નવી દિલ્હી: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં આખો દેશ હચમચી ગયો છે. આ ઘટનામાં 13 લોકોનાં મોત નીપજ્યા છે અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાન ફાડી નાખે અને જીવ ઊંચા કરી દે તેવા આ વિસ્ફોટે લોકોને ધ્રુજાવી દીધા હતા. કારની નજીક રહેલા લોકો વિસ્ફોટની ઝપટમાં આવી ગયા હતા અને તેમના શરીરના ફુરચા ઊડી ગયા હતા તો આસપાસના કેટલાક વાહનો પણ તેનો ભોગ બન્યા. આસપાસની ઘણી ઇમારતના કાચ તૂચટી ગયા હતા અને બિલ્ડિંગો ધ્રૂજી ઊઠી.
દિલ્હીમાં ટ્રાફિકના પીક અવર્સ દરમિયાન જ ભરચક ભીડ ધરાવતા અને સૌથી વધુ લોકપ્રિય પ્રવાસી સ્થળ નજીક ચાલતી કારમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. દિલ્હીના ગીચોગીચ ટ્રાફિક વચ્ચે દોડતી કાર લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશનના ગેટ પર પહોંચી હતી. કાર ધીમે-ધીમે આગળ વધી રહી હતી અને સાંજે 6.52 કલાકે ટ્રાફિક સિગ્નલ રેડ થઈ હતી. સ્વાભાવિકપણે આ કાર ઊભી રહી અને અચાનક વિસ્ફોટ થયો.
આ ગોઝારી ઘટના અંગે તપાસ ચાલી રહી છે. વિસ્ફોટનો ભોગ બનેલી કાર હ્યુન્ડાઈની i20 હોવાનું ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. વિસ્ફોટનું સ્થળ સુભાષ માર્ગ પર આવેલો લોકપ્રિય પ્રવાસી વિસ્તાર હતો. અહીંયા સ્થાનિકોની સાથે પ્રવાસીઓની પણ ભીડ રહેતી હોય છે. ચાંદની ચોક તથા ધર્મસ્થળો નજીકમાં જ આવેલા છે. મુગલ કાલીન લાલ કિલ્લો પણ વિસ્ફોટક સ્થળની નજીકમાં છે.
અનેક રાજ્યોમાં હાઇ એલર્ટ
મુંબઈ, કોલકાતા જેવા મેટ્રો સિટી ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોને એલર્ટ પર મૂકી દેવાયા છે. સ્થાનિક પોલીસ સાથે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ છે અને તપાસ ચાલી રહી છે.
વિસ્ફોટનો ભોગ બનેલી કારમાં ત્રણ લોકો હતા
દિલ્હી પોલીસ કમિશનર સતીષ ગોલચાના જણાવ્યા મુજબ, વિસ્ફોટ થયો તે સમયે કારમાં ત્રણ લોકો બેઠેલા હતા. હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટ થયો હતો. ઈજાગ્રસ્તોના શરીર પર પંક્ચર અથવા પેલેટના કોઈ નિશાન જોવા મળ્યા નથી. સામાન્ય રીતે બોમ્બ બ્લાસ્ટમાં આવા નિશાન જોવા મળતા હોય છે. આમ છતાં પોલીસ તમામ દૃષ્ટિકોણથી તપાસ કરી રહી છે. આ કાર નદીમ ખાનના નામે નોંધાયેલી છે અને તેના પર હરિયાણાની નંબર પ્લેટ હતી. વિસ્ફોટના કારણે 6 કાર, બે ઈ રિક્ષા અને એક ઓટો રિક્ષામાં આગ લાગી હતી.
આ સવાલો હજુ અનુત્તર
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટ પછી વિસ્ફોટ પછી તરત પોલીસ અને તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ફોરેન્સિક અધિકારીઓએ વિસ્ફોટના સ્થળેથી નમૂનાઓ એકઠા કરીને તપાસ માટે લેબમાં મોકલ્યા છે. પરંતુ હજુ સુધી ચાર સવાલ એવા છે જેના જવાબ નથી મળ્યા.
