નેપાળમાં 72 પ્રવાસી સાથેનું પ્લેન ક્રેશ

મશીનની ભૂલે 72 જિંદગીનો ભોગ લીધો કે માનવીની ભૂલે?

Wednesday 18th January 2023 04:50 EST
 
 

કાઠમંડુઃ નેપાળના પોખરામાં રવિવારે સવારે બનેલી વિમાન દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાંખ્યા છે. કાઠમંડુથી રવાના થયેલું યેતિ એરલાઇન્સનું વિમાન 9N-AN ATR-72 પોખરાના નવનિર્મિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડીંગની થોડીક ક્ષણો પૂર્વે જ તૂટી પડ્યું હતું. વિમાનમાં પ્રવાસ કરતાં પાંચ ભારતીયો સહિત તમામ 72 પ્રવાસીનો ભોગ લેનાર આ દુર્ઘટના માટે પાયલટની ભૂલ જવાબદાર હતી કે કોઇ ટેક્નિકલ ખામી એ તો ફ્લાઇટ ડેટા રેકોર્ડરના વિશ્લેષણ બાદ જાણવા મળશે. પ્રાથમિક તારણ તો એવું છે કે પાયલટની ભૂલના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 68 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે અન્ય 3 મૃતદેહ બાદમાં મળી આવ્યા હતા. દુર્ઘટનાને પગલે નેપાળમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક પળાયો હતો.

મૃતકોમાં 5 ભારતીય
વિમાનમાં 68 પ્રવાસીઓ અને 4 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 72 લોકો સવાર હતા. પ્લેન ક્રેશના મૃતકોમાં પાંચ ભારતીયો છે, જેઓ ઉત્તર પ્રદેશના ગાઝીપુર અને વારાણસી જિલ્લાના રહેવાસી હતા. મૃતકોની ઓળખ અભિષેક કુશવાહા (25), વિશાલ શર્મા (22), અનિલકુમાર રાજભર (27), સોનુ જયસ્વાલ (35) અને સંજય જયસ્વાલ તરીકે થઇ છે. પાંચમાંથી ચાર પોખરાના પર્યટક કેન્દ્રમાં પેરાગ્લાઇડિંગમાં ભાગ લેવા ગયા હતા.
મૃતકો ગાઝીપુર જિલ્લાના સિપાહ, ધારવા અને અલવલપુર ગામના રહેવાસી હતા. તેમાંથી એકે દુર્ઘટનાની થોડીક મિનિટ પહેલાં પ્લેનની અંદરથી ફેસબુક લાઇવ શરૂ કર્યું હોવાથી આખી ભયાવહ ઘટનાનું વીડિયો રેકોર્ડીંગ થઇ ગયું છે. વિમાનમાં પાંચ ભારતીયો ઉપરાંત ચાર રશિયન, એક આઈરીશ અને બે સાઉથ કોરિયન પ્રવાસી વિમાનમાં હતા. ચાર ક્રૂ મેમ્બર્સમાંથી કોઈનો બચાવ થયો નથી.
કો-પાઇલટ અંજુના સપનાની ઉડાનનો અકાળે અંત
વિમાન હોનારતમાં કો-પાઇલટ અંજુ ખતિવાડનું પણ મોત નીપજ્યું હતું. તેના સપનાની ઉડાનનો અકાળે અંત આવ્યો હતો. 16 વર્ષ પહેલાં તેમના પતિનું પણ વિમાન હોનારતમાં જ મોત થયું હતું. વિમાનના મુખ્ય પાઇલટ કે.સી. દ્વારા તેને મેઇન પાઇલટની સીટ પર બેસાડાઇ હતી. તેણે સફળ લેન્ડિંગ કર્યું હોત તો તેને કેપ્ટન તરીકેનું પ્રમોશન તેમજ લાઇસન્સ મળવાનું હતું.
વિમાન લેન્ડિંગ પહેલાં જ તૂટી પડ્યું
સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળના જણાવ્યા મુજબ યેતી એરલાઇન્સની ફલાઇટ 9N-AN ATR-72 કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10:33 કલાકે પોખરા જવા ઊડી હતી. સવારે 11 કલાકની આસપાસ લેન્ડિંગ પહેલાં જ વિમાન આગની જ્વાળાઓમાં લપેટાઈને તૂટી પડ્યું હતું.
વિમાનના બંને બ્લેક બોક્સ મળ્યા
દુર્ઘટનાનો ભોગ બનેલા વિમાનના બંને બ્લેક બોક્સ મળી આવ્યા છે, જે સિવિલ એવિયેશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN)ને સોંપી દેવાયા છે. આ બ્લેક બોક્સ (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) દ્વારા દુર્ઘટના પાછળનું કારણ જાણી શકાશે. દુર્ઘટનામાં કુલ 72 પ્રવાસીમાંથી અત્યાર સુધીમાં 71ના મૃતદેહ મળી આવ્યા છે.
રવિવારે સાંજે ખરાબ હવામાનને કારણે તેમની શોધખોળ સ્થગિત કરી દેવાઇ હતી, જે સોમવારે ફરી શરૂ કરી દેવાઇ હતી. નેપાળના સૈન્ય દ્વારા એક નિવેદન જારી કરીને જણાવાયું હતું કે હજુ સુધી કોઇ જીવતું મળ્યું નથી. દુર્ઘટનાને પગલે નેપાળમાં આજે એક દિવસનો રાષ્ટ્રીય શોક પાળવામાં આવ્યો હતો.
નેપાળમાં અગાઉ સર્જાયેલી વિમાન દુર્ઘટનાઓ
નેપાળ એવિએશન ઓથોરિટીના આંકડા મુજબ યતિ એરલાઇન્સના આઠ અને તેની જ અન્ય કંપની તારા એરના છ વિમાન હાલમાં જ ક્રેશ થયા છે. અકસ્માતની કુલ 14 ઘટનાઓ ઘટી હતી જેમાં સાતમાં તો મુસાફરોનો જીવ બચી ગયો હતો પણ અન્ય ઘટનાઓમાં તેઓ માર્યા ગયા હતા. યતિ એરલાઈન્સના અત્યાર સુધીના વિમાન અકસ્માતોમાં 169 લોકોએ જીવ ગુમાવ્યો છે. લગભગ દર બે વર્ષે યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી રહી છે.
• મે 2022માં તારા એરપ્લેન ક્રેશ થતા 4 ભારતીય સહિત 22નાં મોત
 • 2016માં તારા એરપ્લેનનું વિમાન તટી પડતા 23નાં મોત
• માર્ચ 2011 માં યુએસ-બાંગ્લા વિમાન તૂટી પડતા 51ના મોત
• સપ્ટેમ્બર 2012માં સીતા એર ફ્લાઈટ ક્રેશ થતા 19ના મોત
• 14 મે 2012ના રોજ જોમસોમ એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનામાં 15નાં મોત


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter