ટાટા સન્સે શેરબજારમાં ઉતરવું જ પડશેઃ ગ્રૂપ પર અંકુશ વધશે, શેરધારકોને લાભ થશે

Wednesday 16th September 2026 06:13 EDT
 
 

મુંબઇઃ ટાટા ગ્રૂપ માટે જફા વધારે તેવા જ્યારે ગ્રૂપની કંપનીઓના શેર ધરાવતા લોકોને જલ્સા કરાવે તેવા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના એક નિર્ણયના કારણે ગ્રૂપની મુખ્ય હોલ્ડિંગ કંપની ટાટા સન્સને શેરબજારમાં ઉતરવું જ પડે અને તેના શેરનું લિસ્ટીંગ કરાવવું જ પડે તેવા સંજોગો સર્જાયા છે.
એક અહેવાલ મુજબ રિઝર્વ બેન્કે ગ્રૂપની મુખ્ય હોલ્ડિંગ કંપની ટાટા સન્સનું એનબીએફસી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પરત કરવા અને અનરજિસ્ટર્ડ કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની બનવાની અરજી ફગાવી દીધી છે. આ સાથે જ રિઝર્વ બેન્કે ટાટા સન્સને અપર લેયર એનબીએફસી પર લાગુ પડતા તમામ નિયમોનું તાત્કાલિક પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. જેમાં શેરબજારમાં લિસ્ટીંગ પણ સામેલ છે. આમ ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપનીનું શેરબજારમાં લિસ્ટીંગ લગભગ નક્કી છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, લિસ્ટીંગ પછી આ વિશાળ કંપની માટે ચેરિટી ઓછી કરીને નફામાં આવવું મજબૂરી બની જશે. ટાટા સન્સમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ સહિત 7 લિસ્ટેડ કંપનીઓનો 12 ટકા હિસ્સો છે, લિસ્ટીંગથી આ રોકાણનું મૂલ્ય સામે આવશે.
રિઝર્વ બેન્કે સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સને અપર લેયર એનબીએફસીની કેટેગરીમાં રાખી હતી. આ કેટેગરીની કંપનીએ ત્રણ વર્ષની અંદર લિસ્ટેડ થવાનું હોય છે. ટાટા સન્સ માટે તેની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2025 હતી. કંપનીએ 28 માર્ચ 2024ના રોજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પરત કરવા અરજી કરી હતી, પરંતુ રિઝર્વ બેન્કે તેનો સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો છે. જોકે, આરબીઆઈનો આ નિર્ણયનો મતલબ આઈપીઓની જાહેરાત નથી. આઈપીઓ ક્યારે આવશે. તેનું કદ અને સ્વરૂપ શું હશે, તે હજુ નક્કી નથી. ટાટા સન્સ આરબીઆઇના નિર્ણયને કાનૂની મોરચે પડકારવાના વિકલ્પો તપાસી રહી છે.
ટાટા સન્સની કુલ એસેટ 2 લાખ કરોડ રૂપિયા
માર્ચ 2026 સુધીની સ્થિતિ મુજબ, ટાટા સન્સની કુલ સંપત્તિ આશરે 2.01 લાખ કરોડ રૂપિયા છે. આ જ આંકડો તેને ‘અપર લેયર’માં મૂકે છે. પરંતુ આ કંપનીનું મૂલ્યાંકન કે સંભવિત આઇપીઓની સાઈઝ નથી. બ્રોકરેજ હાઉસ સ્પાર્ક કેપિટલના અંદાજ મુજબ, વાસ્તવિક ઇશ્યૂ સાઇઝ આશરે 55,000 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે, જે ન્યૂનતમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમો હેઠળ 5-7 ટકા હિસ્સો વેચવાથી આવશે. આ ઇશ્યૂ સાઈઝ પર પણ આ દેશનો સૌથી મોટો આઇપીઓ બનશે.
કોણ વિરોધમાં - કોણ તરફેણમાં? અને શા માટે?
ટાટા સન્સમાં 65ટકાથી વધુ હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સે લિસ્ટિંગનો વિરોધ કર્યો છે. નોએલ ટાટાએ જૂનમાં આરબીઆઈ સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી કે લિસ્ટિંગથી ટાટા સન્સના લાંબા ગાળાના માળખા અને પરોપકારી ઉદ્દેશ્ય પર અસર પડી શકે છે. બીજી તરફ, ટાટા ટ્રસ્ટ્સના ટ્રસ્ટી વેણુ શ્રીનિવાસન અને વિજય સિંહ લિસ્ટીંગના પક્ષમાં હોવાનું કહેવાય છે. લગભગ 18.3 ટકા હિસ્સો ધરાવતું શાપૂરજી પાલોનજી (એસપી) ગ્રૂપ પણ લિસ્ટિંગ ઈચ્છે છે. આનાથી તેને પોતાનો કેટલોક હિસ્સો વેચીને તેનું મૂલ્ય મેળવવાનો અને ભંડોળ એકત્ર કરવાનો રસ્તો મળી શકે છે.
ટાટા સન્સ શા માટે લિસ્ટીંગથી બચવા માંગે છે?
66 ટકા હિસ્સો ધરાવતું ટાટા ટ્રસ્ટ્સ કંપની પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માંગે છે. લિસ્ટિંગ થતાં જ કંપનીએ જાહેર ખુલાસાઓ, ત્રિમાસિક પરિણામો અને બહારના રોકાણકારોનું દબાણ સહન કરવું પડશે. ટાટા સન્સ અત્યારે TCS જેવી કંપનીઓ પાસેથી મળતા વિશાળ ડિવિડન્ડ (નાણાવર્ષ 2024-25માં ₹32,828 કરોડ)ને એર ઈન્ડિયા જેવી ખોટ કરતી કંપનીઓમાં લગાવે છે. લિસ્ટિંગ પછી પબ્લિક શેરહોલ્ડર્સ આવા નિર્ણયો પર સવાલ ઉઠાવી શકે છે, જેનાથી પારદર્શિતા ઘટી જશે.
ગ્રૂપની કઇ કંપનીના શેરધારકો લાભમાં?
માર્કેટ વિશ્લેષક અંબરીશ બાલિગાના મતે, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ સહિત સાત લિસ્ટેડ કંપનીઓ ટાટા સન્સમાં અંદાજે 12 ટકા હિસ્સો ધરાવે છે. લિસ્ટિંગથી ટાટા સન્સનું અસલી માર્કેટ મૂલ્ય સામે આવશે. આનાથી આ કંપનીઓના રોકાણનું સાચું મૂલ્યાંકન થઈ શકશે. એમના શેર હોલ્ડ કરવા વાળા સામાન્ય રોકાણકારોને પણ પોતાના રોકાણનું સાચું મૂલ્ય જાણવા મળશે. કુલ મળીને ટાટા સન્સના લિસ્ટિંગથી બાદ પહેલાથી લિસ્ટેડ ગ્રૂપ કંપનીઓને ફાયદો થઈ શકે છે, પરંતુ લિસ્ટિંગ પછી ટાટા સન્સની જવાબદારી પણ વધી જશે. અત્યારે તેની અંદાજે 66 ટકા આવક દાન (સમાજ કલ્યાણ)માં ખર્ચ થઈ જાય છે. કેટલીક આવક એર ઇન્ડિયા, બિગ બાસ્કેટ જેવા ખોટમાં ચાલી રહેલા બિઝનેસને પાટા પર લાવવામાં પણ ખર્ચ થાય છે. લિસ્ટિંગ પછી આવું કરવું મુશ્કેલ થઈ જશે કારણ કે શેરધારકો આવા ખર્ચાઓ પર સવાલ ઉઠાવશે.
લિસ્ટીંગ ટાટા સન્સનો ઉદ્દેશ બદલી નાંખશે
વિશ્લેષક અંબરીશ બાલિગાનું કહેવું છે કે ટાટા સન્સનું લિસ્ટીંગ આ કંપનીનો ઉદ્દેશ્ય જ બદલી નાખશે. લિસ્ટિંગ પછી તેના માટે નફો કમાવો જરૂરી બની જશે, જ્યારે અત્યારે એવી કોઈ અનિવાર્યતા નથી. પરંતુ જો માત્ર અને માત્ર બિઝનેસના દ્રષ્ટિકોણથી જોઈએ તો દેશ માટે ‘ફાઇનાન્સિયલી ઇમ્પોર્ટન્ટ કંપની’ હોવાના નાતે ટાટા સન્સનું નફામાં આવવું અને જવાબદારી વધવી સારી બાબત ગણાશે. પરંતુ આ કિસ્સામાં આપણે એ પણ યાદ રાખવું પડશે કે આ બદલાવ ચેરિટી પરના અઢળક ખર્ચના ભોગે આવશે. મતલબ કે કંપની દ્વારા થતા જંગી દાન-સખાવત ઘટી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter