રિયો ડી જેનેરિયો (બ્રાઝિલ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બ્રિક્સ’ રાષ્ટ્રોને વૈશ્વિક સહકાર અને બહુપક્ષીય વિશ્વના પ્રેરકબળ તરીકે કાર્ય કરવા તથા ગ્લોબલ સાઉથની અપેક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં કાર્ય કરવાની હાકલ કરી હતી. ચીન દ્વારા દુર્લભ ખનિજોની નિકાસ પર મુકેલાં નિયંત્રણોનો ઉલ્લેખ કર્યા વિના તેમણે જણાવ્યું હતું કે, ‘બ્રિક્સ’ દેશોએ દુર્લભ ખનીજો અને ટેક્નોલોજીની સપ્લાય ચેઈનને સુરક્ષિત બનાવવા સહયોગ સાધીને કામ કરવું જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ દેશ તેનો અંગત સ્વાર્થ માટે કે અન્ય વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગ ના કરે.
મોદીએ જણાવ્યું હતું કે, આ જૂથની તાકાત વૈવિધ્યતા અને મલ્ટિપોલારિટી અંગેની પ્રતિબદ્ધતામાં રહેલી છે. ‘બ્રિક્સ’ દેશો દ્વારા વૈશ્વિક સંચાલન અને વિકાસ સહયોગમાં સ્થાપિત કરાઈ રહેલાં નવા માપદંડો પર ભાર મુકતાં તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ સાઉથ આપણી પાસે ઘણી અપેક્ષા રાખી રહ્યું છે. તેને પૂર્ણ કરવા માટે આપણે ઉદાહરણરૂપ કામગીરી કરવી પડશે. આ સહિયારા હેતુને પૂર્ણ કરવા માટે ભારત તમામ સભ્ય દેશો સાથે ખભેખભો મિલાવીને કામ કરવા તત્પર છે.
‘બ્રિકસ’ સમિટમાં ભારત માટે સૌથી નોંધનીય પાસું એ હતું સહભાગી દેશોએ પુલવામા પરના આતંકી હુમલાને વખોડી કાઢતા આતંકવાદને નાથવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
યુદ્ધો-સંઘર્ષો રોકવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ
દુનિયામાં હાલ ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષ રોકવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ ગઈ છે ત્યારે વડાપ્રધાન મોદીએ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના માળખામાં વ્યાપક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, 21મી સદીના નિર્ણયોમાં ગ્લોબલ સાઉથની ભાગીદારી વધારવી અત્યંત જરૂરી છે. ગ્લોબલ સાઉથ વિના વૈશ્વિક સંસ્થાઓ નેટવર્ક વિનાના સીમકાર્ડ સમાન છે. 17મા ‘બ્રિક્સ’ સંમેલનને સંબોધન કરતા કહ્યું કે, 20મી સદીમાં બનેલી વૈશ્વિક સંસ્થાઓમાં દુનિયાની બે તૃતિયાંશ વસતીને આજ સુધી યોગ્ય પ્રતિનિધિત્વ મળી શક્યું નથી. જે દેશ આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે તેમને નિર્ણય લેવાના ટેબલ પર જગ્યા નથી અપાઈ.
પીએમ મોદીએ આ બાબતને માત્ર પ્રતિનિધિત્વનો સવાલ જ નથી ગણાવી, પરંતુ તેને આ સંસ્થાઓની વિશ્વસનીયતા અને અસરકારક્તા સાથે પણ જોડી છે. પોતાની વાતને સરળતાથી સમજાવતા પીએમ મોદીએ કહ્યું કે, ગ્લોબલ સાઉથ વિના વૈશ્વિક સંસ્થાઓ મોબાઈલ ફોનમાં સિમકાર્ડ તો હોય પરંતુ નેટવર્ક ના હોય તેવી સ્થિતિ સમાન છે.
‘બ્રિક્સ’ને સંબોધતા વડાપ્રધાન મોદીએ ગ્લોબલ સાઉથને સતત હાંસિયામાં રાખવાની વૈશ્વિક સંસ્થાઓની નીતિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, વિકાસની વાત હોય કે સંશાધનોના વિતરણની કે સુરક્ષા સંબંધિત મુદ્દાની, ગ્લોબલ સાઉથના હિતોને પ્રાથમિક્તા અપાઈ નથી. ક્લાઈમેટ ફાઈનાન્સ, સતત વિકાસ અને ટેક્નોલોજી સુધી પહોંચ જેવા મુદ્દા પર ગ્લોબલ સાઉથને નામ માત્ર સિવાય કશું મળ્યું નથી.
ભારતની સમિટમાં ‘માનવતા પ્રથમ’નો અભિગમ
આવતા વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાનારી ‘બ્રિક્સ’ સમિટમાં ‘માનવતા પ્રથમ’નો અભિગમ અપનાવાશે. ‘બ્રિક્સ’ સમિટને સંબોધતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત ‘બ્રિક્સ’ને નવા સ્વરૂપમાં રજૂ કરશે. ભારત માટે હવામાન એ એક વિકલ્પ નહીં પરંતુ નૈતિક ફરજ છે. ક્લાઈમેટને લગતી મહત્વકાંક્ષાઓ અને ધિરાણ વચ્ચેનો તફાવત દૂર કરવો એ વિકસિત દેશોની વિશેષ જવાબદારી છે.
સમિટમાં જિનપિંગ, પુતિન ગેરહાજર
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ‘‘બ્રિક્સ’’ સમિટમાં હાજર ન રહ્યા હોય એવું આ પહેલીવાર બન્યું છે. ચીને સમિટમાં જિનપિંગને બદલે વડાપ્રધાન લી કિઆંગને મોકલવા પાછળ કોઇ સત્તાવાર કારણ આપ્યું નથી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ સમિટમાં હાજર નથી રહ્યા. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (ICC) પુતિન સામે ધરપકડ વોરંટ જારી કરેલું છે અને બ્રાઝિલે આઇસીસી કાયદા પર સહી કરેલી છે. સંભવતઃ આ કારણથી પુતિને ‘બ્રિક્સ’ સમિટમાં હાજર રહેવાનું ટાળ્યું હોવાનું મનાય છે.