરની મીટિંગમાં સાથે હોઈએ. કીમોથેરપી શરૂ કરી તો એમાં પણ હું સાથે હોઉં. સવારે પદ્મા જાગે એ પહેલાં હું જાગી ગયો હોઉં અને પદ્મા સૂએ એ પછી તેના બેડની બાજુમાં જ ચૅર પર સૂઈ જાઉં.
કીમોને કારણે શરીરની અંદર અનેક પ્રકારની અસર થતી હોય છે. શરીરની અંદર પણ અને બહાર પણ. કીમોને કારણે પદ્માના વાળને ખાસ્સી એવી અસર થઈ, વાળ ખરી ગયા એટલે પદ્માને બહાર જવું ગમતું નહીં અને મારા માટે તો પદ્મા હોય એટલે આખું જગત આવી ગયું, મને બીજું કંઈ ન જોઈએ. બેસી રહીએ બન્ને ઘરે અને અલકમલકની વાતો કરીએ. શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું એ બધી મને ખબર એટલે થોડી-થોડી વારે તેને કંઈક ને કંઈક બનાવીને આપું. ટ્રીટમેન્ટને કારણે સ્વભાવમાં પણ થોડું ચીડિયાપણું આવી ગયું હોય. ખાવામાં આનાકાની અને દવામાં આનાકાની તેની ચાલ્યા કરે, પણ તે તેનું કર્મ કરે અને આપણે આપણું કર્મ કરવાનું. નાના બાળકની જેમ પણ તેને સમજાવવી પડે અને કોઈ વખત વડીલ બનીને પણ તેને લાલ આંખ કરીને પણ દવા માટે કહેવું પડે. પદમા કહેતી, ‘અરવિંદ, તમે શું કામ આટલા હેરાન થાઓ છો. જે થશે એ જોયું જશે... તમે તો તમારી દુનિયા ઉઘાડી નાખો.’
મને તેને કહેવાનું મન થતું, ‘પમ, મારી દુનિયા તારાથી શરૂ થાય છે અને તારી પાસે તો પૂરી થાય છે... આમાં ક્યાં મેં દુનિયાને બંધ કરી છે.’
ઘરમાં બેસીને અમે અલકમલકની એવી તો વાતો કરતાં કે જે સાંભળીને બધાને હસવું આવે. પદ્માને બધું ડિસિપ્લિન સાથે જોઈએ. ઘર પણ બરાબર રીતે ગોઠવાયેલું જોઈએ અને સુઘડ જોઈએ. તે જાગે એ પહેલાં બધું બરાબર થઈ જાય અને ઘર ચોખ્ખુંચણક થઈ જાય એની કાળજી રાખતાં મારાથી એક ફોટોફ્રેમ તૂટી ગઈ. તૂટેલી ફ્રેમ મેં સંતાડી દીધી. મને તો એમ કે પદ્માને એની ખબર નહીં પડે, પણ આંખ ખોલ્યાની પાંચમી મિનિટે તેણે એ પકડી પાડ્યું અને પૂછ્યું કે ફ્રેમ મેં ક્યાં સગેવગે કરી છે. એ દિવસે મને ખબર પડી કે ઘરમાં બેડ પર સૂતાં-સૂતાં તે એ ફ્રેમને જોયા કરતી. એ પછી તો ઘર આખાનાં ફોટો-આલબમ ભેગાં કર્યા અને એ બધા ફોટો ડિજિટલ વીડિયો ડિસ્કમાં લેવાનું કામ શરૂ કર્યું. તેના જૂના ફોટોગ્રાફ્સ મોટા કરાવીને એનાથી દીવાલો સજાવવાનું આ મહિનાનું પ્લાનિંગ હતું, પણ એ પ્લાન અમે ઘડીએ એ પહેલાં વોકહાર્ટમાં આવવાનું થયું.
ટ્રીટમેન્ટનો આમ તો આ અંતિમ તબક્કો હતો. અગાઉના બધા રિપોર્ટ બહુ સારા આવ્યા હતા અને પદ્માને પણ અંદરથી એવું જ લાગતું હતું કે હવે બધું સરખું થઈ જશે, પણ કેન્સરની અમારી બેઉની જોડીને નજર લાગી ગઈ હતી. બહારથી સ્વસ્થ થતી જતી પદ્માને કેન્સર અંદરથી ભરખી રહ્યું હતું. ૨૦ દિવસ પહેલાં અચાનક તેની તબિયત લથડી. શ્વાસ લેવામાં તેને તકલીફ થતાં તેને તાત્કાલિક વોકહાર્ટમાં એડ્મિટ કરવામાં આવી.
