ધ ભવનના ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણીનો આરંભ

Wednesday 01st June 2022 07:27 EDT
 
 

ધ ભવનની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર 21 મેના દિવસે યોજાયો હતો. લંડનમાં ભારતીય શાસ્ત્રીય-ક્લાસિકલ કળાઓ અને સંસ્કૃતિને ઉત્તેજન અને સમર્થન આપવાની 50 વર્ષની દીર્ઘ યાત્રા નિમિત્તે એક વર્ષની ઉજવણીનો આ દિવસથી આરંભ કરાયો છે. આ પ્રસંગે ભવન્સના સંસ્થાપક ડો. કે.એમ. મુનશી, માણેક દલાલજી અને માથુરજીને સસ્નેહ યાદ કરવામાં આવ્યા હતા. ભવન્સ દ્વારા સંસ્થાના વાઈસ ચેરમેન અને સ્થાપક ચ્રસ્ટીઓમાં એક પદ્મશ્રી ડો. જ્હોન આર. મારને આદરાંજલિ અર્પણ કરાઈ હતી.

આ ઈવેન્ટના મુખ્ય મહેમાન અને ભારતીય હાઈ કમિશનના મિનિસ્ટર (કો-ઓર્ડિનેશન) મનમીત સિંહ નારંગે જણાવ્યું હતું કે,‘પદ્મશ્રી ડો. જ્હોન મારના દુઃખદ નિધન પર હું હાર્દિક સાંત્વના પાઠવી રહ્યો છું. તેઓ ભારતીય કળા અને સંસ્કૃતિના એનસાઈક્લોપીડિયા હતા. હવે હું યુકેમાં ભારતીય સાંસ્કૃતિક ધ્વજને લહેરાવવામાં ધ ભવનની સાથે સંકળાયેલા સહુ કોઈને અભિનંદન પાઠવું છું. ભારત લંડનની સંસ્કૃતિમાં વૈવિધ્ય ઓફર કરે છે.આપણી સંસ્કૃતિ, આપણી કળામાં એવું કશું તત્વ છે જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને પારસ્પરિક આદરને ઉત્તેજન આપે છે.’

ધ ભવનના ચેરમેન જોગિન્દર સાંગેરે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે,‘મને એ પ્રારંભિક દિવસો યાદ આવે છે જ્યારે ઓક્સફર્ડ સ્ટ્રીટમાં ભવનની શરૂઆત થઈ હતી. ત્યાં માથુરજીની નાનકડી ઓફિસ હતી. ત્યાં જે રીતે કામગીરી ચાલતી હતી તેનાથી તેઓ ખુશ ન હતા અને લોકોનો પણ રસ જણાતો ન હતો. એક દિવસ તેઓ ભારત પરત ફરવા એર ઈન્ડિયાની ઓફિસે ટિકિટ બુક કરાવવા ગયા હતા. તે સમયે હું ટ્રાવેલ એજન્ટ હતો અને એર આન્ડિયાનો મુખ્ય એજન્ટ હતો. દિવંગત ચેરમેન શ્રી માણેક દલાલે મને તેમની ઓફિસે બોલાવ્યો અને કહ્યું કે ભવન સારો ઉદ્દેશની સંસ્થા છે અને માથુરજી પાછા જતા રહે નહિ તેનું ધ્યાન રાખજો. આથી, હું ભવનની મુલાકાતે જવા લાગ્યો ત્યારે મને અપરાધી હોવાનો અહેસાસ થયો કારણકે ભવન વિશે મારા ખયાલો તદ્દન ખોટા હતા. મને સમજાયું કે ભવન આપણા બાળકો અને ભાવિ પેઢીઓનું ભવિષ્ય હતું. આથી, તે જ દિવસથી મેં આપણી સંસ્કૃતિ વિશે કશું પણ કરી રહેલા લોકો અને સંસ્થાઓને મદદ કરવાની શરૂઆત કરી હતી. હું લોકોને કહેતો કે અમે ગમે તે રીતે નાણાં ઉભાં કરી શકીશું પરંતુ, અમારે તમારા સમયની જરૂર છે. આજે બધા જ ભારતીય કોમ્યુનિટી અને ભારતીય જીવનશૈલીનો આદર કરે છે. આથી, ભવન આપણી સંસ્કૃતિની કરોડરજ્જુ છે.’

મંદિરો, ભવન અથવા સંગઠનો-સંસ્થાઓને દાન આપવું તે બાબત ગૌણ છે પરંતુ, આપણે કેવી રીતે આપણી સંસ્કૃતિને ઉત્તેજન આપીએ છીએ અને આપણા બાળકો અને પડોશના વિસ્તારોને સંસ્કૃતિ વિશે શિક્ષિત કરી છીએ તે ઘણી મહત્ત્વની બાબત છે. હું ઘણાં ઘણાં વર્ષો અગાઉ શીખ્યો હતો કે ઈંગ્લિશ ભાષામાં બે બાબતો ઘણી મહત્ત્વની છે. જો તમે કશું ખોટું કર્યું હોય તો તમે સોરી કહો અને જો તમે જાત માટે કશું સારું કર્યું હોય તો થેન્ક યુ કહો, આને આ જ આખી સંસ્કૃતિ છે. જો આપણે આપણા બાળકો, સંસ્કૃતિ અને સમાજને પ્રેમ કરતા હોઈએ તો એ ચોકસાઈ રાખવાની આપણી ફરજ બને છે કે માત્ર ભવનને નહિ, તેના જેવી સંસ્કૃતિ વિશે શીખવતી કોઈ પણ સંસ્થાને માત્ર તમારા નાણા થકી જ નહિ, તમારા સમયની પણ મદદ કરજો. જો તમે બધા સીનિયર પરિવારોને નિહાળો તો, બધા જ સારા પરિવારો, તેઓ આપણે ભારતમાં ઇનુસરતા હોઈએ તેવી પરંપરાઓનું પાલન કરે છે. તમારા વડીલોને આદર આપો, તમારી પ્રામાણિકતાનો આદર કરો અને તમારા જીવનનો પણ આદર કરો. તમારા બાળકો- નાનેરાઓને કહો કે જે રીતે, જેટલી પણ ભવનની મદદ કરી શકાય તે રીતે કરો.’

કાઉન્સિલર પી.જે. મર્ફી (હેમરસ્મિથ એન્ડ ફૂલહામના મેયર)એ જણાવ્યું હતું કે,‘ ફિલ્મમાં મેં એક અવતરણ સાંભળ્યું જે મને ઘણું ગમ્યું છે તે એ કે તમે એક વખત ભવનમાં પગ રાખશો પછી તમે દૂર જઈ જ નહિ શકો. આ સાચી વાત છે. તમે લંડનની વૈવિધ્યતામાં ભારતની વૈવિધ્યતાને લાવો છો અને તેનાથી અમારી સંસ્કૃતિમાં પણ એટલો મોટો સુધારો થાય છે કે તે રહેવા માટે અદ્ભૂત અને સુંદર સ્થળ બની રહે છે.’

બેરોનેસ ઉષા પ્રાશરCBE (યુકે કોમ્યુનિટી ફાઉન્ડેશનના માનદ પ્રેસિડેન્ટ)એ જણાવ્યું હતું કે,‘ હું ભારે ગર્વ સાથે કહી શકું છું કે ભવન્સ સાથેનો મારો નાતો છેક 1970ના દાયકાથી છે. ભવનના પૂર્વ ચેરમેન શ્રી માણેક દલાલને મળવાનું બહુમાન મને સાંપડ્યું હતું. ભવન પ્રતિ તેમનું ઝનૂન-ઉત્સાહ અને પ્રતિબદ્ધતા ચેપ લગાવનારા હતા અને તેનાથી હું આ ઉત્કૃષ્ટ કાર્ય તરફ દોરાયેલી છું. આપણે બધા જાણીએ છીએ તેમ, સંસ્કૃતિ આપણાં મન અને આત્મામાં સંગોપિત હોય છે. જ્યાં આપણે સમગ્ર વિશ્વનું મહાજ્ઞાન મેળવતા હોવાનું જણાય છે પરંતુ, આપણા ખુદ વિશેનું ઓછું જ્ઞાન મેળવીએ છીએ તેવાં આ અતિ ઝડપી ગતિએ દોડતાં વિશ્વમાં ભવન મારાં માટે એક રણદ્વીપ છે. તે આપણી સંસ્કૃતિ અઆને મૂલ્યોના મૂળિયાં ઊંડે જડવામાં મદદ કરે છે. સંગીત, નૃત્ય, ભાષા અને યોગના ક્ષેત્રોમાં તેના ઉત્કૃષ્ટ કાર્યથી તેનો આધ્યાત્મિક અર્થ આપણને આપણી જાત સાથે સાંકળવામાં મદદ કરે છે.’

ધ ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ એન નંદકુમાર દ્વારા પ્રાર્થના સાથે ઈવેન્ટનો શુભારંભ કરાયો હતો. તેમણે કહ્યું હતું કે,‘1972માં ઓક્સફર્ડ સ્ટ્રીટમાં નાનકડી જગ્યામાં આશરે 90 વિદ્યાર્થી સાથે નમ્ર શરૂઆતથી ધ ભવન આજે 23થી વધુ વિષયોમાં 800 વિદ્યાર્થીઓ માટે ક્લાસીસ ચલાવે છે, દર વર્ષે 100થી વધુ પરફોર્મન્સીસ તેમજ વર્તમાન પેઢીના કળાકાળો અને વિચારકો સાથે સતત સંવાદ સર્જતું વટવૃક્ષ બની ગયું છે. વેસ્ટ કેન્સિંગ્ટનમાં તેના વર્તમાન સ્થળે વિશ્વસ્તરીય ઓડિટોરિયમ, ક્લાસીસ અને વર્કશોપ્સ તેમજ આર્ટ ગેલેરી માટે વિશાળ જગ્યાનો સમાવેશ થાય છે.’

ધ ભવન્સના ડેવલપમેન્ટ ડાયરેક્ટર પેટ્રિક હોલ્ડેને ભવનના ભાવિ વિશે સંક્ષિપ્તમાં બોલી આગામી દાયકાઓ માટે કલ્પનાની રૂપરેખા જણાવી હતી. ભવન્સની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય સુભાનુ સક્સેનાએ આભાર પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે,‘ધ ભવન્સની સુવર્ણજયંતી મે 2022થી એપ્રિલ 2023ના સમગ્ર વર્ષ દરમિયાન ઉજવાશે જેમાં, સુનિયોજિત પરફોર્મન્સીસ, ઈવેન્ટ્સ, વર્કશોપ્સ અને પ્રદર્શનો મુખ્ય રહેશે.’

આ પછી ધ ભવન્સના સંગીતના વિદ્યાર્થીઓ દ્વારા ઉદ્ઘાટનકીય સુંદર સ્વરાંજલિઓના સૂર રેલાયા હતા. નિવાસી શિક્ષિકા શ્રીમતી સજાલી રોયની નિશ્રામાં બંગાળી સંગીત, શ્રી સંપથ કુમારાચારી દારુરિના હાથે તાલીમબદ્ધ કર્ણાટકી કંઠ્યસંગીત, અને શ્રીમતી ચંદ્રિમા મિશ્રા પાસેથી તાલીમ હાંસલ કરનારા વિદ્યાર્થીઓએ હિન્દુસ્તાની સંગીતની રંગત જમાવી હતી. એક ટુંકી ફિલ્મ દ્વારા ભવન્સની પ્રવૃત્તિઓનો ચિતાર આપવામાં આવ્યો હતો જેના થકી ભવન્સના ક્લાસીસ, ઈવેન્ટ્સ અને ભવન્સના વિદ્યાર્થીઓ અને તેમણે હાંસલ કરેલી સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. ભવન્સના નૃત્યના વિદ્યાર્થીઓના સુંદર પરફોર્મન્સીસ સાથે સવારના સત્રનું સમાપન કરાયું હતું. ઓડિયન્સ સમક્ષ ઓડિસી (નિવાસી શિક્ષિકા કેટરિના રુટે દ્વારા તાલીમબદ્ધ), કથક (ધીયા અરોરા અને અમુન ભાચુ દ્વારા તાલીમબદ્ધ) અને ભરતનાટ્યમ (પ્રકાશ યડાગુડ્ડે દ્વારા તાલીમબદ્ધ) નૃત્યોની રજૂઆત કરવામાં આવી હતી. સાંધ્યસત્રમાં ભરતનાટ્યમ નૃત્યાંગના/કોરીઓગ્રાફર રુકમિણી વિજયકુમારે મનમોહક પરફોર્મન્સ રજૂ કર્યું હતું. તમામ મહેમાનોને અમદાવાદના વિશિષ્ટ ક્ષમતા સાથેના બાળકો દ્વારા નિર્માણ કરાયેલા ખાસ દીપકની ભેટ આપવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter