વોશિંગ્ટનઃ અમેરિકી પ્રજાજનો હજુ તો ટ્રમ્પ સમર્થકોએ કરેલા લોકશાહીના વરવા ચીરહરણના આઘાતમાંથી બહાર નીકળ્યા નથી ત્યાં વધુ એક ચિંતાજનક અહેવાલ છે. દેશની ટોચની સુરક્ષા સંસ્થા એફબીઆઈએ ચેતવણી ઉચ્ચારી છે કે નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની કેપિટલમાં શપથવિધી પહેલાં ટ્રમ્પ સમર્થકો દ્વારા સમગ્ર દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો યોજાઇ શકે છે.
એફબીઆઇના અહેવાલ અનુસાર ૨૦ જાન્યુઆરીએ જો બાઇડેનની શપથવિધિ અગાઉ સશસ્ત્ર જૂથ ૫૦ સ્ટેટ કેપિટલ અને વોશિંગટન ડીસીમાં એકત્ર થવાની યોજના બનાવી રહ્યું છે. આ અહેવાલ બાદ શપથવિધિ માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.
ટ્રમ્પના સમર્થકોએ ગયા સપ્તાહે બેફામ હિંસા આચરીને અમેરિકી લોકતંત્રના બે સદીના ભવ્ય ઇતિહાસને કલંક લગાડ્યું છે. ટ્રમ્પ સમર્થકો છઠ્ઠી જાન્યુઆરીએ જે પ્રકારે અમેરિકી સંસદમાં ઘુસી ગયા હતા અને હિંસા - ભયનો માહોલ સર્જ્યો હતો તે જોઇને સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઇ ગયું હતું.
આ વિદ્રોહ છે : બાઇડેન
અમેરિકી સંસદ પર ટ્રમ્પ સમર્થકો દ્વારા કરાયેલા હુમલાને અત્યંત નિંદનીય ગણાવી વખોડી કાઢતાં પ્રેસિડેન્ટઇલેક્ટ જો બાઇડેને જણાવ્યું હતું કે, આ વિરોધ પ્રદર્શન નથી, પરંતુ વિદ્રોહ છે. આ અસંતોષ નથી, પરંતુ કાયદાનું ઉલ્લંઘન અને અંધાધૂંધી છે.
બાઇડેને જણાવ્યું હતું કે, કટ્ટરવાદીઓનું ટોળું અંધાધૂંધી ફેલાવવા માટે પ્રતિબદ્ધ હતું. હું સ્પષ્ટતા કરવા માગું છું કે, અમેરિકી સંસદ ખાતે સર્જાયેલાં દશ્યો સાચા અમેરિકાનું પ્રતિબિંબ નથી. આ અમેરિકન નાગરિકોનું કામ નથી. આ અમેરિકાની લોકશાહી પર હુમલો છે. અમેરિકાના આધુનિક ઇતિહાસમાં આપણે ક્યારેય આ પ્રકારની સ્થિતિ જોઇ નથી. આ કાયદાનું ઉલ્લંઘન, સ્પષ્ટ વિદ્રોહ છે અને તેનો અંત આવવો જ જોઇએ.
૨૦મીએ આવવાનું ટાળજો
નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ૨૦ જાન્યુઆરીએ કેપિટલમાં યોજાયેલ એક સમારંભમાં શપથ લેવાના છે. જો બાઇડેનની ટીમે અમેરિકન પ્રજાને અપીલ કરી છે કે કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને તેઓ કેપિટલ આવવાનું ટાળે. ગયા અઠવાડિયાની હિંસા બાદ સ્થાનિક અધિકારીઓ દ્વારા પણ લોકોને આવી જ અપીલ કરવામાં આવી છે. વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે છઠ્ઠી જાન્યુઆરીએ રોજ જે સુરક્ષા ચૂક થઈ છે તે ફરીથી નહીં થાય.
વોશિંગ્ટન યુદ્ધ છાવણીમાં ફેરવાયું
સંસદ પરના હુમલાને પગલે મોટી સંખ્યામાં નેશનલ ગાર્ડને વોશિંગ્ટનની સડકો પર ખડકી દેવાયાં હતાં અને સાંજના ૬ કલાકથી કરફ્યૂની જાહેરાત કરાઈ હતી. ડીસીના મેયર મ્યુરિયલ બોવસરે વોશિંગ્ટનમાં જો બાઇડેન શપથ ગ્રહણ ન કરે ત્યાં સુધી આગામી ૧૫ દિવસ માટે સ્ટેટ ઓફ ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. મેટ્રોપોલિટન પોલીસ ચીફ રોબર્ટ જે. કોન્ટિએ જણાવ્યું હતું કે, બાવન તોફાનીઓની અત્યાર સુધી ધરપકડ કરાઈ છે. જેમાંથી ૪૭ની અટકાયત કરફ્યૂના ભંગ માટે કરાઈ હતી. ૨૬ તોફાનીઓની સંસદના પ્રાંગણમાંથી અટકાયત કરાઈ હતી. લાઇસન્સ વિનાના અને પ્રતિબંધિત શસ્ત્રો સાથે સંખ્યાબંધ લોકોની ધરપકડ કરાઈ હતી.
૨૨૦ વર્ષના ઇતિહાસને કલંક
છઠ્ઠી જાન્યુઆરીના રોજ હજારોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા, જ્યાં કોંગ્રેસના સભ્યો ચૂંટણી પરિણામો પ્રમાણિત કરવા માટે મતદાન કરી રહ્યા હતા. કેપિટલ હિંસામાં પાંચ લોકોએ જાન ગુમાવ્યા હતા. ટ્રમ્પ દ્વારા સતત પાયાવિહોણા દાવાઓ કરવામાં આવતા કે નવેમ્બર ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીમાં છેતરપિંડી થઈ છે. આ આક્ષેપો તેમના સમર્થકોને કેપિટલમાં હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. આ ઘટના બાદ સતત માગણી થઈ રહી છે કે ટ્રમ્પ રાજીનામું આપે અને તેમને રાષ્ટ્રપતિ પદથી હટાવવામાં આવે અને તેમની સામે મહાઅભિયોગનો ખટલો ચલાવવામાં આવે.
ટ્રમ્પના આહવાન પર અમેરિકી સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં વોશિંગ્ટન ડીસીમાં સેંકડોની સંખ્યામાં ટ્રમ્પ સમર્થકો એકઠાં થયાં હતાં. ટ્રમ્પે રેલીને ઉશ્કેરણીજનક સંબોધન કર્યાં પછી સમર્થકોના ટોળાં હાથમાં મેટલ પોલ, પાઇપ બોમ્બ, બંદૂકો અને મોટોલોવ કોકટેલ સાથે સંસદ ભવન યુએસ કેપિટલ તરફ ધસી ગયાં હતાં. આ સમયે સંસદમાં બાઇડેનના વિજયને સર્ટિફાઈ કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો.
યુએસ કેપિટલ ખાતે જૂજ સંખ્યામાં તૈનાત સુરક્ષા કર્મીઓ ટ્રમ્પ સમર્થકોના ટોળાંને અટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. તેમણે સંસદ ભવનની અંદર પ્રવેશીને ભારે તોડફોડ મચાવી હતી. આ હિંસા દરમિયાન અમેરિકી સંસદ ભવનની અંદર થયેલા ગોળીબારમાં એશ્લી બેબિટ નામની પૂર્વ લશ્કરી મહિલા અધિકારી તેમજ એક ટ્રમ્પ સમર્થકનું મૃત્યુ થયું હતું.
અમેરિકી સંસદની ઇમારતથી થોડે દૂર ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર એક વ્યક્તિને છૂરો હુલાવી દેવાયો હતો. સંસદના પ્રાંગણમાંથી પોલીસને બે પાઇપ બોમ્બ, લોન્ગ ગન અને પેટ્રોલ બોમ્બથી ભરેલી એક ટ્રક મળી આવી હતી.
બાઇડેનના વિજય પર સંસદની મહોર
અમેરિકી સંસદ પર ટ્રમ્પના સમર્થકોના હુમલાના કલાકો પછી વિશ્વની સૌથી મજબૂત લોકશાહીના મંદિરે દેશના આગામી પ્રમુખ જો બાઇડેનના ચૂંટણી વિજય પર મંજૂરીની મહોર મારી હતી. કેપિટોલ હિલમાં બુધવારે ટ્રમ્પ સમર્થકોએ મચાવેલી ભારે અંધાધૂંધી બાદ સંસદની સંયુક્ત બેઠકનો પુનઃ પ્રારંભ કરાયો હતો.
સ્થાનિક સમય પ્રમાણે ગુરુવાર સવાર સુધી ચાલેલી પ્રક્રિયામાં સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે રિપબ્લિકન સાંસદો દ્વારા બાઇડેનના એરિઝોના, નેવાડા અને પેન્સિલ્વેનિયાના વિજય સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે ડેમોક્રેટ બહુમતી ધરાવતા સંસદના બંને ગૃહે વાંધા ફગાવી દીધા હતા. અંતે જો બાઇડેનને મળેલા ૩૦૬ ઇલેક્ટોરલ વોટ અને ટ્રમ્પને મળેલા ૨૩૨ ઇલેક્ટોરલ વોટ પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી હતી.
બાઇડેનના વિજય પર મહોરની જાહેરાત કરતાં વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રમુખ બાઇડેનને ૩૦૬ ઇલેક્ટોરલ વોટ મળ્યા છે.
જો બાઇડેનને પ્રમુખ અને કમલા હેરિસને ઉપપ્રમુખ જાહેર કરવા માટે આ પૂરતું છે. આ સાથે અમેરિકાના પ્રમુખપદે જો બાઇડેન અને ઉપપ્રમુખપદે કમલા હેરિસનો માર્ગ મોકળો બની ગયો હતો. હવે ૨૦મી જાન્યુઆરીના રોજ સત્તા હસ્તાંતરણ થશે.
ટ્રમ્પ સામે મહાભિયોગ
ડેમોક્રેટ્સે જાહેર કર્યું છે કે વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે મહાઅભિયોગ (ઇમ્પિચમેન્ટ) દરખાસ્ત માટે બુધવારે મતદાન કરવામાં આવશે. ડેમોક્રેટિક પક્ષે મંગળવારે અમેરિકી સંસદમાં ટ્રમ્પ સામે બે મહાભિયોગ દરખાસ્ત રજૂ કરી છે, જેમાં ટ્રમ્પ સામે લોકોને બળવો કરવા માટે પ્રેરવાનો આરોપ મૂકાયો છે. તેમાં જણાવાયું છે કે ગયા સપ્તાહે ટ્રમ્પે અમેરિકી સંસદમાં હિંસા આચરવા માટે તોફાનીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે બળવા માટે ઉશ્કેરણી કર્યાનો આરોપ મૂક્તા ડેમોક્રેટ્સે જણાવ્યું કે જો ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ ટ્રમ્પને રાષ્ટ્રપતિપદેથી હટાવવા માટે બંધારણીય સત્તાનો ઉપયોગ નહીં કરે તો મતદાન કરાવાશે.
સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્વક થવું જોઈએ: મોદી
નવી દિલ્હીઃ અમેરિકામાં થયેલા સંસદ પરના હુમલા અને લોકશાહીની શાખને કલંક લગાડવાના પ્રયાસને દુનિયાભરના દેશો અને નેતાઓએ વખોડયા છે. ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસેન, કેનેડાના પ્રમુખ ટ્રુડો અને જર્મનીના વિદેશ પ્રધાન હીકો માસે આ ઘટનાને લોકશાહી ઉપર હુમલા સમાન ગણાવીને નિંદા કરી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વોશિંગ્ટનના કેપિટલ બિલ્ડિંગમાં જે હોબાળો અને હિંસા થયા તે ચિંતાજનક છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, અમેરિકાના વોશિંગ્ટન ડીસીની સ્થિતિ અંગે હું ચિંતિત છું. ત્યાં જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમેરિકામાં સત્તાનું શાંતિપૂર્ણ રીતે અને વ્યવસ્થિત રીતે હસ્તાંતરણ થવું જોઈએ. લોકશાહીની પ્રક્રિયાઓને ગેરકાયદે પ્રદર્શનો દ્વારા બદલવા માટે અનુમતી આપી શકાય નહીં.