પરંપરા, સંસ્કૃતિ અને માનવતાના ઉદ્દેશનું સંમિશ્રણઃ ઈન્ડિયા એસોસિયેશન દ્વારા વૈશાખીની ઉજવણી

Wednesday 11th May 2022 08:06 EDT
 
 

લંડનઃ ઈન્ડિયા એસોસિયેશન દ્વારા 8 મે રવિવારે ઈન્ડિયન જિમખાના ખાતે પરંપરા, સંસ્કૃતિ અને માનવતાના ઉદ્દેશના સંમિશ્રણ સ્વરૂપ વૈશાખીની ઉજવણીની ઉજવણી કરવામાં આવી હતી. આયોજકોએ યુક્રેન છોડીને નાસી છૂટેલા લોકોની સહાયતા અર્થે ડોનેશન આપવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં લોર્ડ એમ. શેખ, બીકન્સફિલ્ડ મતક્ષેત્રના સાંસદ જોય મોરિસ્સે તેમજ એશિયન વોઈસ અને ગુજરાત સમાચારના એડિટર-ઈન-ચીફ અને ચેરમેન સી.બી. પટેલ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત હતા.

ઈન્ડિયા એસોસિયેશનના અધ્યક્ષ બોબી ગ્રેવાલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે,‘ મારી ત્રણ ચેરિટી વોક દરમિયાન હું અસહ્ય ગરીબીનો સાક્ષી બન્યો છું. આપણે હવે યુક્રેન સામે યુદ્ધમાં અત્યાચારોના સાક્ષી બની રહ્યા છીએ. આજે રાત્રે પ્રાપ્ત થનારું તમામ ભંડોળ યુક્રેન માટે તેમજ ભારતમાં વૃદ્ધો અને અશક્તો માટે ચલાવાતી સ્વૈચ્છિક ચેરિટીને દાનમાં આપવામાં આવશે.’

લોર્ડ શેખે જણાવ્યું હતું કે,‘વૈશાખીની ઉજવણી અને અહીં સાથે મળવા ઉપરાંત, ચેરિટી માટે દાન એકત્ર કરવાનો પણ ઉદ્દેશ છે. બોબી ગ્રેવાલ અને માનવતાને મદદરૂપ થવાની તેમની ઈચ્છાથી હું ઘણો પ્રભાવિત થયો છું. અમને પંજાબીઓને સેવા કરવાનું ગમે છે અને તે અમારા DNAનો મહત્ત્વનો હિસ્સો છે. વૈશાખી પાક લણવાનો ઉત્સવ છે જ્યાં લોકો પોતાના પાકની સફળતાની ઉજવણી કરવાનું ઈચ્છે છે. આ ઉપરાંત, વૈશાખી સાથે ત્રણ મહત્ત્વની ઘટનાઓ પણ સંકળાયેલી છે જેને આપણે યાદ રાખવી આવશ્યક છે. સૌપહેલા તો 1699માં ગુરુ ગોવિંદ સિંહજી દ્વારા ખાલસા પંથનો પુનર્જન્મ કરાયો હતો. બીજી ઘટના 1801ની વૈશાખીની છે જ્યારે મહારાજા રણજિતસિંહને શીખ સામ્રાજ્યના મહારાજા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્રીજી ઘટના 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડની છે.’

સાંસદ જોય મોરિસ્સેએ જણાવ્યું હતું કે,‘આપણે અહીં ચેરિટીના અદ્ભૂત કાર્યની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. ઈન્ડિયા એસોસિયેશને માત્ર કોરોના મહામારી જ નહિ, દરેક કટોકટીમાં એકસંપ થઈને આપણી કોમ્યુનિટીને મદદ પૂરી પાડવાના માર્ગનું નેતૃત્વ કર્યું છે. લોકડાઉન દરમિયાન, તમે નિઃસ્વાર્થપણે કોમ્યુનિટીને મહત્તમ મદદ કરવા આગળ પહોંચી ગયા હતા. કોમ્યુનિટીની સેવા કરવા બદલ તમારો આભાર વ્યક્ત કરીએ છીએ.’

સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘આજની પળે મારે યાદ કરવું જોઈએ કે પાર્લામેન્ટના પૂર્વ સભ્ય ડોમિનિક ગ્રીવે કોમ્યુનિટી માટે અદ્ભૂત કાર્ય કર્યું હતું અને તેઓ ઈન્ડિયા એસોસિયેશનના મહાન સમર્થક હતા. હું 1987માં ઈન્ડિયા એસોસિયેશન સાથે જોડાયો હતો. મારા મત અનુસાર વૈશાખી વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. જો ભારત આજનું ભારત છે તો તે ખાલસા, શીખવાદ અને અસંખ્ય એ લોકોને આભારી છે જેમણે પ્રજસત્તાક ભારત માટે પસીનો અને લોહી વહાવ્યા છે. ભારતના કોઈ વડા પ્રધાને શીખ ધર્મના તમામ ગુરુઓ, ખાલસા અને ઉત્સવોની ઉજવણી અને સન્માન કર્યું છે જેટલું વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. જ્યારે બોબી દક્ષિણ ભારતથી અમદાવાદ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે મેં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત ગોઠવી આપી હતી. શીખ અને પંજાબીઓ દરેક ક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે ,ભલે તે રાજદ્વારી સેવા હોય, એન્ટ્રેપ્રીન્યોરશિપ હોય, આર્મી હોય કે બોલીવૂડ હોય.’

વાઈસ ચેરમેન રાજન સહેગલે મહેમાને આવકાર્યા હતા. મૂંડે પંજાબ દે દ્વારા ઉત્સાહપૂર્વક ભાંગરાની રજૂઆત કરાઈ હતી. કાઉન્સિલર સંતોખ એસ. છોકરે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter