ચીનનો સુનિયોજિત વિસ્તારવાદઃ ૨૭ દેશો સાથે વિવાદ, મૂડીરોકાણને શસ્ત્ર બનાવ્યું

Wednesday 08th July 2020 06:14 EDT
 
 

નવી દિલ્હી: લદ્દાખ સીમા ક્ષેત્રમાં ચીની સૈનિકો સાથે સંઘર્ષ બાદ લેહ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે જ વિસ્તારવાદી નીતિઓ બદલ ચીન પર નિશાન સાધ્યું છે. ચીનનો ભારત, જાપાન સહિત અનેક દેશો સાથે વિવાદ ચાલે છે. જમીન પર કબજો કરવાની વિસ્તારવાદી નીતિ વર્તમાન સમયમાં શક્ય ન હોવાથી ચીને પોતાની તાકાત વધારવા આર્થિક ગતિવિધિઓને શસ્ત્ર બનાવી છે. તેના જોરે તે દુનિયાભરમાં દબદબો વધારવા માગે છે. તેણે છેલ્લા ૧૫ વર્ષમાં ૧૨૫ દેશમાં જંગી મૂડીરોકાણ કર્યું છે.
આ ઉપરાંત અનેક દેશોને દેવાની જાળમાં ફસાવીને તેમની જમીન પચાવી પાડવાની ખંધી ચાલ પણ અજમાવી છે. ચીનની કંપનીઓએ શ્રીલંકામાં મોટું રોકાણ કર્યું છે. ઊંચા દરે વ્યાજ વસુલાતું હોવાથી હવે શ્રીલંકાની આર્થિક સ્થિતિ નબળી પડી છે. લોન ન ભરવાની સ્થિતિમાં ચીનની કંપનીઓ હવે માલિકી હક માગી રહી છે. આવું જ તેણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે કર્યું છે. ચીન પોતાની વિસ્તારવાદી નીતિ ચાલુ રાખવા આમ કરી રહ્યું છે. તિબેટને ઝુંટવી લેવા પણ ચીન લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે.

પડોશી દેશો થકી ભારતને ઘેરાબંદી

લદ્દાખના ગલવાનમાં સૈનિક સંઘર્ષ પછી ભારત અને ચીન વચ્ચે વિવાદ ઘેરો બન્યો છે. ચીન પડોશી દેશોને પણ ભારત વિરુદ્ધ ઉશ્કેરી રહ્યું છે. જેમાં પાકિસ્તાન તો સંપૂર્ણપણે ચીન પર જ નિર્ભર છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં પાકિસ્તાનને ચીન રૂ. ૩.૪૫ લાખ કરોડ આપશે. નેપાળ પણ ચીનની શરણમાં માથું ઊંચકી રહ્યું છે. તે ચીનના વન બેલ્ટ - વન રોડ પ્રોજેક્ટમાં જોડાઈ ગયું છે. બાંગ્લાદેશમાં પણ ચીન ભારતવિરોધી શક્તિઓને ભડકાવી રહ્યું છે. ત્યાં રૂ. ૨.૮૯ લાખ કરોડનું રોકાણ કરી રહ્યું છે, જેથી બાંગ્લાદેશ પણ દેવા તળે દટાઇ ગયું છે. શ્રીલંકામાં ચીનનું ૩૬ હજાર કરોડ રૂપિયાનું રોકાણ છે.

પાકિસ્તાન: નજર ગ્વાદર બંદર પર

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ચીનનો ખૂબ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. જે અંતર્ગત પાકિસ્તાનના ગ્વાદર બંદરને સમુદ્રના માર્ગે ચીનના ઝિજિયાંગ સુધી જોડવાની એક મોટી યોજના છે. ૨૪૪૨ કિમી લાંબા પ્રોજેક્ટ દ્વારા ચીન સમુદ્રી માર્ગે પાકિસ્તાન સાથેનું અંતર ઘટાડવા માગે છે. તેના દ્વારા ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ જેવી વસ્તુઓના ટ્રાન્સપોર્ટની યોજના છે. આ યોજના ૧૯૫૦માં શરૂ થઇ હતી, પરંતુ પાકિસ્તાનની અસ્થિર રાજનીતિને લીધે ત્યાં અમલમાં મૂકાઇ નહોતી. યોજના અંતર્ગત ચીન, પાકિસ્તાનને ૪૨ અબજ ડોલર એટલે કે રૂ. ૩.૪૫ લાખ કરોડ આપશે. સ્પષ્ટ છે, આર્થિક સંકટમાં સપડાયેલું પાકિસ્તાન ચીનની જ ભાષા બોલશે.

