ઢાકાઃ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા બાદ તારિક રહેમાને શનિવારે પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં તેમણે બીએનપી સરકારની પોલિસી સ્પષ્ટ કરતાં દુનિયાને મેસેજ આપ્યો હતો કે તેઓ બાંગ્લાદેશ ફર્સ્ટની નીતિ પર કામ કરશે. રહેમાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આજથી બાંગ્લાદેશ સ્વતંત્ર છે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આજથી બાંગ્લાદેશનો દેખાવ બદલવાની શરૂઆત થઈ ગઇ છે. તારિક રહેમાને પોતાના ભાષણની શરૂઆત એક પાવરફુલ લાઈન સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આજથી આપણે બધા સ્વતંત્ર છીએ. સ્વતંત્રતા અને અધિકારોનો દૌર પરત આવ્યો છે.
રહેમાને દાવો કર્યો હતો કે 15 વર્ષ બાદ બાંગ્લાદેશમાં સ્વતંત્રતા અને અધિકારોનો સાચો સમય પરત આવ્યો છે. તેમણે આ વિજય એવા લોકોને સમર્પિત કર્યો હતો કે જેમણે લોકશાહી માટે પોતાનં બલિદાન આપ્યું હતું અને તમામ અવરોધોને પાર કરીને મતદાન કર્યુ હતું. તારિકે દાવો કર્યો હતો કે દાયકાઓ બાદ દેશમાં એક એવી સંસદ અને સરકારની સ્થાપના થઇ છે કે જે સીધા મતદાન મારફત જનતા પ્રત્યે જવાબદેહ છે.
તારિક રહેમાને મંગળવારે બાંગ્લાદેશના નવા વડાપ્રધાન પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંસદ ભવનમાં તારિકને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા. તારિક રહેમાને પીએમ પદના શપથ લેતા જ બાંગ્લાદેશને 36 વર્ષ પછી કોઈ પુરુષ વડાપ્રધાન મળ્યા છે. રહેમાન ઉપરાંત, 25 કેબિનેટ મંત્રીઓ અને 24 રાજ્યમંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં એક હિન્દુ મંત્રીનો પણ સમાવેશ થાય છે. 25 કેબિનેટ મંત્રીઓમાંથી 17 નવા ચહેરા છે. રાજ્યમંત્રીઓમાંથી 24 નવા છે. વડાપ્રધાન તારિક રહેમાન પણ પહેલી વાર મંત્રીમંડળમાં સભ્ય બની રહ્યા છે.
આ સમારોહમાં હાજરી આપવા માટે વિવિધ દેશોના પ્રતિનિધિઓ ઢાકા પહોંચ્યા હતા. શપથગ્રહણ સમારોહ માટે 13 દેશોને સત્તાવાર આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેમાં ભારત, ચીન, પાકિસ્તાન જેવા નામ સામેલ હતા. ભારત તરફથી લોકસભા સ્પીકર ઓમ બિરલા પહોંચ્યા હતા. તેમની સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ સામેલ થયા. સમારોહમાં કુલ લગભગ 1,200 મહેમાનો સામેલ થયા હતા.
હિંદુ નેતાને નવી કેબિનેટમાં સ્થાન મળ્યું
બીએનપીમાંથી બે હિંદુ સાંસદો પણ ચૂંટાયા છે. તેમાંથી ઢાકા-3 બેઠક પરથી જીત નોંધાવનાર ગોયેશ્વર ચંદ્ર રોયને નવી કેબિનેટમાં સામેલ કરાયા છે. રોયને બીએનપીના પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે. તેઓ ખાલિદા ઝિયાની બીએનપી સરકારમાં લગભગ 30 વર્ષ પહેલાં (1991-1996) રાજ્ય મંત્રી હતા. બાંગ્લાદેશી મીડિયા અનુસાર, તારિક રહેમાન વડાપ્રધાન પદ સહિત રક્ષા મંત્રાલય અને અન્ય પાંચ મંત્રાલયો પોતાની પાસે રાખી શકે છે. બંધારણની કલમ 148 મુજબ, સત્તાવાર પરિણામો આવ્યાના ત્રણ દિવસની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શપથ લેવાના હોય છે.
વારસામાં નબળું અર્થતંત્ર મળ્યું હોવાનો દાવો
સત્તા સંભાળ્યાની સાથે જ રહેમાને દેશની વાસ્તવિક સ્થિતિનો ચિતાર જનતા સમક્ષ મુકી દીધો હતો. તેમણે પાછલી સરકારને તાનાશાહી શાસન જાહેર કરતાં કહ્યું હતું કે તેમને વારસામાં એક કમજોર અર્થતંત્ર અને ધ્વસ્ત કાનૂન વ્યવસ્થા મળી છે. રહેમાને સ્વીકાર કર્યો હતો કે દેશના બંધારણ અને મહત્વપુર્ણ લોકશાહી સંસ્થાઓને ખરાબ રીતે નબળી પાડી દેવામાં આવી છે જેમને સુધારવાની તેમની પ્રથમ પ્રાથમિકતા હશે.
બે-તૃતીયાંશ બહુમતી સાથે સરકારની રચના
બીએનપીના નેતૃત્વ હેઠળના ગઠબંધને 300 સભ્યોની જાતીય સંસદમાં 212 બેઠકો જીતીને બે-તૃતીયાંશ બહુમતી મેળવી છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન અર્થતંત્રને સ્થિર કરવા, મોંઘવારી પર કાબૂ મેળવવા અને કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવાને પોતાની પ્રાથમિકતા ગણાવી હતી. શપથવિધિ સમારોહ સાથે વચગાળાના વહીવટથી નવી ચૂંટાયેલી સરકારને કાર્યકારી અધિકારોનું ઔપચારિક હસ્તાંતરણ પૂર્ણ થઈ ગયું છે.
બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણી માટે 299 સીટો પર મતદાન યોજવામાં આવ્યું હતું અને તે પછી પરિણામો જાહેર કરાયા હતા. જેમાં તારિક રહેમાનનાં વડપણ હેઠળ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ને પૂર્ણ બહુમતી મળી છે. દોઢ વર્ષ પહેલા અવામી લીગનાં તત્કાલીન પીએમ શેખ હસીનાની Gen-Z આંદોલન બાદ સત્તા પરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. શેખ હસીનાએ આ પછી ભારતમાં શરણ લીધું હતું. દોઢ વર્ષનાં અંતરાલ પછી યોજાયેલી ચૂંટણીમાં મુખ્ય મુકાબલો બીએનપી અને જમાત એ ઈસ્લામી વચ્ચે હતો. અવામી લીગની માન્યતા રદ કરવામાં આવતા તેને ચૂંટણી લડવાનાં અધિકાર અપાયા ન હતા. બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીમાં બીએનપી ગઠબંધને મોટી જીત મેળવી હતી. પાર્ટીનાં નેતા તારિક રહેમાનનાં વડપણ હેઠળ બીએનપીની સત્તામાં વાપસી થઈ છે. બીએનપી અને તેના સાથી પક્ષોને 299 સીટોમાંથી 213 સીટો મળી હતી. બે સીટ પર મત ગણતરી સ્થગિત કરાઈ છે. વિપક્ષી પાર્ટી જમાત એ ઈસ્લામી અને તેનાં 11 સહયોગીઓને ફક્ત 76 સીટ જ મળી છે. ઈસ્લામી આંદોલન બાંગ્લાદેશને 1 સીટ મળી હતી જયારે સ્વતંત્ર ઉમેદવારોનો 7સીટ પર વિજય થયો છે.
બાંગ્લાદેશમાં 4 લઘુમતી સાંસદો ચૂંટાયા, જેમાં 2 હિંદુ
બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં 4 લઘુમતી સમુદાયના ઉમેદવારો સાંસદ તરીકે ચૂંટાયા છે. આમાં બે હિંદુ, જ્યારે અન્ય બે બૌદ્ધ સમુદાયના છે. હિંદુ નેતા ગોયેશ્વર ચંદ્ર રોય અને તેમના વેવાઇ નિત્યા રોય ચૌધરી બીએનપીની ટિકિટ પર ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા છે. નિત્યા રોય ચૌધરી બીએનપીના મુખ્ય ઉપાધ્યક્ષોમાં સામેલ છે અને ટોચના નેતૃત્વના વરિષ્ઠ વ્યૂહાત્મક સલાહકાર માનવામાં આવે છે. બંનેએ જમાત-એ-ઇસ્લામીના ઉમેદવારોને હરાવ્યા છે. ત્રીજા લઘુમતી સાંસદ સાચિંગ પ્રુ છે, જે બંદરબનના પહાડી જિલ્લામાંથી ચૂંટાયા. તેઓ મરમા જાતિ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને બીએનપીના વરિષ્ઠ નેતા છે. ચોથા વિજેતા દિપેન દીવાન રંગામાટી બેઠક પરથી જીત્યા. તેઓ ચકમા સમુદાયમાંથી આવે છે, જે બૌદ્ધ બહુમતી ધરાવતો આદિવાસી સમુદાય છે.
બંધારણીય સુધારાઓ પર તીવ્ર બનતો સંઘર્ષ
આ દરમિયાન, બંધારણીય સુધારાઓ પર રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. 12 ફેબ્રુઆરીની સંસદીય ચૂંટણીઓ સાથે જુલાઈ ચાર્ટર પર લોકમત યોજવામાં આવ્યો હતો. તેમાં 62 ટકા લોકોએ તરફેણમાં મત આપ્યો હતો. જુલાઈ ચાર્ટર મુજબ, નવી સંસદ 180 દિવસ માટે બંધારણ સભા તરીકે કાર્ય કરશે. આ સમયગાળા દરમિયાન, તેની પાસે બંધારણ અને લોકશાહી સંસ્થાઓમાં સુધારો કરવાની સત્તા હશે.
જુલાઈ ચાર્ટરનો ઉદ્દેશ્ય દેશમાં સત્તાના એકાધિકારનો અંત લાવવા અને બેલેન્સ કરવાનો હતો. તે વડાપ્રધાનની તાકાત ઘટાડશે અને રાષ્ટ્રપતિને અધિકાર આપશે. બીએનપીએ જુલાઈ ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ તેના નેતાઓ ઘણી જોગવાઈઓ સામે વાંધો ઉઠાવી રહ્યા છે, અને કહી રહ્યા છે કે ચાર્ટરનો મુસદ્દો તૈયાર કરતી વખતે તેમની કોઈ સલાહ લેવામાં આવી ન હતી.
બીએનપી સ્થાયી સમિતિના સભ્ય અને સાંસદ સલાહુદ્દીન અહેમદે જણાવ્યું હતું કે કોઈપણ પક્ષના સાંસદો કાઉન્સિલના સભ્ય તરીકે શપથ લેશે નહીં.
વર્તમાન બંધારણમાં આવી કાઉન્સિલની જોગવાઈ નથી, કે તેમાં અલગ શપથ ફોર્મેટ નથી. તેમનું કહેવું છે કે સંસદના સભ્યો ફક્ત સંસદમાં સેવા આપવા માટે ચૂંટાય છે, બંધારણીય સુધારણા પરિષદ માટે નહીં.
આ કાઉન્સિલને કાયદેસર બનાવવા માટે, તેને પહેલા બંધારણમાં સુધારો કરીને સમાવિષ્ટ કરવી પડશે, પછી સંસદ દ્વારા અપનાવવામાં આવશે, અને તે પછી જ તેને શપથ ગ્રહણ માટે કાનૂની આધાર મળશે. આ કાઉન્સિલ જુલાઈ ચાર્ટર હેઠળ બંધારણીય સુધારાઓ લાગુ કરવા માટે બનાવવામાં આવી હતી.
યોજના એવી હતી કે નવા સંસદ સભ્ય આ કાઉન્સિલના સભ્ય બને અને બન્ને પદ માટે શપથ લે, પરંતુ બીએનપીએ તેને ગેરબંધારણીય ગણાવ્યું અને ફક્ત સંસદ સભ્ય તરીકે શપથ લીધા. બીએનપી સુધારાઓમાં ભાગ લેવા તૈયાર છે, પરંતુ જો પ્રક્રિયા સંપૂર્ણપણે બંધારણીય અને કાયદેસર રીતે યોગ્ય હોય તો જ. આ બીએનપીની સાવધ અને સૈદ્ધાંતિક સ્થિતિને દર્શાવે છે, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની પડકારો ન આવે.
જુલાઈ ચાર્ટરથી વડાપ્રધાનની સત્તા ઘટશે
જુલાઈ ચાર્ટર વડાપ્રધાન માટે 10 વર્ષ (અથવા મહત્તમ બે ટર્મ)ની કડક ટર્મ લિમિટ લાદે છે, જે સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી સત્તામાં રહી શકે નહીં. વડાપ્રધાન પક્ષના વડાનું પદ સંભાળી શકતા નથી, ઈમરજન્સીની જાહેરાત માટે મંત્રીમંડળ અને વિપક્ષી નેતાની લેખિત સંમતિની જરૂર પડશે અને રાષ્ટ્રપતિની ભૂમિકા મજબૂત બનાવવામાં આવશે. જેમ કે, રાષ્ટ્રપતિને ઘણી સ્વતંત્ર સંસ્થાઓના વડાઓની નિમણૂકમાં વધુ સ્વતંત્ર સત્તાઓ મળશે, જે અગાઉ વડાપ્રધાનના પ્રભાવ હેઠળ હતી. બાઈમેકરલ સંસદ (ઉપલા ગૃહ)ની રચનાથી પીએમ-કેન્દ્રિત નીચલા ગૃહના નિર્ણયોને નિયંત્રિત કરશે અને ઘણી સંસ્થાઓ માટે અલગ પસંદગી સમિતિઓની રચના કરવામાં આવશે, જે પીએમના એકપક્ષીય નિયંત્રણમાં ઘટાડો કરશે.


