વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને ઈરાન-અમેરિકા યુદ્ધનું તાર્કિક એનાલિસિસ કર્યું છે. માત્ર 20 જ દિવસમાં અમેરિકા જેવી મહાસતા જાહેરમાં યુદ્ધ ગુમાવવાની સ્થિતિમાં આવી ગયું તે પાછળ ટ્રમ્પની અણઆવડતને જવાબદાર ઠેરવતા ક્લિન્ટને કહ્યું કે જો રાજકીય રીતે આ યુદ્ધથી કોઈને ફાયદો થતો હોય તો એ ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂને થાય છે. નેતાન્યાહૂએ અમેરિકાને યુદ્ધમાં જોતરી દીધું અને ટ્રમ્પ એ જાળમાં બરાબર ફસાઈ ગયા. પરિણામ એ આવ્યું કે આજે યુદ્ધની સ્થિતિ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના હાથમાંથી નીકળતી જાય છે.
બિલ ક્લિન્ટનની નજરે મહાયુદ્ધનું વિશ્લેષણ...
પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી દેશ 20 દિવસમાં જાહેરમાં યુદ્ધ ગુમાવવાની સ્થિતિમાં છે. સાઉથ પાર્સમાં ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર ઈઝરાયલે કરેલા હુમલાના સંદર્ભમાં પ્રમુખ ટ્રમ્પ જણાવી રહ્યા છે કે મેં તેમને (વડાપ્રધાન નેતાન્યાહૂને) એવું કરવાની ના પાડી હતી. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 13 અમેરિકન જવાનો માર્યા ગયા છે. એફ-35 લડાકુ વિમાન કે જે દુનિયાનું સૌથી આધુનિક અને પાવરફુલ ફાઈટર આ લડાઈમાં હીટ થાય છે. એવું ઈતિહાસમાં પહેલી વખત બને છે કે પેન્ટાગોન અમેરિકન કોંગ્રેસ પાસે 200 બિલિયન ડોલરની યુદ્ધ માટે ડિમાન્ડ કરે છે. ક્રૂડના ભાવમાં ભડકો થયો અને બેરલનો ભાવ 120 ડોલર વટાવી ગયો. ક્લિન્ટન આગળ કહે છે કે આ કોઈ એકલ-દોકલ ઈવેન્ટની વાત નથી. આ પેટર્ન થતી જાય છે તેની વાત છે. અમેરિકા આ યુદ્ધમાં એવી રીતે જોતરાઈ ગયું છે કે હવે એમાંથી બહાર કેવી રીતે નીકળવું તે અઘરું થઈ પડયું છે.
ક્લિન્ટનના મતે સૌથી મહત્ત્વનો સવાલ...
આ યુદ્ધ શા માટે થયું? આપણે અહીંથી શું ગુમાવીશું? આપણને યુદ્ધથી શું મળશે? અમેરિકન નાગરિકોને ધીમે ધીમે તેનો અહેસાસ થઈ રહ્યો છે. ઈઝરાયેલ માટે ઈરાન ખતરો છે તે આખી દુનિયા જાણે છે. હું પ્રેસિડેન્ટ હતો ત્યારે પણ એવો જ ખતરો હતો. દરેક પ્રેસિડેન્ટને એ સ્થિતિ સાથે કામ પાર પાડવાનું આવ્યું છે, પરંતુ કોઈએ આવો રસ્તો પસંદ કર્યો ન હતો.
એક તરફ ટ્રમ્પ કહે છે કે અમેરિકાએ ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર હુમલાની પરવાનગી આપી ન હતી. બીજી તરફ સૂત્રો કહે છે કે બંને દેશો સહયોગથી આ કરતા હતા. જો ટ્રમ્પ ના પાડતા હતા તો પછી નિર્ણય કેવી રીતે થયો એ સૌથી મોટો સવાલ પણ થવો જોઈએ. જો ખરેખર અમેરિકાને જાણ કર્યા વગર તમારા સહયોગી મોટો હુમલો કરે છે તો એ બહુ જ ગંભીર બાબત છે. એક વખત તમારી પીછેહઠ થઈ તો એની અસર લાંબાંગાળા સુધી રહેશે.
ક્લિન્ટન મજબૂત તર્ક આપતા કહે છે...
સાઉથ પાર્સમાં ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર હુમલો થવો એ નાની વાત નથી. એ ગેસ ફિલ્ડ એકલા ઈરાનનું નથી. તે દુનિયાનું સૌથી મોટું ગેસ ફિલ્ડ છે અને ઈરાન-કતાર તેને શેર કરે છે. ગેસ ફિલ્ડ પર હુમલો કરવો એટલે આખા મધ્ય-પૂર્વના એનર્જી સ્ટ્રક્ચર પર હુમલો કરવો. તેનાથી દુનિયા પ્રભાવિત થશે. દુનિયાના અર્થતંત્રને તેનાથી મોટો ફટકો પડી શકે. ઈઝરાયેલના હુમલાથી જે નુકસાન થયું છે તેમાંથી બહાર નીકળતા ત્રણથી પાંચ વર્ષ નીકળી જશે.
પૂર્વ પ્રમુખ ક્લિન્ટન યુદ્ધના મંડાણની પ્રોસેસ જણાવતા કહે છે...
અમેરિકન કોંગ્રેસ યુદ્ધને મંજૂરી આપે છે, અને પ્રમુખ એ યુદ્ધના કમાન્ડર ઈન ચીફ હોય છે. લશ્કરને આદેશ આપવાની સત્તા પ્રમુખ પાસે છે. સહયોગીઓ સાથે વાટાઘાટો કરવાનું કામ પ્રમુખનું છે, પરંતુ ટ્રમ્પે તો આ આખી સિસ્ટમ ખોરવી નાખી છે.
એક વાત આપણે સહુએ યાદ રાખવી જોઈએ કે જો આનો ડિપ્લોમેટિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આપણાં માટે નો-રિટર્નની સ્થિતિ આવી જશે. લોકશાહીની ઢબે નિર્ણયો લેવાય અને એ રીતે તેનો ઉકેલ આવે તે આજના સમયની માગ છે.