આ વખતે કેન્સર તેને વધારે આકરી રીતે જકડીને બેઠું હતું. બે દિવસ પછી તબિયત વધારે બગડી અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તેને ટ્રાન્સફર કરી. ફેફસાં બરાબર કામ નહોતાં કરતાં એટલે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. વેન્ટિલેટર શરૂ કરવામાં આવ્યું, પણ એ પછી પણ અમે બેઉ વાત કરી લઈએ. ડોક્ટરની પરમિશન લઈને હું જાઉં અને જો ડોક્ટર પરમિશન ન આપે તો એવું બને કે તે જ અંદરથી મને બોલાવવાનું કહે. એક વખત તો ડોક્ટરે પણ હસતાં-હસતાં પૂછ્યું હતું કે તમને અંદર જવાની ના પાડું તો અંદરથી ડિમાન્ડ આવે છે, મારે કરવું શું?
મેં કહ્યું હતું કે પેલી રાજકુમારી અને પોપટની વાર્તા જેવું અમારા વચ્ચે છે. અમારા બન્નેનો જીવ એકબીજામાં છે... બહુ દૂર રાખવાં નહીં.
ડોક્ટર આ વાત સમજી ગયા, પણ ઈશ્વરને આ વાત સમજવી નહોતી અને તેણે તેનું ધાર્યું જ કર્યું. છેલ્લા ત્રણ દિવસથી પદ્માનો જીવ ચૂંથાયા કરે, વલોવાયા કરે અને સતત મૂંઝારો સહન કર્યા કરે. દેખાય કે તેનો જીવ ક્યાંક અટવાઈ રહ્યો છે, જવું છે પણ પગ ઊપડતો નથી.
રવિવારે મોડી રાતે હું અને પદ્મા એકલાં હતાં. પદ્મા એ અવસ્થામાં પણ પગનો અવાજ ઓળખી જાય. હું રૂમમાં દાખલ થયો એટલે તેણે આંખ ખોલી. હું પદ્મા પાસે બેઠો. વાત કરવાનું તો કંઈ હતું નહીં, બેઉની આંખોમાં આંસુ નીકળ્યાં કરે અને એ આંખો એકબીજા સાથે વાતો કર્યા કરે. થોડી મિનિટ સુધી બસ એ જ હાલત રહી. પછી પદ્માએ મારો હાથ પકડ્યો. બોલવું હતું તેને પણ જીભ સાથ નહોતી આપતી. મેં બોલવાની ના પાડી, પણ તે માની નહીં. તેને કહેવું હતું અને એ કહેવાનો ભારે પ્રયાસ કરીને તે ધીમેકથી બોલી, ‘મને તમારી બહુ ચિંતા થાય છે.’
રડતાં-રડતાં પણ હું હસ્યો હતો. ધીમેકથી તેને કહ્યું, ‘મારી ચિંતા શું કામ કરવાની... તમે કાયમ સાથે તો રહેવાનાં છો.’
‘ધ્યાન રાખશોને...’
તેણે પૂછ્યું અને મેં માથું નમાવીને ‘હા’ પાડી.
જાણે કે મારી ‘હા’ સાંભળવી હોય એમ એ પછી પદ્માએ આંખ ખોલી નહીં અને ગઈ કાલે બપોરે તેણે વિદાય લીધી. તેણે વિદાય લીધી અને હું ખાલીખમ થઈ ગયો. છ મહિનાથી રોકી રાખેલી મારી બધી પીડા એકસામટી બહાર આવી. એ પીડામાં હવે એકલતાનો વિરહ પણ ઉમેરાવા લાગ્યો છે. કહેવું છે પુષ્કળ પણ એ કહેવા માટે હવે તાકાત નથી રહી. એકબીજાની માંદગી અમને મક્કમ કરી દેતી, એકબીજાની તકલીફ અમને મજબૂત બનાવી દેતી. પદ્માની માંદગીએ મારાં નકલી ઘૂંટણોમાં તાકાત ભરી દીધી હતી. હવે એ ઘૂંટણ છે, પણ એની તાકાત તો ચાલી ગઈ છે. કહેવાનું મન થાય છે કે ઈશ્વર, અમે અરજી કરી તો પણ તેં તો તારી મરજી જ ચલાવીને...’ (સૌજન્યઃ રશ્મિન શાહ, ‘મિડ-ડે’ )


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter