ટ્રેઝરી મુશ્કેલીમાઃ ૫૦ ટકા બિઝનેસીસ તેમનો અડધો સ્ટાફ ફર્લો પર ઉતારશે

ખર્ચ ત્રણ ગણો વધી અંદાજે ૪૦ બિલિયન પાઉન્ડ થશેઃ૮થી ૧૧ લાખ કર્મચારી ફર્લો પર મૂકાઈ શકે છે

Friday 17th April 2020 05:52 EDT
 
 

લંડનઃ બ્રિટનની લગભગ અડધોઅડધ કંપનીઓ સરકારની જોબ સિટેન્શન સ્કીમનો લાભ લઈ તેમના તમામ કર્મચારીને ફર્લો પર ઉતારી રહી છે જેના પરિણામે તેની પાછળનો ખર્ચ ત્રણ ગણો વધી જશે અને હવે તેનો અંદાજ ૪૦ બિલિયન પાઉન્ડનો મૂકાય છે. આશરે ૨૦ ટકા લઘુ બિઝનેસીસ તેમના તમામ સ્ટાફને ફર્લો પર મૂકવાની તૈયારીમાં છે. ટ્રેઝરીનો અગાઉનો અંદાજ ૧૦ ટકા કંપનીઓ સ્કીમને અપનાવશે તેવો હતો. જોકે, બીબીસીના નવા આંકડા અડધોઅડધ કંપનીઓ ફર્લોનો લાભ મેળવશે તેમ જણાવે છે.

કોરોના મહામારી તેમજ તે પછીના લોકડાઉનના કારણે બિઝનેસીસ અસ્તિત્વ જાળવવા ઝઝૂમી રહ્યા છે તે સમયે સરકારે આશરે ૧૦ બિલિયન પાઉન્ડના ખર્ચ સાથે બિઝનેસીસના સ્ટાફના વેતનના ૮૦ ટકા ચૂકવણીની ગ્રાન્ટ આપવાની યોજના દાખલ કરી હતી. સરકારનો પ્રાથમિક અંદાજ ૧૦ ટકા લઘુ બિઝનેસીસ તેનો લાભ લેશે તેવો હતો. જોકે, બીબીસીના રિપોર્ટ અનુસાર ૨૦ ટકા નાના બિઝનેસીસ તેમના તમામ સ્ટાફને તેમજ ૫૦ ટકા કંપની તેના કેટલાક કર્મચારીને ફર્લો પર મૂકવાની યોજના ધરાવે છે.

ધ રેઝોલ્યુશન ફાઉન્ડેશન માને છે કે ૮થી ૧૧ લાખ કર્મચારી ફર્લો પર મૂકાઈ શકે છે જેના પરિણામે સરકારને ૩૦થી ૪૦ બિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. આશરે ૧૩,૦૦૦ બિઝનેસીસ સાથે કામ કરતા એકાઉન્ટ્ન્ટ્સના ધ કોર્પોરેટ ફાઈનાન્સ નેટવર્કના રિપોર્ટ અનુસાર યુકેના લોકડાઉનના પરિણામે તમામ સંઘર્ષરત નાની કંપનીઓની ૧૮ ટકા આગામી મહિને અસ્તિત્વ ટકાવી નહિ શકે. આના પરિણામે, આશરે ચાર મિલિયન કર્મચારી મે મહિનામાં નોકરી ગુમાવશે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે જો લોકડાઉન ચાર મહિના કે તેથી વધુ ચાલશે તો ૪૨ ટકા નાની કંપનીઓ દેવાળું કાઢશે.

ઘણા ધીરાણકારો બિઝનેસીસ પાસે બેન્કમાં રોકડ હોય તો તેમને બિઝનેસ બચાવવા નાણા આપવાનું નકારે છે અથવા જો તેમણે ૨૫૦,૦૦૦ પાઉન્ડથી વધુનું કરજ લેવું હોય તો તેમની પાસે ૧૦૦,૦૦૦ પાઉન્ડના મૂલ્યના ઘર જેવી સંપત્તિની જામીનગીરી- કોલેટરલ તરીકે માગણી કરે છે. કેટલાક બિઝનેસ માલિકોનું કહેવું છે કે જો ૨૫,૦૦૦ પાઉન્ડથી ઓછી રકમનું કરજ માગીએ તો ઈનકાર કરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter