નવનિયુક્ત વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના જીવનમાં ડોકિયું...

Wednesday 31st July 2019 03:21 EDT
 
 

બ્રિટનના નવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પોતાના દિલચસ્પ વ્યક્તિત્વ અને વારંવાર વિવાદોમાં રહેવા માટે ચર્ચિત છે. તેમણે પરંપરાગત રાજનીતિને પડકાર આવ્યો છે. બોરિસ જ્હોન્સને પત્રકાર, સાંસદ, મેયર, ફોરેન સેક્રેટરીથી માંડીને વડા પ્રધાન સુધીની સફર પૂરી કરી છે. તેમને ટેકો આપનાર કહે છે કે તેમને લોકોને હળવા-મળવાનું સારું લાગે છે અને કદાચ આ જ તેમના આકર્ષણનું કેન્દ્રબિંદુ છે. પરંતુ, તેની પાછળ તેજતર્રાર મગજ અને મહેનત પણ રહેલી છે. તેઓ એક એવી વ્યક્તિ છે કે જેમને ના સાંભળવી ગમતી નથી.

બોરિસ જ્હોન્સન તુર્કી વંશના છે. તેમનો જન્મ ન્યૂયોર્કમાં ૧૯ જૂન ૧૯૬૪ના રોજ થયો હતો. તેમના માતા-પિતા બ્રિટિશ હોવાથી તેમના જન્મથી નોંધણી અમેરિકી સત્તાવાળા અને ન્યૂ યોર્ક શહેરના બ્રિટિશ વાણિજ્ય દૂતાવાસ એમ બંને જગ્યાએ થઈ હતી. આના પરિણામે, તેમને અમેરિકી અને બ્રિટિશ નાગરિકતા બંને મળી હતી. બોરિસ જ્હોન્સનના જન્મ સમયે તેમના પિતા સ્ટેનલી જ્હોન્સન કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. જ્હોન્સનનો સ્કૂલનો અભ્યાસ ઇંગ્લેન્ડની એક બોર્ડિંગ સ્કૂલમાંથી થયો હતો. તેઓ એક મેધાવી વિદ્યાર્થી હતા. તેમણે એટન કોલેજમાં એક સ્કોલરશિપ જીતી હતી. આ પછી તેમણે ઓક્સફોર્ડ કોલેજથી ક્લાસિકસ વિષયમાં અભ્યાસ કર્યો. પોતાના કોલેજ કાળમાં બોરિસ જ્હોન્સન ઓક્સફોર્ડ યુનિનના પ્રમુખ ચૂંટાયા હતા. આ પછી તેમણે પત્રકારિતામાં નસીબ અજમાવ્યું હતું. બ્રિટાનિકાની તેમની બાયોગ્રાફી અનુસાર તેમણે ૧૯૮૭માં ધ ટાઇમ્સ અખબારમાં રિપોર્ટરની નોકરી શરૂ કરી હતી. પરંતુ અહીં તથ્યોની ગરબડ થતાં તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે ૧૯૯૪માં ધ ટેલિગ્રાફ અખબારમાં કામ કર્યું અને તેના એડિટર બન્યા હતા. આ વર્ષે તેઓ સ્પેક્ટેટર પત્રિકામાં પોલિટિકલ કોલમિસ્ટ બન્યા હતા. આ કારકીર્દિની વચ્ચે એવા સંયોગો બન્યા કે તેઓ રાજનીતિમાં આવ્યા હતા.

અંગત જીવન

બોરિસ જ્હોન્સન પોતાના અંગત જીવનને કારણે મીડિયાની નજરે ચડ્યા હતા. ગત વર્ષે તેઓ પત્નીથી અલગ થયા હતા. રાજકીય જીવનમાં પણ તેમના વિવાદો ઓછાં નથી. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓને લાગે છે કે તેઓ ઘણા મામલા ઉકેલી શકે છે. બ્રેક્ઝિટ દરમિયાન તેમની સભાઓમાં મોટી ભીડ ઊમટતી હતી. લંડનના મેયર રહેલા બોરિસ જ્હોન્સન પોતાની હેર સ્ટાઈલ માટે મશહૂર છે. જાહેર સ્થળોએ પણ તેઓ વિખરાયેલા વાળ સાથે જ આવે છે. તેઓ ન્યૂ યોર્કમાં જન્મ્યા હતા અને પછી બ્રિટનમાં વસી ગયા હતા. તેમને અંગે પહેલેથી જ કહેવાતું હતું કે તેઓ બ્રિટનના વડા પ્રધાન બનવાની મહેચ્છા રાખે છે અને આ વિચારને તેમણે સાબિત કરી દેખાડ્યો છે.

મજાકિયા ભાષણો તેમની આગવી ઓળખ

બોરિસ જ્હોન્સન પોતાના મજાકિયા ભાષણો માટે જાણીતા છે. તેમણે બ્રિટનના યુરોપીય યુનિયનમાંથી અલગ થવાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ દક્ષિણપંથી વિચારધારા તરફી વલણ માટે પણ જાણીતા છે. ૨૦૦૪માં તેમણે એક પત્રિકામાં પોતાના લેખને કારણે લિવરપુલના લોકોની માફી માગવી પડી હતી. આ લેખમાં ઇરાકમાં બંધક બ્રિટિશ નાગરિક કેન બિગલેની હત્યા પર લિવલપુલના લોકોની પ્રતિક્રિયાની તેમણે ઉગ્ર ટિકા કરી હતી.

સાઇકલના શોખીન

૨૦૦૪માં તેમને કન્ઝર્વેટિવ પાર્ટીમાથી કાઢી મૂકાયા હતા. તેમની પર પ્રેમસંબંધ છૂપાવવાનો આરોપ હતો. તેઓ બે વાર લંડનના મેયર રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૦૮માં તેઓ પહેલી વાર શહેરના મેયર બન્યા હતા. મેયર બનતાં જ તેમણે લંડનમાં જાહેર વાહનોમાં દારૂ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બોરિસને સાઇકલ ચલાવવાનો ખૂબ શોખ છે. તેમણે લંડનમાં સાઇકલ ભાડે આપવાની સ્કીમ લોન્ચ કરી હતી. જે ખૂબ મશહૂર થઈ હતી. આ સાઈકલને બોલચાલની ભાષામાં બોરિસ બાઇક્સ કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter