ડાયરેક્ટ ફ્લાઈટની જોર પકડતી ઝુંબેશ

જોજો બીજી વાર હીરો ઘોઘે ના જાય....

- કમલ રાવ Saturday 29th November 2014 14:12 EST
 

'ગુજરાત સમાચાર'ના વાચકોને સુવિદીત છે કે અમદાવાદ-લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટની ઝુંબેશ માટે ભારતસ્થિત એક સમિતિ 'અોલ પાર્ટી કમીટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટ' અને સવિશેષ તેના કો-ઓર્ડિનેટર શ્રી ભુપતભાઈ પારેખ અત્યંત જહેમતથી ઊઠાવી રહ્યા છે.

એર ઈન્ડિયાની કફોડી આર્થિક હાલત તથા અગાઉના વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘ સરકારના નાગરીક ઊડ્ડયન પ્રધાનની અણઆવડત કે અન્ય કોઈ બાબતના લીધે એર ઈન્ડિયા અત્યારે હજારો કરોડો રૂપીયાના કરજમાં ડૂબકીઓ ખાઈ રહ્યું છે. તેમ છતાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના બ્રિટનના વર્ષો જૂના વિશ્વાસુ મિત્ર શ્રી મનોજભાઇ લાડવા આ બાબતને આગળ ધપાવવા સતત પ્રયત્નશીલ છે. એક રીતે વાતાવરણ અનુકૂળ બની રહ્યું છે.

ચાલતી ગાડીએ ચઢી જવા એક વધુ ઉત્સાહી વ્યક્તિએ દશેક દિવસ પહેલાં તેમના બ્રિટનના કેટલાક સંપર્કવાળાઓને આઠ-દસ પાનનો પરિપત્ર પાઠવ્યો હતો. જેમાં ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે કે બ્રિટનથી કેટલાક ગુજરાતી અગ્રણીઅોનું પ્રતિનિધમંડળ નવી દિલ્હીમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળીને રૂબરૂમાં આ વિશે રજૂઆત કરે.

આ વ્યક્તિએ ગત ફેબ્રુઆરીમાં જ્યારે મનમોહન સિંઘની સરકાર નામોશીભેર વિદાયની વાટે ધસી રહી હતી ત્યારે બ્રિટનની એક ગુજરાતી સંસ્થાના ઉત્સાહઘેલા અગ્રણીઓને ઠસાવ્યું કે ‘તમે બધા ભારત આવો અને આપણે નવી દિલ્હીમાં ઊડ્ડયન પ્રધાન અજીત સિંહને મળીએ. અને આની પૂર્વ તૈયારી સ્વરૂપે એક અભ્યાસપૂર્ણ દસ્તાવેજ તૈયાર કરાવવા હજારો રૂપીયા તે સંસ્થાના અધ્યક્ષશ્રીએ પોતીકા ફાળવ્યા. આ દસ્તાવેજમાં કઈ રીસર્ચ - સંશોધન સંસ્થાએ આ બધી માહિતી ક્યાંથી મેળવી તેનો કોઈ ઉલ્લેખ પણ નથી અને કંઈ એવું સત્વ દેખાતું પણ નથી.

ખેર સ્થાનિક બે-ત્રણ સાંસદો કે અહીંના બે-ત્રણ આગેવાનો નવી દિલ્હી ગયા અને પ્રધાન અજીત સિંહને મળ્યા. પણ પછી શું? આ તો હીરો ઘોઘે જઈ આવ્યો તેવું થયું તેમ કેટલાક લોકો કહે છે.

હવે આ મહાશય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે આ મુદ્દે બેઠક યોજવા અત્રેની સંસ્થાના અગ્રણીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

અલ્યા ભઈ, શ્રી નરેન્દ્ર મોદી આ પ્રશ્ન વિશે અથથી ઈતિ સુધી માહિતગાર છે. અગાઉ ૨૦૦૩માં તેમની દરમિયાનગીરીથી જ ડાયરેક્ટ ફલ્ાઇટ શરૂ થઈ હતી. દોઢેક વર્ષ પૂર્વે શ્રી માનોજભાઇ લાડવા અને અભિનેતા શ્રી પરેશ રાવલ બ્રિટનના લંડન, લેસ્ટર, બર્મિંગહામ, મંચેસ્ટર અને કાર્ડીફ સહિત વિવિધ શેહેરો - નગરોના હજારો લોકોએ સહી કરેલા પિટીશનના ફોર્મ તે વેળાના મુખ્યમંત્રી શ્રી મોદીને સુપ્રત કર્યા હતા. શ્રી નરેન્દ્ર મોદીએ તે સમયે સ્પષ્ટ કહ્યું હતું (આ બધું "ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ"માં પ્રકાશિત થઈ ચૂક્યું છે) કે 'આ કેન્દ્ર સરકારનો પ્રશ્ન છે પણ તેમ છતાં હું મારી રીતે બનતો બધો પ્રયત્ન કરીશ.'

તાજેતરમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ, રાજ્યના ઊડ્ડયન પ્રધાન શ્રી સૌરભભાઈ પટેલ તથા અન્ય અગ્રણીઓ અને સંસદસભ્યો ભારતની આપણી 'અોલ પાર્ટી કમીટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટ'ના અગ્રણીએ લાગતા વળગતા સાથે તર્કબદ્ધ રજૂઆત કરી છે તે સર્વ માહિતીથી સૌ વાચકો સુવિદિત છે. (વધુ અહેવાલ માટે જુઓ પાન નં ૨૩.)

ભારત દેશનું ક્લેવર બદલવા માટે વડા પ્રધાન મોદી રાત દિ જોયા વગર કાર્યરત છે ત્યારે વડા પ્રધાન મોદીને મળવાની અને ડાયરેક્ટ ફ્લાઈટની રજૂઆત કરવાની વાત કેટલી વાજબી ગણી શકાય?

વાચક મિત્રો, તમારા વિચારો જાણવામાં મને રસ છે. ગયા પખવાડિયે એક સંસ્થાની મિટિંગમાં તંત્રી શ્રી સી.બી. પટેલે કહ્યું હતું કે 'ડાયરેક્ટ ફ્લાઈટની ઝુંબેશમાં સૌ કોઈ સાથ આપે તે આવકાર્ય છે. પરંતુ તે પ્રયાસ એ માત્ર ખોટી પ્રસિદ્ધિ મેળવવા કે વડા પ્રધાનને મળી ફોટા પડાવવાના અને પછી તે ફેસબુક પર મૂકવાના કે પછી પ્રેસ રીલીઝ મોકલવા માટેના ન હોવા જોઈએ.'

એક વખત હીરો ઘોઘે ગયો. હવે બીજી વાર જવાની એ હિંમત કરે તે તો તેમનો કંઈક આશય હોય. પણ જે તે સંસ્થાના અગ્રણીઓએ ભ્રમમાં રાચવું કે કેમ તે તેમણે નક્કી કરવાનું છે.

૦૦૦૦૦૦૦૦

પ્રિય વાચક મિત્રો,

આપ પણ આપના અમૂલ્ય મંતવ્યો જણાવી જનમતને જાગૃત કરી શકો છો. તો ઉઠાવો.. કલમ અને અમને અપનો અભિપ્રાય ૨૨૫ શબ્દોની મર્યાદામાં લખી જણાવો. 'ગુજરાત સમાચાર' પાસે જાગૃત અને સિધ્ધાંતપરસ્ત વાચકો છે તેનું અમને ગૌરવ અને અભિમાન છે અને મત વ્યક્ત કરનાર સૌને અમે વંદન કરીએ છીએ.

આપના મંતવ્યો ન્યુઝ એડિટર શ્રી કમલ રાવને Gujarat Samachar, Karmayoga House, 12 Hoxton Market, London N1 6HW પોસ્ટ દ્વારા, ફેક્સ નં. 020 7749 4081 દ્વારા કે પછી [email protected] પર ઇ-મેઇલ દ્વારા મોકલો.

  • કમલ રાવ

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter