નોટબંધીની ઝાળ ભારતીય મૂળના લોકોને હજુ દઝાડી રહી છે

મિતુલ પનીકર Saturday 11th March 2017 05:22 EST
 
 

લંડનઃ ગયા વર્ષની ૮ નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ લાદવાનો જે કુખ્યાત નિર્ણય જાહેર કર્યો હતો તે ભારતીય ઈતિહાસમાં સૌથી વ્યાપક જાહેર અસુવિધા બની રહ્યો અને તેના પરિણામો અને અસરોની ઝાળ હજુ પણ શમવાનું નામ લેતી નથી. આ મુદ્દા પર હવે તો ધૂળ જામી ગઈ છે અને ભારતના લોકો આ ફેરફારને જાણે પચાવી ગયાં છે ત્યારે વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકો માટે તેમની પાસે રહેલી આ પ્રતિબંધિત ચલણી નોટો વિશે મુશ્કેલીઓનો અંત આવ્યો નથી.

એ મુદ્દો ફરી પ્રકાશમાં આવ્યો છે કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બિનનિવાસી ભારતીયો (NRI) માટે તેમની જૂની નોટ્સ બદલાવવાનો પ્રબંધ કર્યો ત્યારે તેણે પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI)ને નજરઅંદાજ જ કર્યાં હતાં. RBI FAQ માં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ સુધારો માત્ર ભારતીય પારપોર્ટધારકોને જ લાગુ પડશે.

‘ધ સ્પેસીફાઈડ બેન્ક નોટ્સ (સેસેશન ઓફ લાયાબિલિટીઝ) અંગે તારીખ ૩૦ ડિસેમ્બર, ૨૦૧૬ના ભારત સરકારના ૨૦૧૬ના ઓર્ડિનન્સ ક્રમાંક-૧૦ના પેરેગ્રાફ ૪.૧ની જોગવાઈ અનુસાર, નવેમ્બર ૧૦થી ડિસેમ્બર ૩૦, ૨૦૧૬ના સમયગાળામાં ભારતમાં ગેરહાજરીના કારણે સંબંધિત સમયગાળામાં સુવિધાનો લાભ લઈ શક્યાં ન હોય તેવા નિવાસી અને બિનનિવાસી ભારતીય નાગરિકો (ભારતીય પાસપોર્ટ આવશ્યક) માટે

SBNના એક્સચેન્જની સુવિધા પ્રાપ્ત કરવામાં આવે છે.’

આ મુદ્દો વધુ સ્પષ્ટ બનાવીએ તો, FAQ ના પોઈન્ટ ૬માં જણાવાયું છે, ‘શું આ સુવિધા ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI)/પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO)ને પ્રાપ્ત થઈ શકે? ના, આ સુવિધા જેઓ ભારતીય નાગરિક નથી તેમને મળી શકશે નહિ.’

દેખીતી રીતે જ, ભારત સરકારે OCI અને PIO તેમની પાસેની પ્રતિબંધિત નોટ્સ એક્સચેન્જ કરાવી ન શકે તેમ અદ્ધરતાલ જ રાખ્યાં છે.

નોટિફિકેશનના ગાળામાં જે લોકો દેશમાં હાજર ન હોય તેમના માટે પણ સરકારની મનોવૃત્તિ કોઈ પ્રકારે મદદરૂપ ન હતી અને તેનાથી તો લોકોની મુશ્કેલીઓ વધી હતી. બિનનિવાસી ભારતીયો ભારે હેરાનગતિ વેઠીને પણ જૂની રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો બદલાવવા લાઈનોમાં ઉભાં રહ્યાં હતાં. આ માટે RBI દ્વારા દેશભરમાં મધ્યસ્થ બેન્કના- મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને નાગપુર, એમ પાંચ કેન્દ્ર નિશ્ચિત કરાયા હતા. થોડાં જ સમયમાં લોકોનો રોષ બહાર આવ્યો અને તંત્રની ગેરવ્યવસ્થા ધ્યાને ચડી ગઈ. લાંબા અંતરના પ્રવાસ પછી નિર્ધારિત શાખાએ પહોંચેલા ઘણા લોકોને તો ગાર્ડ્સ દ્વારા પ્રવેશ જ અપાયો નહિ, આ માટે તેમની પાસે આવશ્યક દસ્તાવેજો નહિ હોવાનો દાવો કરાયો હતો.

અધિકારીઓ સાથે વાત કરવાની અને તેમની મુશ્કેલીઓને વ્યક્ત કરવાની તક જ નથી અપાઈ તેવા NRIઓ દ્વારા સેંકડો ફરિયાદ કરવામાં આવી છે. અમેરિકન નાગરિક રીતુ ધવને જણાવ્યું હતું કે,‘મારી પાસે વિદેશનો પાસપોર્ટ હોવાં છતાં, હજુ મારાં મૂળિયાં ભારતમાં છે. અમારો પરિવાર દર વર્ષે ભારત આવે છે. અમારી પાસે થોડી ભારતીય ચલણી નોટો છે, જેને અમે એક્સચેન્જ કરવા માગીએ છીએ પરંતુ, અમને RBIમાં પ્રવેશવા જ દેવાયાં નથી. મારે વડા પ્રધાનને એક પ્રશ્ન પૂછવો છે કે શું અમારી પાસેની ભારતીય ચલણી નોટો અમારે બાળી નાખવી જોઈશે?’ તેમણે એ પણ જણાવ્યું હતું કે,‘ આ કનડગતથી એ સ્પષ્ટ થાય છે કે PIO હવે તેમના જન્મના દેશમાં આવકારને પાત્ર રહ્યાં નથી. આખરે RBIના મનસ્વીપણાથી હારી-કંટાળીને ઘણા મૂળ ભારતીયોએ રોષ સાથે ખાલી હાથે પાછાં ફરવું પડ્યું છે.’

GCCI NRG Centreના ચેરમન કે.એચ. પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે,‘એ વાત સાચી છે કે રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની જૂની કરન્સીના બદવે નવી કરન્સી આપવાની સરકારની નીતિ માત્ર NRI એટલે કે ભારતીય પાસપોર્ટધારકો પૂરતી જ હતી. મારા માનવા પ્રમાણે આ નીતિમાં પાસપોર્ટ ધરાવવાને ધ્યાનમાં લીધાં વિના તમામ PIOને પણ આવરી લેવાં જોઈતાં હતાં. ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિનના સભ્ય હોવા તરીકે અમે આ મુદ્દો સરકાર સમક્ષ ઉઠાવી આ યોજનામાં તમામ PIOને પણ આવરી લેવા જણાવ્યું છે. દુર્ભાગ્યવશ, અમને સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો નથી.’

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સીબી પટેલ આ વર્ષના આરંભે ભારતના પ્રવાસે આવ્યા ત્યારે તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અંગત મુલાકાત લીધી હતી તેમજ RBI દ્વારા આ વિશે યોગ્ય વ્યવસ્થાના અભાવના મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરી હતી. રૂપાણીએ સીબીની હાજરીમાં જ નવી દિલ્હીમાં ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં ફોન કરીને બિનનિવાસી ગુજરાતી (NRG)ઓ માટે આવશ્યક સુવિધાઓ મળે તેવી મદદ કરવા અધિકારીને જણાવ્યું હતું. સીબી પટેલે સરકાર તરફથી નક્કર આયોજનના અભાવે વિદેશમાં રહેતાં ભારતીયોએ પાર વિનાની મુશ્કેલીઓ સહન કરવી પડે છે તેનો પણ ચિતાર આપ્યો હતો. તેમણે તાજેતરમાં મુખ્ય પ્રધાનને પત્ર પાઠવી પ્રતિબંધિત ચલણી નોટોના વિનિમયની સમગ્ર પ્રક્રિયા હળવી કરવા સંબંધે નક્કર સૂચનો પણ કર્યા હતા. આ પત્રમાં તંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય બેન્કોની અનેક શાખાઓ બ્રિટનમાં કાર્યરત છે. જો તેમને રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની જૂની કરન્સી નોટ્સ સ્વીકારવાની સતા અપાય તો ત્યાં વસતી ભારતીય કોમ્યુનિટીના લોકો માટે પરિસ્થિતિ ઘણી સરળ બની જશે. કોઈ પ્રકારની ગેરરીતિની શક્યતા નિવારવા માટે ભારતીય પાસપોર્ટ્સ પર એન્ડોર્સમેન્ટની જોગવાઈ થઈ શકે તેવું સૂચન પણ સીબી દ્વારા કરાયું હતું.

એ માની લઈએ કે, ભ્રષ્ટાચાર અને કાળા નાણા વિરુદ્ધ હુમલારૂપે સરકાર દ્વારા આ પગલું લેવાયું હતું પરંતુ, વર્તમાન વહીવટીતંત્ર દરિયાપારની ભારતીય કોમ્યુનિટી પ્રત્યે કુણી લાગણી ધરાવે છે તેને ધ્યાનમાં લેતા PIOને બાકાત રાખવાની વાત ખરે જ આશ્ચર્યકારક છે.

ભારતીય રીઝર્વ બેન્ક માટે આપણે વિદેશી

માન્ચેસ્ટરના ડો. શશિકાન્ત વૈદ્યે તેમનો કડવો અનુભવ વર્ણવતા જણાવ્યું છે કે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માટે આપણે વિદેશી નાગરિક છીએ. અમે તાજેતરમાં ભારત ગયા ત્યારે અમદાવાદવા કસ્ટમ અધિકારીએ જૂની કરન્સી નોટો બદલાવવા ફોર્મ ભરાવ્યા હતા અને RBIમાં જવા કહ્યું હતું. અમદાવાદ RBIએ મુંબઈ જવું પડશે તેમ કહ્યું. અમે મુંબઈ ગયા અને લાઈનમાં ઉભાં રહ્યાં પછી ખબર પડી કે અમને જૂની નોટ્સ બદલાવવાનો લાભ નહિ મળે. OCI કે PIO કાર્ડવાળા અન્ય દેશના પાસપોર્ટ ધરાવતા નાગરિકો NRI ના કહેવાય. અમને આ માહિતી અમદાવાદમાં એરપોર્ટ પર કે RBI તરફથી આપવામાં આવી ન હતી. RBIની વેબસાઈટ પર પણ આ માહિતી ન હતી. અમારા જેવા મુસાફરોને આ કારણે ઘણી હેરાનગતિ નડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter