ચૂંટણી પરિણામોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતની ‘થેન્ક યુ’ નોંધ

મનોજ લાડવા Wednesday 15th March 2017 06:54 EDT
 
 

રાજકીય ક્ષિતિજ પર ઝળુંબતાં હોવાં છતાં વાદળોએ વરસી પડવામાં થોડી વાર અવશ્ય લગાવી છે પરંતુ, આખરે તો ભારતની ગર્જનાએ નવી દિલ્હીની જીન એન્ડ ટોનિક કોકટેલ સર્કિટના તથાકથિત રાજકીય તજજ્ઞોના અવાજને રગદોળી નાખ્યો છે. અને તે પણ કેવી રીતે!

તાજેતરમાં ભારતના પાંચ રાજ્યોમાં યોજાએલી વિધાનસભા ચૂંટણીઓમાં મતદારોએ જે રીતે જનાદેશ આપ્યો છે તેને તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના નેતૃત્વને જોરદાર બહાલી મળવા તરીકે જ વર્ણવી શકાય. જનાદેશની આખરી ગણતરી જોવાય તો ભાજપને ચાર રાજ્ય અને કોંગ્રેસને એક રાજ્યમાં શાસન કરવા મળશે. ચૂંટણી હેઠળના પાંચ રાજ્યોમાં સૌથી વધુ મહત્ત્વ ઉત્તર પ્રદેશનું જ હતું. લગભગ યુકે જેટલું ક્ષેત્રફળ ધરાવતું આ રાજ્ય સ્વતંત્ર દેશ હોત તો વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચમા ક્રમના દેશ તરીકે તેણે બ્રાઝિલનું સ્થાન પડાવી જ લીધું હોત.

સામાન્ય રીતે એમ કહેવાતું આવ્યું છે કે નવી દિલ્હીમાં શાસન હાંસલ કરવાનો માર્ગ આ મહત્ત્વના રાજ્યમાંથી પસાર થાય છે અને જે ઉત્તર પ્રદેશ પર શાસન જમાવે છે તે ભારત પર રાજ કરે છે. આથી, ઉત્તર પ્રદેશમાં અભૂતપૂર્વ વિજયે (૪૦૩માંથી ૩૨૫ બેઠક) ભારતના સૌથી લોકપ્રિય રાજકારણી તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને તેમજ ભારતીય રાજકારણમાં સૌથી મહત્ત્વના સ્થંભ તરીકે ભાજપના દરજ્જાને પ્રસ્થાપિત કરી દીધાં છે.

ઘણા રાજકીય નીરિક્ષકોએ વિધાનસભા ચૂંટણીઓના આ રાઉન્ડને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલાની સેમી- ફાઈનલ ગણાવ્યું હતું અને આમ કહેવા પાછળ અનેક કારણો પણ છે. આ સેમી-ફાઈનલ રાઉન્ડે તદ્દન નિષ્ક્રિય બનેલી કોંગ્રેસ અને તેની અવનતિ સાથે સર્જાયેલા રાજકીય શૂન્યાવકાશને પૂરવા છેલ્લા ૨૫ વર્ષમાં મશરુમની જેમ ફૂટી નીકળેલાં ઘણા પ્રાદેશિક રાજ્યોએ અપનાવેલા કોંગ્રેસના ઉપરથી નીચે સુધી વ્યાપ્ત ભ્રષ્ટાચારી વિકાસ મોડેલને નિર્ણાયકપણે નકાર્યું છે. મોટા ભાગના ભારતમાં ભાજપએ હવે આ સ્થાન હસ્તગત કરી લીધું છે.

ચૂંટણીઓમાં અભૂતપૂર્વ વિજય પછી પક્ષના કાર્યકરો તેમજ દેશને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું, ‘એક નવું ભારત ઉભરી રહ્યું છે.... ગરીબ લોકોને તક જોઈએ છે, લલચામણી રાહતો નહિ. તમે તેમને જેટલી વધુ તક આપશો, દેશ વધુ પ્રકાશમય બનશે...’

મોદી ફરી એક વાર કતારમાં છેલ્લે ઉભેલા માણસ સુધી હાથ લંબાવી રહ્યા છે, આ ભારતના સામાન્ય લોકો છે, એવી વ્યક્તિ જે નાના નગરો અને ગામડાંમાં સખત પરિશ્રમ કરે છે. આઝાદીકાળથી કોંગ્રેસ પાર્ટીએ થોડી રાહતો આપવાની પારંગત કળા અપનાવી હતી, જેનાથી સંખ્યાબંધ કોમ્યુનિટીઓ અને વિશેષ હિતો ધરાવતા જૂથો પાર્ટી (અને તેના પ્રથમ પરિવાર) સાથે પેઢીઓ સુધી જોડાઈ રહ્યાં હતાં અને તેનાથી બંધક વોટ બેન્ક્સનું સર્જન થયું હતું.

હું જનાદેશનું અર્થઘટન ભારતીયોના સંઘર્ષ અને તેમની મહેચ્છાઓને સમજી શકનારા વડા પ્રધાનને ભારતની આભારદર્શક નોંધ તરીકે કરી રહ્યો છું. આ પરિણામોએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે વડા પ્રધાન મોદીના સમાવિષ્ટ ‘સબ કા સાથ સબ કા વિકાસ’ (તમામ માટે વિકાસ અને કોઈ પ્રત્યે ભેદભાવ નહિ) સૂત્ર આજે પણ મતદારો માટે સાર્થક બની રહ્યું છે, જેમણે કોંગ્રેસના વડપણ હેઠળના વિરોધ પક્ષોની અવરોધક નીતિઓને ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીઓ ઊંચા મૂલ્યની ચલણી નોટો પાછી ખેંચવાના ડીમોનેટાઈઝેશન (જેને મીડિયાએ ડેમો- Demo નામ આપ્યું હતું) પછી તરત જ યોજાઈ હતી. આ પગલાથી દેશમાં વ્યાપક આર્થિક અસ્થિરતા સર્જાયાના દાવાઓ પણ કરાતા હતા. પરિણામો દર્શાવે છે કે નોટબંધીની ટુંકા ગાળાની પીડાની સરખામણીએ તેના દીર્ઘકાલીન લાભ વધુ મળશે તે બાબત મતદારોને સમજાવવામાં મોદી સફળ રહ્યા હતા.

શું આનો અર્થ એવો કરી શકાય કે ૨૦૧૯માં વડા પ્રધાનની ખુરશી પર મોદી ફરી ચૂંટાશે તે સુનિશ્ચિત છે? રાજકારણમાં તો એક સપ્તાહનો સમય પણ ઘણો લાંબો કહેવાય છે ત્યારે બે વર્ષ અગાઉ આવા લોકચુકાદાની આગાહી કરવી અશક્ય છે.પરંતુ, એટલું અવશ્ય કહી શકાય કે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો દર્શાવે છે કે હરીફોની સરખામણીએ સત્તા પર પુનઃ આસીન થવા માટે મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર વધુ સારી સ્થિતિમાં છે. સાચુ કહીએ તો મોદીએ ભારત માટે તેમના ૨૦૨૨ના વિઝનની વાત શરુ કરી જ દીધી છે, જે ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ સાથે સુસંગત છે.

મનોજ લાડવા India Global Business અને India Investment Journal ના પ્રકાશક ઈન્ડિયા ઈન્ક.ના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ છે. @manojladwa


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter