નાની વયે જ ઘરની જવાબદારી આવી ગઈ

Wednesday 09th February 2022 09:10 EST
 
 

લતા મંગેશકરની જીવનગાથા ફિલ્મ કરતાં ઓછી નથી. નાની વયે જ માથા પરથી પિતાનો હાથ જતો રહ્યો હતો. પરિવારને ભારે આંચકો લાગ્યો હતો. ત્યારે ઘરના મોટા સંતાન એવા લતાદીદીના નાના ખભા પર પરિવારની જવાબદારી આવી ગઇ હતી. લતા મંગેશકરના સંઘર્ષ વિશે તેમના બહેન મીનાએ કહ્યું હતું કે દીદીએ ૧૨ વર્ષની વયે જ ઘણાં દુઃખ વેઠયાં હતાં. હું નાનપણથી જ દીદી સાથે તેમના પડછાયાની જેમ રહી છું. અમે પૂના આવ્યા તેને એક વર્ષ થયું હતું અને ૧૯૪૨માં પિતાજીનું નિધન થયું હતું. પણ ત્યારે મારી દીદી ૧૨ વર્ષ નહીં પણ એકાએક ૨૨ વર્ષના થઇ ગયા હતા. તેઓ કામ કરવા લાગ્યા હતા.

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જન્મ

લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ ઇન્દોરના એક મધ્યમ વર્ગીય મરાઠી પરિવારમાં પંડિત દીનાનાથ મંગેશકરના ઘરમાં થયો હતો. લતાદીદીના પિતા રંગમંચના કલાકાર અને ગાયક હતા. તેથી સંગીત લતાદીદીને વારસામાં મળ્યું હતું. લતા મંગેશકરનું પહેલું નામ હેમા હતું, પરંતુ જન્મના પાંચ વર્ષ બાદ માતા-પિતાએ નામ બદલીને લતા રાખી દીધું હતું. લતા પોતાના ભાઇ-બહેનોમાં સૌથી મોટા હતા. મીના, આશા, ઉષા અને હૃદયનાથ તેમનાથી નાના છે. તેમના જન્મના થોડા સમય બાદ જ પરિવાર મહારાષ્ટ્ર જતો રહ્યો હતો. લતાદીદીએ મરાઠી ફિલ્મોથી પોતાની સંગીતની સફર શરૂ કરી હતી.

‘એ મેરે વતન કે લોગો...’નાં સર્જક પ્રદીપજીના જન્મદિવસે જ વિદાય

રવિવારે એક અજીબ યોગાનુયોગ પણ સર્જાય હતો. એક નવી ગાયિકાના રૂપમાં લતાજીએ ‘એ મેરે વતન કે લોગો...’ ગાયું હતું અને વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સહિત સમગ્ર દેશની આંખમાં આંસુ લાવી દીધા હતા. આ અમર ગીતના સર્જક હતાં કવિ પ્રદીપ. નોંધનીય છે કે રવિવારે પ્રદીપજીનો જન્મદિવસ હતો. કવિ પ્રદીપનું આ ગીત એવું છે કે જેનો ગાયા વગર દેશભક્તિનો કોઈ કાર્યક્રમ પૂર્ણ થઈ શકતો નથી. આજે પણ આ ગીત સાંભળીને નસેનસમાં દેશભક્તિનો નશો છવાઈ જાય છે. ત્યારે ભારતના સાંસ્કૃતિક વારસા માટે આજના દિવસને હંમેશાં યાદ રાખવામાં આવશે.

સાડીઓ ભેટ આપવાનું એટલું ગમતું કે...

લતાજી અનેકવાર બહેનપણીઓને ભેટમાં સાડી આપતાં. તેઓ પરિચિત દુકાનેથી જ સાડીઓ મંગાવતા. તેમની સખી મીના કહે છે કે, સાડીઓનો ઓર્ડર આપ્યા બાદ તેઓ કઇ સાડી કોને આપવી તે અંગે પણ વિચારતા. ખાસ કરીને હેમા માલિની સાથે તેમને વિશેષ ઘરોબો હતો. દરેક શુભ પર્વ પર લતાજી હેમા માલિનીને સાડી ભેટ આપતા. તેમની આ આદતથી પરેશાન એક પરિચિતે સંદેશ મોકલ્યો હતો કે, સાડી મોકલવાનું બંધ કરો, હવે ઘરમાં જગ્યા નથી.
લતાના ગાયનમાં દાળ-ભાતની સુગંધ!
એક વખત દિલીપ કુમારે લતાજી અંગે કહ્યું કે, ‘તેઓ ગાય છે તો સારું, પરંતુ તેમના ગાયનમાં મરાઠી દાળ-ભાતની સુગંધ આવે છે.’ તેનો અર્થ હતો કે, લતાના ઉર્દુ ઉચ્ચારો શુદ્વ નથી, દિલીપસાહેબની આ વાત દીદી સમજી ગયાં અને ઉર્દૂ શીખવાનું શરૂ કરી દીધું. આગળ જતાં દીદીએ સંગીતકાર અવિનાશ વ્યાસ પાસેથી ગુજરાતી પણ શીખ્યું. ત્યાર પછી લતાજીનો દિલીપ સાહેબ સાથે ગાઢ સંબંધ બંધાઇ ગયો હતો.
આઠ દસકાની કારકિર્દી, ૩૬ ભાષામાં ગીત
૮૦ વર્ષ લાંબી સુદીર્ઘ કારકિર્દી, ગુજરાતી, હિંદી સહિત 36 વિવિધ ભાષાઓમાં ૫૦ હજાર કરતા વધુ ગીત. લતા મંગેશકર કદાચ એકમાત્ર એવા સૂરસમ્રાજ્ઞી હશે જેમનું નામ વિવિધ ભારતી પર સૌથી વધુ વખત બોલાયું હશે. ૧૯૪૨માં કરિયરની શરૂઆત કરનાર લતાજીને ફિલ્મ ‘મહલ’ ના ગીત ‘આયેગા આનેવાલા’થી પ્રસિદ્ધિ મળી હતી. ૧૯૨૯ની ૨૮ સપ્ટેમ્બરે ઇન્દોરના એક નાનકડા ઘરમાં જન્મેલા લતાજીનો સ્વર ગૂંજ્યો ન હોય એવું ભાગ્યે જ કોઈ ઘર હશે. લતાજીનો ચાહકવર્ગ માત્ર ભારત સુધી મર્યાદિત નહોતો.

લતાજીએ અંતિમ સમયમાં કોના ગીતો સાંભળ્યા?

જીવનકાળના અંતિમ સમયમાં લતા મંગેશકર શું કરી રહ્યા હતા તે વિશે વોઇસઓવર કલાકાર હરીશ ભિમાણીએ કેટલીક વાત કરી છે. લતા મંગેશકરના ભાઇ હૃદયનાથ મંગેશકરે હરીશને જણાવ્યું હતું કે લતા પોતાના અંતિમ દિવસોમાં પિતા દીનાનાથ મંગેશકરને યાદ કરી રહ્યા હતા. લતા મંગેશકર ઇયરફોન મંગાવીને પિતાના રેકોર્ડિંગ સાંભળી રહ્યા હતા અને તેનું ગાન કરવા પણ પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે મૃત્યુના બે દિવસ પહેલાં હોસ્પિટલમાં ઇયરફોન મંગાવ્યા હતા. હરીશ ભિમાણીએ જણાવ્યું હતું કે લતા મંગેશકર પોતાના ગીતો સાંભળવાનું પસંદ
નહોતા કરતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter