વોશિંગ્ટનઃ છેલ્લા કેટલાય દિવસથી ટાંપીને બેઠેલા અમેરિકાએ છેવટે વેનેઝુએલા પર એર સ્ટ્રાઇક કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પદભ્રષ્ટ કરવાનો મનસૂબો પાર પાડ્યો છે. આ સાથે જ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે ‘યોગ્ય અને ન્યાયી માહોલ નહીં સર્જાય ત્યાં સુધી’ અમેરિકા જ વેનેઝુએલામાં સત્તા સંભાળશે.
અમેરિકાના આ આપખુદીભર્યા પગલાંએ વિશ્વને ચોંકાવી દીધું છે. ચીન, રશિયા સહિત વિશ્વના અનેક દેશોએ અમેરિકાનો આક્રમક અભિગમ વખોડ્યો છે. તો અમેરિકાએ માદુરોની સરમુખત્યારશાહી, ડ્રગ્સની દાણચોરી, શસ્ત્રોની હેરાફેરી સહિતના કારણો આગળ ધરીને વેનેઝુએલા સામેની લશ્કરી કાર્યવાહી અને માદુરો દંપતીની ધરપકડને વાજબી ઠરાવવા પ્રયાસ કર્યો છે.
જોકે સાચી વાત તો એ છે કે અમેરિકાની નજર વેનેઝુએલાની ધરતીમાં ધરબાયેલા ઓઇલ ભંડાર પર છે. વિશ્વમાં ઉપલબ્ધ કુલ ઓઇલ ભંડારનો પાંચમો ભાગ એટલે કે 303 બિલિયન બેરલ ઓઇલ ભંડાર વેનેઝુએલાના પેટાળમાં સમાયેલો છે, જે ઇરાક કરતાં પણ ઘણો વધારે છે.
અલબત્ત, વિશ્વને ચિંતા વેનેઝુએલા કે તેના પદભ્રષ્ટ શાસક માદુરોની નથી, તેમની ચિંતા યુએસ પ્રમુખ ટ્રમ્પ નિરંકુશ થઇ રહ્યા હોવાના મુદ્દે છે. મતલબ કે દુનિયાને ડોસી મરી જાય તેનો વાંધો નથી, પણ વાંધો જમ ઘર ભાળી જાય તેનો છે. અનેક દેશો માને છે કે વેનેઝુએલામાં સફળ લશ્કરી કાર્યવાહી બાદ ટ્રમ્પ વધુ આપખુદ બની શકે છે. ક્યુબા, મેક્સિકો, કોલંબિયા જેવા દેશો સામે આક્રમક પગલાં લેવાની ધમકી તેઓ ઉચ્ચારી ચૂક્યા છે. એટલું જ નહીં, રેર અર્થનો વિપુલ ભંડાર ધરાવતા ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાનો ઇરાદો પણ વ્યકત કર્યો છે.
(વિશેષ અહેવાલ - પાન 16)