શ્રીલંકા: હમ્બનટોટા પોર્ટ પર ડોળો

મૈત્રિપાલ સીરીસેનાની સરકાર પર ભારતનો પ્રભાવ હતો. ભારતના આગ્રહથી સીરીસેના સરકારે ચીનને આપેલા કેટલાક અધિકાર પાછા ખેંચ્યા હતા. હવે મહિંદા રાજપક્સેની સરકારમાં શ્રીલંકાએ ચીન પાસેથી મોટી લોન લઈને હમ્બનટોટા પોર્ટને ૯૯ વર્ષની લીઝ પર આપી દીધું છે. આ ઉપરાંત શ્રીલંકામાં એરપોર્ટ, કોલ પાવર પ્લાન્ટ અને બે મોટા ડેમ સહિત અનેક પ્રોજેક્ટ માટે ચીન રૂ. ૩૬ હજાર ૪૮૦ કરોડનું રોકાણ કરી રહ્યું છે. બાંગ્લાદેશમાં પણ ભારતવિરોધી તાકાત મજબૂત છે. બાંગ્લાદેશ પર ૩૩ અબજ ડોલરનું દેવું હોવાનું અનુમાન છે, આથી તે ચીનની તરફે ઝૂકી ગયું છે.

હોંગ કોંગ: નવા કાયદાનો વિવાદ

હોંગકોંગમાં એક વર્ષથી ચીન પાસેથી આઝાદીની માગ સાથે દેખાવો થઈ રહ્યા છે. આથી ચીને હોંગ કોંગ માટે નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કર્યો છે. જેનાથી હોંગ કોંગના લોકોના તમામ વિશેષાધિકાર સમાપ્ત ગયા છે. મતલબ કે, હોંગ કોંગમાં ચીનનો કોઈ વિરોધ કરી શકશે નહીં કે તેની વિરુદ્ધ દેખાવો પણ કરી શકશે નહીં. અમેરિકા, બ્રિટન પણ આ કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

નવા શિકાર: લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં પણ પગપેસારો કર્યો

ચીને હવે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં દબદબો બનાવ્યો છે. ૨૦૧૦ પહેલા આ દેશોમાં તેનું રોકાણ માત્ર રૂ. ૩૫,૦૦૦ કરોડ હતું, જે છેલ્લા ૧૦ વર્ષમાં પાંચ ગણું વધીને ૧.૮૭ લાખ કરોડ થયું છે. ઈકોનોમિક કમિશન ફોર લેટિન અમેરિકા એન્ડ કેરેબિયન અનુસાર, આ ક્ષેત્રમાં ૨૦૧૭ સુધી કુલ રોકાણના ૬૫ ટકા અમેરિકા અને યુરોપિયન દેશનું હતું. જેમાં અમેરિકાનું રોકાણ ૨૮ ટકા હતું. હવે છેલ્લા ૩ વર્ષમાં આ ક્ષેત્રમાં કુલ રોકાણના ૪૨ ટકા માત્ર ચીનનું રોકાણ છે. આ ક્ષેત્રમાં છેલ્લા ૭ વર્ષમાં ૫.૪૩ લાખ કરોડનું રોકાણ થયું છે, જેમાં ૧.૩૫ લાખ કરોડ એટલે કે લગભગ ૨૫ ટકા જેટલું રોકાણ એકલા ચીને કર્યું છે. આટલું જ નહીં, ચીને આ ક્ષેત્રોમાં અમેરિકા અને યુરોપનો દબદબો સમાપ્ત કરી નાંખ્યો છે. તેણે અહીં અધિગ્રહણ અને વિલયની ગતિવિધિઓ પણ તેજ કરી છે.
પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, યુરોપ અને આફ્રિકામાં પણ ચીને મોટું મૂડીરોકાણ કર્યું છે. તે અનેક દેશોમાં વન બેલ્ટ - વન રોડ (ઓબીઓઆર) પ્રોજેક્ટ બનાવી રહ્યું છે, જેનાથી તેનું વ્યાપારિક સામ્રાજ્ય વધુ મજબૂત થશે. આ તાકાતનો ઉપયોગ કરીને તે ડિજિટલ યુઆન અને સ્થાનિક મુદ્રામાં લેવડ-દેવડને પ્રોત્સાહન આપી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter