ગુરુવારે ક્વીન્સ સ્પીચઃ બોરિસ સરકારના એજન્ડામાં બ્રેક્ઝિટ અને NHSને મહત્ત્વ

Wednesday 18th December 2019 02:06 EST
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની જંગી બહુમતીથી ૨૦૧૭ પછી પ્રથમ વખત હાઉસ ઓફ કોમન્સનો અંકુશ ટોરી પાર્ટીને હસ્તક આવ્યો છે. આખરે જ્હોન્સનના હાથમાં મહારાણીનું સંભાષણ આવી ગયું છે. ગુરુવારની ક્વીન્સ સ્પીચમાં મુખ્ય ઝોક ક્રિસમસ અગાઉ વિથ્ડ્રોઅલ બિલ અને NHS માટે વધારાના ૩૩.૯ બિલિયન પાઉન્ડની ફાળવણી હશે. વડા પ્રધાને સોમવારે રાત્રે ટોરી પાર્ટીના નવા ચૂંટાયેલા ૧૦૯ સાંસદને પાર્લામેન્ટમાં આવકાર પણ આપ્યો અને તસવીરો પણ ખેંચાવી હતી.

મંગળવારે નવા સાંસદોની શપથવિધિ પછી ગુરુવાર, ૧૯ ડિસેમ્બરે ટોરી પાર્ટીની જંગી બહુમતી સાથેની નવી પાર્લામેન્ટમાં સત્તાવાર ઉદ્ઘાટન સાથે ચૂંટાયેલા સાંસદો મહારાણીના સંબોધનને સાંભળવા એકત્ર થશે ત્યારે બોરિસ સરકારના એજન્ડામાં પ્રાથમિકતા ધરાવતી નીતિઓ જાહેર કરાશે. આ સંબોધનમાં હાઉસ ઓફ કોમન્સ સમક્ષ ક્રિસમસ અગાઉ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલ ફરીથી રજૂ કરવાની જાહેરાત મુખ્ય હશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય આરોગ્ય સેવા (NHS)ની કામગીરી સુધારવા ૨૦૨૪ સુધીમાં વાર્ષિક ૩૩.૯ બિલિયન પાઉન્ડની વધુ ફાળવણી કરવા કાયદો લાવવાની વાત પણ કરાશે.

શુક્રવારે મતદારોને ક્રિસમસની ભેટ સમાન વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલ રજૂ કરાશે અને તેને ૨૯ જાન્યુઆરી સુધીમાં પસાર કરી દેવાશે જેથી, ઈયુમાંથી બહાર નીકળવાની ૩૧ જાન્યુઆરીના સવારના ૧૧ વાગ્યાની આખરી મર્યાદા સુધી તેને બહાલી આપવાની યુરોપિયન પાર્લામેન્ટને સમય મળી રહેશે. ઓક્ટોબરમાં સાંસદોએ આ બિલને અવરોધ્યું હતું પરંતુ, હવે જ્હોન્સને ૮૦ બેઠકની બહુમતી મેળવી હોવાથી તેનું પસાર થવું નિશ્ચિત છે.

ક્વીન્સ સ્પીચમાં ગંભીર અપરાધીઓ માટે વધુ કડક સજા સહિત દેશની ન્યાયપદ્ધતિને સુધારવાના પગલાં, આરોગ્ય અને ટ્રાન્સપોર્ટ જેવી મહત્ત્વપૂર્ણ સેવાને ખરાબ અસર કરતી ટ્રેડ યુનિયન હડતાળો પર નિયંત્રણ, ભાડૂતોને મુદત માટે વધુ સલામતી તેમજ રાજકીય કારણોસર ઈઝરાયેલ જેવા અન્ય દેશોના ઉત્પાદનોનો બહિષ્કાર કરતી ડાબેરી સ્થાનિક ઓથોરિટીઝ સામે પગલાંનો પણ સમાવેશ થશે. દરમિયાન, જ્હોન્સનના પ્રથમ ૧૦૦ દિવસમાં સામાજિક સંભાળના ટકાઉ ઉપાયના પડકાર સંદર્ભે રાજકીય પક્ષો વચ્ચે સંમતિ સાધવાની મંત્રણાઓ પણ શરૂ કરી દેવાશે.

ટ્રાન્ઝિશન સમય નહિ લંબાવાય

બોરિસ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ૨૦૨૦ના ડિસેમ્બર પછી ટ્રાન્ઝિશન સમયમર્યાદા લંબાવી નહિ શકાય તેવો સુધારો બ્રેક્ઝિટ બિલમાં કરવામાં આવ્યો છે. આના પરિણામે બ્રેક્ઝિટમાં વિલંબ થશે નહિ. બોરિસ જ્હોન્સને આ સાથે બ્રસેલ્સને ભારપૂર્વકનો સંકેત પાઠવ્યો છે કે તેઓ ઈયુના કાયદાઓથી ઝડપથી અલગ થવા માગે છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે ભારે વિજયના પરિણામે વડા પ્રધાન સોફ્ટ બ્રેક્ઝિટનો વિકલ્પ અપનાવે તેવી કોઈ શક્યતા નથી. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે બ્રિટન રાજકીય સમાધાન વિના કેનેડા સ્ટાઈલના મુક્ત વેપાર કરાર માટે ભાર મૂકશે. દેખીતી રીતે જ થેરેસા મેના વલણથી અલગ બાબત છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કોમન્સને શુક્રવારે જ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલના પ્રથમ તબક્કાનું મતદાન કરવા જણાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter