ન્યૂ યોર્કનાં ફાલ્ગુની શાહને ગ્રેમી એવોર્ડ

Wednesday 06th April 2022 05:06 EDT
 
 

લોસ એન્જલસ: ન્યૂ યોર્કમાં રહેતાં ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહને ‘અ કલરફુલ વર્લ્ડ’ માટે શ્રેષ્ઠ ચિલ્ડ્રન આલ્બમ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ‘ફાલુ’ના ઉપનામથી જાણીતાં ફાલ્ગુની શાહ આ સિદ્ધિથી ખુશખુશાલ છે. મુંબઈમાં જન્મેલાં ગાયક-ગીતકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ એવોર્ડ માટે ગ્રેમીનું આયોજન કરનાર ‘રેકોર્ડિંગ એકેડમી’નો આભાર માન્યો હતો.
ઈન્સ્ટાગ્રામ પર એવોર્ડ સાથેનો ફોટોગ્રાફ શેર કરતાં ‘ફાલુ’એ લખ્યું હતું કે મારી પાસે આજના જાદુઈ દિવસનું વર્ણન કરવા માટે શબ્દો નથી. ‘ગ્રેમી પ્રીમિયર સમારોહ’માં પરફોર્મ કરવું અને પછી ‘અ કલરફુલ વર્લ્ડ’ આલ્બમ માટે કામ કરનારા તમામ શ્રેષ્ઠ લોકો વતી એવોર્ડ મેળવવો એ સન્માનની વાત છે. તેમણે કહ્યું કે આ રીતે અમારા કામની પ્રશંસા કરવા બદલ અમે રેકોર્ડિંગ એકેડમીના આભારી છીએ. ખૂબ ખૂબ આભાર.
ન્યૂ યોર્કમાં વસતાં અને દાહોદનાં પૂત્રવધૂ ફાલ્ગુની શાહ ગ્રેમીમાં શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં બે વખત નોમિનેટ થનારાં એકમાત્ર ભારતીય મૂળનાં મહિલા છે. ફાલ્ગુની શાહ આ અગાઉ આલ્બમ Falu’s Bazaar માટે આ કેટેગરીમાં નોમિનેટ થયાં હતાં. તેમણે ફેમસ મ્યુઝિક જિનિયસ એ.આર. રહેમાન સાથે પણ કામ કરેલું છે. હાલમાં તેઓ પોતાના બેન્ડ માટે ગીતો ગાય છે અને લખે છે.
64મો ગ્રેમી એવોર્ડ સેરમની રવિવારે લાસ વેગાસમાં યોજાયો હતો. આ વર્ષે જ્હોન બેટિસ્ટેને આલ્બમ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે ઓલિવિયા રોડ્રિગોને બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ અને સિલ્ક સોનિકને સોંગ ઓફ ધ યર રોકોર્ડ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. શ્રેષ્ઠ ચિલ્ડ્રન આલ્બમ માટે નામાંકિત થયેલા અન્યમાં 123 એન્ડ્રેસના ‘એક્ટિવેટ’, વન ટ્રાઈબ કલેક્ટિવના ‘ઓલ વન ટ્રાઈબ’, પીયર્સ ફ્રીલોનના ‘બ્લેક ટુ ધ ફ્યુચર’ તથા લકી ડાયઝના ‘ક્રેયોન કિડ્સ’ અને ‘ફેમિલી જામ બેન્ડ’નો સમાવેશ થતો હતો.
ફાલ્ગુની શાહને 'અ કલરફુલ વર્લ્ડ' માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે. ફાલ્ગુનીએ આ આલબમ તેઓ ડિપ્રેશનમાં હતાં ત્યારે બનાવ્યું હતું. ગયા વર્ષે ફાલ્ગુનીના પિતાનું અવસાન થયું હતું અને તેના કારણે ડિપ્રેશનમાં સરી પડ્યાં હતાં. આમાંથી બહાર આવવા માટે તેમણે પોતાના પિતા સાથે પસાર કરેલી ક્ષણોને શબ્દો આપ્યા. તેમણે વિચાર્યું પણ નહોતું કે આ કામ માટે તેને ગ્રેમી એવોર્ડ મળશે. એવોર્ડ જીત્યા બાદ ફાલ્ગુનીએ અમેરિકાથી એક અખબાર સાથેની વાતચીતમાં આ યાદો તાજી કરી હતી.
દાહોદનાં પુત્રવધૂ
મૂળે દાહોદના વૈષ્ણવ પરિવારના પણ વર્ષોથી ન્યૂ યોર્ક ખાતે સ્થાયી થયેલા દિલીપભાઈ રસિકલાલ શાહ અને તેમનાં પત્ની લીનાબેન (દેસાઈ પેટ્રોલવાળા)ના 41 વર્ષીય પુત્રવધૂ ફાલ્ગુની દલાલ-શાહ જાણીતાં ગાયિકા છે.
ફાલ્ગુનીએ કેન્સર નિષ્ણાત અને ગાયક એવા પતિ ડો. ગૌરવ ડી. શાહ સાથે લગ્ન કર્યા બાદ ન્યૂ યોર્કમાં સેટલ થયાં છે. ફાલ્ગુની શાહે અમેરિકામાં સઘન ટ્રેનિંગ લીધી છે.

પિતાના આશીર્વાદ સમાન
તેમણે કહ્યું હતું કે 'અ કલરફુલ વર્લ્ડ' મારા પપ્પાને ડેડીકેટ કરું છું. તેમના જ આશીર્વાદને કારણે મને આટલા મોટા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ આલ્બમ મારા હૃદયની ઘણું જ નિકટ છે, કારણ કે આ આલબમમાં મેં મારા પિતા સાથે પસાર કરેલા સમયને વ્યક્ત કર્યો છે. મેં ગયા વર્ષે મારા પિતાને ગુમાવ્યા હતા. હું પિતાની ઘણી જ નિકટ હતી. હું ડિપ્રેશનમાં સરી પડી હતી. તે સમય મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો, આમાંથી બહાર આવવા મેં ગીત લખવાના શરૂ કર્યા હતા. પિતા સાથે પસાર કરેલા જીવનના શરૂઆતા પાંચ વર્ષોને ગીતનું સ્વરૂપ આપ્યું હતું. નાનપણની યાદોને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. હજી પણ વિશ્વાસ થતો નથી કે હું ગ્રેમી જીતી છું.
વર્ષોનું સપનું સાકાર થયું
ફાલ્ગુની શાહે કહ્યું હતું કે એક આર્ટિસ્ટ માટે ગ્રેમી એવોર્ડ ઘણો ઘણો મહત્ત્વનો છે. જ્યારે પણ કોઈ આર્ટિસ્ટને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તો તેના માટે સંગીતની દુનિયાના દરેક દરવાજા ખુલી જાય છે. આર્ટિસ્ટની દુનિયા બદલાઈ જાય છે. વિશ્વભરમાં થતાં ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવાની તક મળે છે. આખી દુનિયામાં ઓળખ મળે છે. સાચું કહું તો ખબર નહીં કેટલાં વર્ષોનું સપનું હવે પૂરું થયું છે.
દેશમાંથી શીખ્યું, ગ્લોબલી પ્રેઝન્ટ કર્યું
તેઓ કહે છે કે હું જ્યારે મારા દેશને ગ્લોબલી રિપ્રેઝન્ટ કરું છું, ત્યારે ઘણું જ સારું લાગે છે. પોતાની જાતને ભારતીય કહેવામાં ઘણું જ ગર્વ થાય છે. મારા દેશનું નામ રોશન કરવામાં જો હું થોડું પણ યોગદાન આપી શકું તો તે મારા માટે અત્યંત આનંદની વાત છે. આ એવોર્ડ મારા તમામ દેશવાસીઓ માટે છે. હું મુંબઈમાં રોજ 16 કલાક ક્લાસિકલ મ્યૂઝિકનો રિયાઝ કરતી હતી. તે સમયે આપણી પાસે કોઈ સોશ્યલ મીડિયા નહોતું. ત્યારે હું માત્રને માત્ર રિયાઝ પર ફોકસ કરતી હતી. અહીં સુધી પહોંચવામાં ઘણી જ મહેનત કરી છે. આ દેશમાં રહીને જે કંઇ પણ શીખી તેને કારણે હું ગ્લોબલી પ્રેઝન્ટ કરી શકું છું. મારા ગુરુ તથા પિતાના આશીર્વાદે મને અહીં સુધી પહોંચાડી છે.
ગ્રેમી જીત્યા બાદ લોકોની અપેક્ષા વધી ગઈ
હાલમાં મારા બે આલબમ રિલીઝ થવાની તૈયારીમાં છે, 'અમેરિકન પેચ વર્ક્સ ફોર ટેડસ' તથા 'EDM' (ઇલેક્ટ્રિકલ ડાન્સ મ્યૂઝિક). આ બંને આલબમમાં ઇન્ડિયન તથા અમેરિકન સંગીત મિક્સ કર્યું છે. 'અમેરિકન...'માં અમેરિકાના જૂના લોકગીતોને ઇન્ડિયન ક્લાસિકલ ટચ આપ્યો છે તો 'EDM'માં ભારતની અલગ અલગ સંસ્કૃતિ જેમ કે ગુજરાતી, રાજસ્થાન, મહારાષ્ટ્રીયન સાથે જોડાયેલા લોકગીતોને અમેરિકન સંગીતનો ટચ આપ્યો છે. ગ્રેમી જીત્યા બાદ લોકોની અપેક્ષા વધી ગઈ છે. ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે હું લોકોની અપેક્ષા પર ખરી ઉતરું.
2013માં પણ ગ્રેમી માટે શોર્ટલિસ્ટ
ઉલ્લેખનીય છે કે ફાલ્ગુની શાહે અગાઉ મુંબઈના રેડલાઈટ વિસ્તાર પર આધારિત ‘ફોરસ રોડ’ આલબમ કર્યું હતું. આ આલબમ 2013માં ગ્રેમી એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરાયું હતું, પરંતુ એ મુખ્ય નોમિનેશનમાં આવી શક્યું નહોતું. જ્યારે આલબમ 'ફાલુ’સ બજાર' ફાલ્ગુનીના નાનકડા પુત્ર નિઝાદના બાળસહજ પ્રશ્નોમાંથી જન્મ્યું હતું. આ આલબમ હિંદી, અંગ્રેજી તથા ગુજરાતીમાં બહાર પાડવામાં આવ્યું છે. આલબમમાં ભાષા, ખાણીપીણીથી લઈને બાળકો દ્વારા પુછાતા જે-તે પ્રશ્નોના પોતાની રીતે સંગીતમય જવાબ સાથે મેઘધનુષના સાત રંગોથી લઇ ભોજનમાં વપરાતાં મરચાં, હળદર જેવા મસાલા વિશે મળીને કુલ 12 ગીત ધરાવતા આ આલબમમાં બાળસહજ અનેક જિજ્ઞાસાઓ સંતોષાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter