ડિયેગો ગાર્સિયાઃ અમેરિકા-બ્રિટનના અભેદ્ય કિલ્લા સુધી ઇરાનના મિસાઇલ્સ પહોંચ્યા

Friday 27th March 2026 04:33 EDT
 
 

તહેરાન, વોશિંગ્ટનઃ ઈરાને અમેરિકા અને બ્રિટનનાં ડિયેગો ગાર્સિયામાં આવેલા સંયુક્ત લશ્કરી મથકો પર બે લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ્સ છોડતાં અમેરિકા સહિત આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. ઈરાનથી ડિયેગો ગાર્સિયાનું અંતર આશરે 4000 કિમી છે. ઈરાનનાં આ હુમલાથી તે કેટલા અંતર સુધીની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ્સથી સજ્જ છે તે અંગે સવાલો જાગ્યા છે. ઈરાને ડિયેગો ગાર્સિયા પર લાંબા અંતરની મિસાઈલ્સ છોડતા દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. ઈરાન આટલું આત્યંકિત પગલું ભરશે તેવી અમેરિકા કે અન્ય કોઈને દેશને કલ્પના પણ ન હતી. હવે પુરવાર થઈ ગયું છે કે તે લાંબા અંતરની મિસાઈલ્સ વિકસાવી રહ્યું છે. ઈરાને તેની પાસે 2000 કિમી પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ્સ હોવાનું જ અગાઉ જાહેર કર્યું હતું, પરંતુ તેણે આનાથી પણ ડબલ રેન્જની મિસાઇલ ફાયર કરી છે. ઈરાને બહ્માસ્ત્ર છોડતા યુધ્ધનાં તમામ સમીકરણો બદલાઈ ગયા છે અને આખા વિશ્વમાં ચિંતા જાગી છે. ઈરાને જે બે બેલેસ્ટિક મિસાઈલ્સ છોડી હતી તેમાંથી એક અવકાશમાં જ ખરાબ થઈને નાશ પામી છે. બીજીને ઈન્ટરસેપ્ટ કરીને નાશ કરાઈ છે કે કેમ તે જાણવા મળ્યું નથી. રાહતની વાત એ છે કે હુમલામાં ડિયેગો ગાર્સિયા પરનાં લશ્કરી મથકો સુરક્ષિત રહી શક્યા છે.
આખા વિશ્વ માટે ખતરો
ઈરાનનાં વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી જાહેર કર્યું હતું કે તેમનો દેશ 2000 કિમી રેન્જની મિસાઈલ્સ ધરાવે છે. ડિયેગો ગાર્સિયા પર છોડાયેલી મિસાઈલ્સ આના કરતા બમણી રેન્જવાળી છે. આથી ઈરાન વધુ લાંબી રેન્જની મિસાઈલ્સ ધરાવતું હોવાની આશંકા સેવાય છે. ડિયેગો ગાર્સિયા હિન્દ મહાસાગરમાં આવેલું અમેરિકા અને બ્રિટનનું સંયુક્ત લશ્કરી મથક છે.
જ્યાંથી અમેરિકા એશિયામાં તેની લશ્કરી કામગીરી કરે છે. તે બોમ્બવર્ષક વિમાન, અણુ સબમરીન, ગાઈડેડ મિસાઈલ્સ જહાજોને અહીંથી તેના મિશન પર મોકલે છે. તેના પર ઈરાનનો હુમલાને આખા વિશ્વ માટે ગંભીર અને ખતરનાક મનાઈ રહ્યો છે. અમેરિકાએ ઈરાન દ્વારા સમૃધ્ધ કરવામાં આવેલું 60 ટકા યુરેનિયમ જપ્ત કરવાનો તખતો રચ્યો છે. આ માટે તે ખતરનાક કમાન્ડોની ટુકડીને ઈરાન મોકલવા તૈયારી કરી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter