ડોક્ટર્સ પરિવારનું ફરજંદ અમીરા શાહ ફાઈનાન્સમાં વધુ સારી ફાવટ ધરાવે છે

Thursday 30th July 2020 05:46 EDT
 
પિતા ડો. સુશીલ શાહ સાથે અમીરા શાહ
 

મુંબઈઃ નાનકડી પેથોલોજી લેબોરેટરીમાંથી મેટ્રોપોલિસ હેલ્થકેરનું સામ્રાજ્ય ખડું કરનારાં અમીરા શાહ વિશે આપણે ગત અંકમાં પ્રાથમિક માહિતી મેળવી હતી. હવે તેમના વિશે વધુ જાણકારી જોઈએ. અમીરા શાહનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ ડોક્ટર્સ પરિવારમાં થયો છે. તેમના પિતા ડો. સુશીલ શાહ પેથોલોજિસ્ટ, માતા ડો. દુરુ શાહ ગાયનેકોલોજિસ્ટ અને મોટી બહેન અપર્ણા શાહ જિનેટેસિસ્ટ છે. અમીરા શાહે કોમર્સનો અભ્યાસ કર્યો અને ઓસ્ટિનમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી ફાઈનાન્સની ડીગ્રી મેળવી છે. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ઓનર-પ્રેસિડેન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ પણ પૂર્ણ કર્યો છે. તેમણે અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, CII સહિત વિવિધ નેશનલ અને ઈન્ટરનેશનલ ફોરમ્સમાં વક્તવ્યો આપ્યાં છે.

તેમણે ૨૦૦૧માં પિતાના પેથોલોજી બિઝનેસનો હવાલો સંભાળી લીધો હતો અને થોડા સમયમાં જ ૪૦ કર્મચારી અને આશરે ૧.૫ મિલિયન ડોલરની રેવન્યુ ધરાવતી સિંગલ ડાયાગ્નોસ્ટિક લેબોરેટરીમાં ફેરવી નાખ્યો હતો. તેમણે ઉચ્ચ તાલીમબદ્ધ અને પ્રતિષ્ઠિત પેથોલોજિસ્ટ્સ દ્વારા સંચાલિત ડાયાગ્નોસ્ટિક લેબોરેટરીઝ સાથે ભાગીદારીના વિચાર સાથે સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. તેમની કલ્પના આ બધી લેબોરેટરીઝને મેટ્રોપોલિસ બ્રાન્ડ હેઠળ સાથે લાવવાની હતી. ડો. સુશીલ શાહનું સ્વપ્ન સમગ્ર ભારતમાં ફેલાયેલી લેબોરેટરી ચેઈનનું હતું જેને પુત્રી અમીરાએ સાકાર કર્યું છે.

મેટ્રોપોલિસ હેલ્થકેરના મૂળ અમીરા શાહના ડોક્ટર દાદાના ૧૦ બેડના પ્રાઈવેટ નર્સિંગ હોમમાં રહેલા છે. દક્ષિણ મુંબઈના ગામદેવીમાં આવેલી નાનકડી ‘ડો. સુશીલ શાહ લેબોરેટરી’એ આજે ૩૫૦ શહેરો અને નગરોમાં ૧૨૫ ક્લિનિકલ લેબોરેટરી અને ૨,૭૦૦થી વધુ કલેક્શન સેન્ટર્સ અને સાતથી વધુ દેશમાં હાજરી ધરાવતી મેટ્રોપોલિસ હેલ્થકેર ચેઈનનું મહાકાય સ્વરુપ હાંસલ કર્યું છે. આમાં તેમના માતાપિતા ઉપરાંત, બે ગુજરાતી મહાનુભાવ દીપક પારેખ (HDFC) અને શેલેષ હરિભક્તિ (DH Consultants Pvt. Ltd)નું યોગદાન પણ ઓછું આંકી શકાય તેમ નથી.

અમીરા શાહે બોર્ડરુમ્સ લડાઈઓ, કંપનીઓ હસ્તગત કરવી, ગુણવત્તા જાળવી સ્પર્ધામાં પીછેહઠ ન કરવા સહિત બધી પરિસ્થિતિનો સામનો કર્યો છે. બાંગલાદેશના માઈક્રોફાઈનાન્સ પ્રણેતા મુહમ્મદ યુનુસને પોતાના લીડરશિપ હીરો ગણાવતાં અમીરા પોતાના વિશે કહે છે કે ‘હું હિંમતવાન છું અને જેને હું જાણતી પણ ન હોઉં તેમના દ્વાર બે વખત ખખડાવીને પણ કામને આગળ ધપાવવા માગું છું.’ તેઓ કહે છે કે હિંમત એ ભય કે ડરની ગેરહાજરી નથી. એ તો તમારા ડરને સામનો કરવાની અને આગળ વધતા જવાની ક્ષમતા છે. તેમણે એપ્રિલ ૨૦૧૯માં કંપનીને બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરાવી છે. તેઓ વિવિધ કંપનીઓમાં બોર્ડના સભ્ય અને સ્વતંત્ર ડાયરેક્ટરની હેસિયતથી કામગીરી બજાવે છે. અમીરા શાહે ૨૦૧૭માં મહિલાઓની આગેવાની હેઠળના બિઝનેસીસને સલાહ, મેન્ટરશિપ અને માઈક્રોફંડિંગ પૂરાં પાડવા બિનનફાકારી સંસ્થા Empoweressની પણ સ્થાપના કરી છે.

અમીરા શાહના નામે દેશ અને વિદેશના કેટલાક મહત્ત્વપૂર્ણ એવોર્ડ્સ બોલે છે જેમાં, • વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા ૨૦૧૫ યંગ ગ્લોબલ લીડર • ફોર્ચ્યુન ઈન્ડિયા મેગેઝિનના ‘મોસ્ટ પાવરફુલ વિમેન ઈન બિઝનેસ’ લિસ્ટમાં ૨૦૧૭ (૪૬મો ક્રમ), ૨૦૧૮માં (૩૬મો ક્રમ) અને ૨૦૧૯માં (૨૮મો ક્રમ) • ફોર્બસ ઈન્ડિયા‘ઝ ટાકૂન્સ ઓફ ટુમોરો ૨૦૧૮ની યાદીમાં સ્થાન • બિઝનેસ ટુડેના મોસ્ટ પાવરફૂલ વિમેન લિસ્ટ ૨૦૧૮ અને ૨૦૧૯ • CNBC-AWAAZ CEO એવોર્ડ્સ ૨૦૧૯ • ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા ૪૦ અંડર ૪૦ બિઝનેસ લીડર્સ • CMO Asia Awards ૨૦૧૧માં યંગ એચિવર ઓફ ધ યર અને ૨૦૧૫માં વિમેન લીડરશિપ એવોર્ડ • Entrepreneur India & Bloomberg દ્વારા યંગ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર એવોર્ડ • ફોર્બસના એશિયા‘ઝ પાવર બિઝનેસ વિમેન ૨૦૧૫ • વર્લ્ડ વિમેન લીડરશિપ કોંગ્રેસ એન્ડ એવોર્ડ્ઝ ૨૦૧૪માં અક્ઝેમ્પલરી વિમેન લીડરશિપ એવોર્ડનો વિશેષ સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter