ડોક્ટર-હેલ્થ વર્કર્સના માનસિક આરોગ્યની ચિંતા કોણ કરશે?

રુપાંજના દત્તા અને પ્રિયંકા મહેતા Friday 01st May 2020 13:25 EDT
 
 

લંડનઃ યુકે આ સદીની સૌથી મોટી આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યું ત્યારે જંગમાં મોખરે રહેલા યુવાન ડોક્ટરો અસહાય, હતાશ અને વાઈરસ સામે અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે. પોતાના પ્રથમ બાળક સાથે છ માસની સગર્ભા ૨૭ વર્ષીય ડોક્ટર મીનલ વિઝને કોરોના વાઈરસ મુદ્દે ચિંતામાં હોવાં છતાં તેને કામગીરી ચાલુ રાખવાનું કહેવાયું હતું. આથી તેણે ડાઉનિંગ સ્ટ્રીટની બહાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પૂરતા પ્રોટેક્શન અને ટેસ્ટિંગ ઉપકરણો વિના NHS ફ્રન્ટલાઈન પર કાર્યરત હજારો મેડિક્સની ચિંતાને ડો. મીનલે વાચા આપી હતી.

બ્રિટન કોરોના મુદ્દે ઉંઘતું ઝડપાયું છે ત્યારે દેશના સતત કાર્યરત અડધોઅડધો ડોક્ટરો ભારે થકાવટની ફરિયાદ કરી રહ્યા છે. કેટલાકને માનસિક આરોગ્યની બીમારી લાગવાનું પણ જોખમ છે. હેરોની NHS હોસ્પિટલમાં કામ કરતી જુનિયર ડોક્ટર ડો. રાનીઆ શાહે* (વિનંતીસહ નામ બદલ્યું છે) ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘લોકો આ રોગની જટિલતાને સમજતા નથી. જેઓ ઉનાલાના સૂર્યપ્રકાશમાં પિકનિક મનાવવા જાય છે તેમને અમારા વોર્ડમાં એક જ દિવસ વીતાવવા કહું છું. આ રોજ મોત સાથે જીવવાની વાત છે. અમે ખબર છે કેટલાક પેશન્ટ જીવી નહિ શકે છતાં, તેમના માટે દોડાદોડ કરીએ છીએ. શિફ્ટ પૂરી થતાં ઘેર જવાનો ડર લાગે છે. માતાપિતાને અને બહેનને કોરોનાનો ચેપ લાગી નહિ જાય તેની ચિંતા સતાવે છે.’

 તાજેતરમાં બ્રિટિશ મેડિકલ એસોસિયેશને (BMA) ૧૪-૧૬ એપ્રિલ વચ્ચે તેના ૬૦૦૦થી વધુ સભ્યનો સર્વે કર્યો હતો, જેમાં ૪૪ ટકા ડોક્ટરોએ ડિપ્રેશન, ચિંતા, થકાવટ, અથવા અન્ય માનસિક આરોગ્યની હાલતની ફરિયાદ કરી હતી. કોરોના મહામારીમાં વધતાં મૃત્યુ તેમજ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ (PPE)ની અછત તેમનું કાર્ય વધુ મુશ્કેલ બનાવે છે. ૫૧ ટકા ડોક્ટર માનતા હતા કે સરકારનો તેમને સપોર્ટ નથી.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા હેલ્થકેર વર્કર્સને PPE ના પુનઃ ઉપયોગ તેમજ ગાઉનના બદલે એપ્રન પહેરવાની સલાહ અપાયા વિશે  BMA કાઉન્સિલના અધ્યક્ષ ચાંદ નાગપોલે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘ આ ચિંતાજનક છે અને મહામારી ફ્રન્ટલાઈન ડોક્ટર્સના સ્વાસ્થ્ય પર કેવી અસર કરી રહી છે તે દર્શાવે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter