ગ્રીનલેન્ડ મામલે ટ્રમ્પની જીદથી યુએસ વિરુદ્ધ યુરોપઃ હવે ઇયુ અમેરિકા પર ટેરિફ લાદવાના મૂડમાં

Wednesday 21st January 2026 04:48 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગ્રીનલેન્ડની માંગનો વિરોધ કરતાં યુરોપના આઠ દેશો પર પહેલી ફેબ્રુઆરીથી 10 ટકા ટેરિફ નાખ્યો છે. તેના જવાબમાં યુરોપીયન યુનિયન (ઇયુ) પણ ચૂપ બેસી રહ્યુ નથી, તેણે પણ અમેરિકા પર 107 બિલિયન ડોલરનો ટેરિફ નાખવાનું નક્કી કરી લીધું છે. જો ટ્રમ્પનો ટેરિફ પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવશે તો ઇયુનો અમેરિકા પરનો ટેરિફ છઠ્ઠી ફેબ્રુઆરીથી અમલમાં આવશે. અમેરિકા અને યુરોપ વચ્ચે ટેરિફ વોર શરૂ થવાની તૈયારીમાં જ છે, જે આગામી દિવસોમાં તીવ્ર બની શકે છે.
 રવિવારે ઇયુના રાજદૂતોની બેલ્જિયમના બ્રસેલ્સમાં ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફ્રાન્સ અને જર્મની સહિતના ઘણા દેશોએ ટ્રમ્પની ધમકીની નિંદા કરી. તેમણે જણાવ્યું હતું કે આ તો રીતસરનું બ્લેકમેઇલિંગ જ કહેવાય. ફ્રાન્સે ટ્રમ્પની ટેરિફની ધમકીના જવાબમાં એવા પગલાં ઉઠાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે અત્યાર સુધીમાં ક્યારેય અજમાવાયા નથી. ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ ઇયુ અમેરિકા પર 107 બિલિયન ડોલરના ટેરિફ લગાવવાનું અને અમેરિકન કંપનીઓને યુરોપીયન બજારમાંથી બહાર કરવાનું વિચારી રહ્યું છે.
કોણે કહ્યું ગ્રીનલેન્ડ ડેન્માર્કનું છે?
ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર ડેન્માર્કના પ્રભુત્વનો સવાલ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ડેન્માર્ક એકલું રશિયા અને ચીન સામે ગ્રીનલેન્ડનું રક્ષણ નહીં કરી શકે. તેની પાસે ગ્રીનલેન્ડના સ્વામિત્વનો કે ગ્રીનલેન્ડ તેનું હોવાનો કોઈ સત્તાવાર પુરાવો ક્યાં છે. તેની પાસે કોઈ લેખિત દસ્તાવેજ નથી. સેકંડો વર્ષ પહેલા એક હોડી ગ્રીનલેન્ડ ગઈ એટલે તે ડેન્માર્કનું થઈ ગયું. આવું હોય તો અમારી તો ત્યાં હજારો બોટ જાય છે. તેમણે જણાવ્યું હતું કે નાટોની સ્થાપના પછી અમેરિકાએ જ તેમાં સૌથી વધુ સક્રિય ભૂમિકા ભજવી છે. હવે સમય છે કે નાટો પણ અમેરિકા માટે કંઇક કરે. ગ્રીનલેન્ડ પર જ્યાં સુધી અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ નહીં સ્થપાય ત્યાં સુધી વિશ્વ સુરક્ષિત નહીં રહે.
‘ગ્રીનલેન્ડ વેચવા માટે નથી’
ગ્રીનલેન્ડની રાજધાની નુયુકમાં શનિવારે અમેરિકી પ્રમુખ ટ્રમ્પના ગ્રીનલેન્ડ પર કબજાવાળા નિવેદનની વિરુદ્ધ મોટું પ્રદર્શન થયું હતું. આ પ્રદર્શનમાં નુયુકમાંથી 10 હજાર લોકો આવ્યા હતા, જે શહેરની લગભગ અડધા વસ્તી હતી. બર્ફીલા રસ્તાઓ પર હજારો લોકો અમેરિકી વાણિજય દૂતાવાસ સુધી કૂચ કરી હતી. દેખાવકારોએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા હતા અને ટ્રમ્પનું પૂતળું લઈને ‘ગ્રીનલેન્ડ વેચવા માટે નથી’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. મોટી સંખ્યામાં પરિવારોએ પણ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
શાંતિની જવાબદારી મારી નહીંઃ ટ્રમ્પ
પ્રમુખ ટ્રમ્પનું નોબેલ શાંતિ ઇનામને લઈને ગાંડપણ નીતનવા શિખરો સર કરી રહ્યું છે. આ વખતની નોબેલ વિજેતા મચાડોએ પોતાનો મેડલ આપી દીધો હોવા છતાં તેને સંતોષ નથી. ટ્રમ્પે નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોરેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મને નોબેલ ઇનામ આપવામાં આવ્યું નથી તો તેથી શાંતિની જવાબદારી મારી નથી. તેમણે જણાવ્યું હતું કે હવે તેઓ પોતે ફક્ત શાંતિ અંગે વિચારવાની જરૂરિયાત સમજતા નથી. પીબીએસના રિપોર્ટ મુજબ ટ્રમ્પે સ્ટોરેને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે આઠથી વધુ યુદ્ધો રોકવા છતાં તમારા દેશે મને નોબેલ શાંતિ ઇનામ ન આપવાનો નિર્ણય લીધો. તેથી હવે મને શાંતિ અંગે જ વિચારવાની જરૂરિયાત અનુભવાતી વર્તાતી નથી.

•••

હવે યુકેની ચાગોસ ડીલમાં અમેરિકી પ્રમુખનો અડિંગો

ગ્રીનલેન્ડ પર કબજો જમાવવા દાદાગીરી કરી રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુકે સરકાર દ્વારા કરાયેલી ચાગોસ સંધિમાં પણ અવરોધ ઉભો કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે યુકેની ચાગોસ ડીલને મહાન મૂર્ખામી ગણાવી હતી. જવાબમાં યુકે સરકારે જણાવ્યું હતું કે અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે યુકે સરકારે મે 2025માં 3.4 બિલિયન પાઉન્ડનો કરાર કર્યો હતો જેના અંતર્ગત ચાગોસ આઇલેન્ડ પરના યુકે-અમેરિકાના મિલિટરી બેઝ ડિયેગો ગાર્સિયા પર નિયંત્રણ રાખી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter