નવી દિલ્હી, વોશિંગ્ટનઃ પહેલાં 27 દેશોનું યુરોપિયન યુનિયન (ઇયુ) અન સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) અને હવે સુપરપાવર અમેરિકા સાથે... ભારતે એક જ પખવાડિયામાં દ્વિપક્ષીય વેપાર ક્ષેત્રે નવું સિમાચિહન અંકિત કર્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ભારત સાથે ટ્રેડ ડીલના મામલે સંમતિ સધાઇ છે. આ સાથે જ ભારત પર લદાયેલો રેસિપ્રોકલ ટેરિફ 25 ટકાથી ઘટીને 18 ટકા થશે અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ લદાયેલો 25 ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થઇ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વેપાર અને અન્ય મુદ્દાઓ પર સોમવારે ટેલિફોન પર વાતચીત કર્યાના થોડાક કલાક બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ જાહેરાત કરતા લખ્યું હતું કે, વડાપ્રધાન મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી. તેઓ મારા શ્રેષ્ઠ મિત્રોમાંના એક છે અને પોતાના દેશના એક શક્તિશાળી અને સન્માનિત નેતા છે. અમારી વાતચીતમાં વેપારની સાથે રશિયા-યુક્રેન યુદ્ધ જેવા મુદ્દા પણ સામેલ હતા.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદી રશિયા પાસેથી ખનીજ તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા તેમજ સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ખરીદવા માટે સંમત થયા છે. ટ્રમ્પના મતે, તેનાથી યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં મદદ મળશે. તેમણે લખ્યું કે પીએમ મોદીએ ‘બાય અમેરિકન’ નીતિ હેઠળ અમેરિકા પાસેથી ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઉત્પાદનોની 500 બિલિયન ડોલરથી વધુની ખરીદી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
બીજી તરફ, વડાપ્રધાન મોદીએ પણ ટેરિફ ઘટાડવાના નિર્ણયને આવકારતા એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે, મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનો પર હવે ઘટાડેલો 18 ટકા ટેરિફ દર લાગશે. આ અદભૂત જાહેરાત માટે 140 કરોડ ભારતીયો તરફથી પ્રમુખ ટ્રમ્પનો ખૂબ-ખૂબ આભાર.
ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે વિરોધાભાસ જોવા મળતો હોવાથી થોભો અને રાહ જૂઓ... સમય આવ્યે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. (વિશેષ અહેવાલ વાંચો - પાન 17)