પહેલો સવાલ: શું આ ‘આતંકવાદી હુમલો’ હતો? હુમલા વિશે પોલીસે સ્પષ્ટ રીતે કોઈ નિવેદન નથી આપ્યું. જોકે, દિલ્હીના પોલીસ કમિશનરે કહ્યું કે ઘણી એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારી મહમદ વાહિદે પત્રકારોને જણાવ્યું કે ‘ઘટનાસ્થળેથી નમૂનાઓ એકત્ર કરીને લેબમાં મોકલાઈ રહ્યા છે. ત્યાર પછી જ અમને માહિતી મળશે. નમૂનાઓના પરીક્ષણ પછી જ અમે કોઈ તારણ સુધી પહોંચી શકીશું.’ વિસ્ફોટ અંગે મીડિયામાં જાતજાતની વાતો થઈ રહી છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે સીએનજીને કારણે વિસ્ફોટ થયો છે, જ્યારે પોલીસે આ વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. મંગળવારે સવારે દિલ્હી નોર્થના ડીસીપી રાજા બંથિયાએ મીડિયાને કહ્યું કે ‘ફોરેન્સિક નિષ્ણાતો, FSLની ટીમ અને બીજી ટીમો ઘટનાસ્થળે હાજર છે અને પુરાવા એકઠા કરી રહી છે.’
બીજો સવાલઃ વિસ્ફોટ કેવી રીતે થયો? પોલીસ ઉપરાંત જુદી જુદી એજન્સીઓ વિસ્ફોટની તપાસ કરે છે. દિલ્હીના પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે માહિતી આપતાં કહ્યું કે, આ વિસ્ફોટથી આસપાસની ઘણી કારને નુકસાન થયું હતું. આની માહિતી મળતાં જ દિલ્હી પોલીસ, FSL, NIA અને NSGની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. વિસ્ફોટની તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં તેનું આકલન કરીને પછી જાણકારી અપાશે.
પરંતુ કારમાં વિસ્ફોટ કેવી રીતે થયો તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી. શું કારમાં પહેલેથી કોઈ વિસ્ફોટક સામગ્રી હાજર હતી કે પછી બોમ્બ મુકાયો હતો? શું કારની ફ્યૂઅલ ટાંકી અથવા સીએનજીની ટાંકીમાં વિસ્ફોટ થયો હતો જેના કારણે બીજી ગાડીઓ પણ સળગી ગઈ? શું કારમાં સવાર લોકોને પહેલેથી તેના વિશે કોઈ માહિતી હતી? આ બધા સવાલોના જવાબ નથી મળ્યા.
ત્રીજો સવાલઃ કારનો માલિક કોણ છે? આ કાર વિશે ભારતીય મીડિયામાં અનેક પ્રકારની ચર્ચા ચાલે છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી. તપાસ અધિકારીઓ કારની અવરજવરની જાણકારી મેળવવા પ્રયાસ કરે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યાં વિસ્ફોટ થયો તે વિસ્તારમાં કાર કેટલાક કલાકથી આંટા મારતી હતી. કહેવાય છે કે કાર એક પાર્કિંગમાં ઊભી હતી અને વિસ્ફોટથી થોડા સમય પહેલાં જ ધીમે ધીમે ચાલવા લાગી હતી. કારમાં જ્યાં વિસ્ફોટ થયો તે સ્થળ મેટ્રો સ્ટેશનની નજીક હતું.
ચોથો સવાલઃ ટાર્ગેટ કોણ હતા? એવો સવાલ પણ થાય છે કે દુર્ઘટનાને કારણે આ વિસ્ફોટ થયો હતો કે પછી જાણી જોઈને વિસ્ફોટ કરાયો હતો. જો જાણીજોઈને વિસ્ફોટ કરાયો હોય તો તેના નિશાન પર કોણ હતા? આ ઘટનાના છેડા સ્થાનિક સ્તરે જોડાયેલા છે કે પછી રાજ્ય અથવા દેશની બહાર તેની કડી છે? આ બધા સવાલોના જવાબ મળવાના હજુ બાકી છે.
ષડયંત્રના મૂળ સુધી પહોંચશુંઃ વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઈકાલે રાતે હું દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચારવિમર્શ ચાલી રહ્યા હતા. તમામ ઘટનાઓની લિંક જોડી રહ્યા હતા. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરા પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી કાર બ્લાસ્ટ અંગે મંગળવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અમિત શાહે કહ્યું કે, ‘અધિકારીઓને આ ઘટનાની પાછળના દરેક ગુનેગારોને શોધવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ કૃત્યમાં સામેલ દરેક વ્યક્તિને અમારી એજન્સીઓની આકરી સજા મળશે, કોઈને છોડવામાં નહીં આવે.’


