ટ્રમ્પનો ઇરાન સાથે ‘સારી-સર્જનાત્મક’ મંત્રણાનો દાવોઃ આવી કોઇ વાત થયાનો ઇરાનનો ઇનકાર

Wednesday 25th March 2026 04:33 EDT
 
 

વોશિંગ્ટન, તહેરાનઃ સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બનેલા ઈઝરાયેલ-અમેરિકા-ઈરાન યુદ્ધના ઉકેલની આશા ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કરી છે. યુએસ પ્રમુખે સોમવારે કહ્યું હતું કે, ઈરાન સાથે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી વાટાઘાટો અત્યંત સારી અને સર્જનાત્મક રહી છે. આ સાથે તેમણે ઈરાનના પાવર પ્લાન્ટ્સ સહિતના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવાની યોજના પર પાંચ દિવસ મુલત્વી રાખી છે અને હોર્મુઝની ખાડી ફરી શરૂ કરવા ઈરાનને વધુ પાંચ દિવસનો સમય આપ્યો છે. બીજી તરફ, પ્રમુખ ટ્રમ્પના આ દાવાને ઇરાને ભારપૂર્વક ફગાવી દીધા છે. ઈરાને કોઈ પણ પ્રકારનો સીધો કે આડકતરો સંવાદ ન થયો હોવાનો દાવો કર્યો છે. ઇરાનના આ ધરાર ઇનકારથી ટ્રમ્પના દાવાને દુનિયા શંકાની નજરે નિહાળી રહી છે.
હોર્મુઝની ખાડી ખોલવા માટે ઈરાનને આપેલી 48 કલાકની સમયમર્યાદા પૂરી થવાના થોડા કલાકો પૂર્વે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ સાઈટ પર જણાવ્યું હતું કે, ઈરાન સાથે ખૂબ સારી અને સર્જનાત્મક વાટાઘાટો થઈ છે. તેના કારણે આ યુદ્ધનો સંપૂર્ણ ઉકેલ આવી જશે. વાટાઘાટો સમગ્ર અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે. ઈરાનના વિદેશ મંત્રાલયે વળતી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, અમેરિકા સાથે કોઈ પણ વાટાઘાટો થઈ નથી. અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું હતું અને તણાવ તેણે જ ઘટાડવો જોઈએ. જોકે, બીજી બાજુ ઇઝરાયેલે ઇરાન અને લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાં પર હુમલા ચાલુ રાખ્યા છે. ટ્રમ્પે હોર્મુઝની ખાડી ફરી શરૂ કરવા ઈરાનને 48 કલાકનો સમય આપ્યો હતો. ત્યારબાદ ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બરબાદ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. ટ્રમ્પની આ ધમકીનો બમણા જોરથી જવાબ આપતાં ઈરાને ખાડી દેશોમાં આવેલા પાવર પ્લાન્ટ્સ અને પર્શિયન અખાતમાં આવેલા ક્રૂડના ભંડારો પર હુમલાની ચીમકી આપી હતી. ખાડી દેશના લોકોને પાણી માટે પણ વલખાં મારવા પડે તેવી સ્થિતિ ઊભી કરવાના ઈરાદા ઈરાને જાહેર કર્યા હતા.
 ઈરાન-અમેરિકાની સામસામી ધમકીઓના પગલે યુદ્ધ વધારે ભીષણ બનવાની આશંકા હતી, પરંતુ ટ્રમ્પે અચાનક જ યુદ્ધના બદલે શાંતિની રાહ પર ચાલવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે આશાવાદ ઊભો કરતાં વિશ્વભરનાં શેરબજારોમાં ઉછાળા જોવા મળ્યા હતા. ઓઈલની ઊંચી કિંમતોમાં કડાકો બોલી ગયો હતો. આથી ઈંધણની વધતી કિંમતો પર બ્રેક વાગી છે અને વિશ્વભરમાં ઈંધણ કટોકટી હળવી બનવાની શક્યતા ઊભી થઈ છે. લેબનોનમાં યુએનના પીસકિપિંગ હેડક્વાર્ટર પર હુમલો થયો હતો. આ હુમલો હિઝબુલ્લાહ દ્વારા થયો હોવાનું મનાય છે. રશિયાના 480 કામદારો ઈરાનમાં પાવર પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. તેમાંથી કેટલાક કામદારોને પરત રશિયા લઈ જવાશે.
ઈરાનના પાટનગર તેહરાનમાં ઈઝરાયેલે સંખ્યાબંધ સ્થળો પર હુમલા કર્યા. સોમવારે દિવસભર ધડાકાના અવાજ ગૂંજતા રહ્યા. અમેરિકાના યુદ્ધ જહાજો અને સૈનિકો ઈરાનના ટાપુ કે કાંઠા વિસ્તારમાં હુમલા કરે તો પર્શિયન અખાતમાં આવેલા તમામ માર્ગોને માઈનિંગથી ઊડાવી દેવા ઈરાને ચીમકી આપી. અમેરિકાએ જમીની હુમલા માટે સેના મોકલવાની ના પાડી, પરંતુ ઈઝરાયેલના સૈનિકો ઈરાનમાં ઘૂસવા તૈયાર.
ટ્રમ્પે સત્તા પલટાના સંકેત આપ્યા?
અમેરિકા સાથે વાટાઘાટો ચાલી રહી હોવાનો ઈરાને સત્તાવાર ઈનકાર કર્યો છે ત્યારે ટ્રમ્પ પોતાની વાત પર અડગ છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે ઈરાનમાં સૌથી વધુ આદર ધરાવતા ટોચના વ્યક્તિ સાથે તેઓ સંપર્કમાં છે. પ્લોરિડા ખાતે પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું તું કે, અમેરિકાની વાટાઘાટો ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સાથે નથી ચાલતી. ઈરાનમાં સૌથી વધુ સન્માન ધરાવતા ટોચના નેતા સાથે અમેરિકા ડીલ કરી રહ્યું છે. મોજતબા પાસેથી કંઈ સાંભળ્યું નથી. થોડા સમયમાં કદાચ મોજતબાનું નિવેદન જોવા મળશે, પરંતુ તે જીવિત હોય તેવું લાગતું નથી. અમેરિકી સેનાએ ઈરાનિયન નેતૃત્વનો ખાત્મો બોલાવી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter