પરિવારોને વાર્ષિક £૬,૭૧૬ની બચત કરાવવા લેબરનો દાવો

Wednesday 11th December 2019 05:31 EST
 
 

લંડનઃ લેબર પાર્ટી ભાવો આસમાને પહોંચાડનારા તેમજ વેતન તળિયે રાખનારા પર શિકંજો કસી દરેક પરિવારના બજેટમાં વાર્ષિક સરેરાશ ૬,૭૧૬ પાઉન્ડની બચત કરાવશે. આ માટે તેઓ સેવાઓને જાહેર માલિકીમાં લેશે અને લઘુતમ વેતનને વધારશે. લેબર પાર્ટીના દાવા અનુસાર ટોરી પાર્ટીના ખર્ચકાપની કરકસર તેમજ ફાખોરી કરતી પેઢીઓ પર કડકાઈના અભાવે સરેરાશ પરિવારને ૨૦૧૦થી વાર્ષિક ૬૦૦૦ પાઉન્ડનું નુકસાન સહન કરવું પડે છે.

શેડો ચાન્સેલર જ્હોન મેક્ડોનેલે જણાવ્યું હતું કે હાઉસિંગ ચેરિટી શેલ્ડરના રિપોર્ટ મુજબ ક્રિસમસ ડેએ ૧૩૫,૦૦૦ બાળકો કામચલાઉ નિવાસમાં રહેતા હશે.વધુ અને વધુ બાળકો ઘરવિહોણા અને ભૂખ્યા રહે છે ત્યારે મોટા એક્ઝિક્યુટિવ્ઝ તગડાં વેતન અને બોનસ મેળવે છે. પાર્ટીની યોજના દેશના માત્ર પાંચ ટકા ધનવાન લોકો પર ટેક્સ વધારવાની છે.

શેડો ચાન્સેલર મેક્ડોનેલે જણાવ્યું છે કે સરકારની નાણાકીય સ્થિતિ મજબૂત રાખવા સાથે બ્રિટનનો દરેક પરિવાર પણ મજબૂત નાણાકીય સ્થિતિ ધરાવે તેની ચોકસાઈ રખાશે. ટોરીઝ નિષ્ફળ ગયા છે ત્યાં લેબર સરકાર પરિવારોની સાથે રહેશે. લેબર પાર્ટીએ દાવો કર્યો છે કે ભાડાંમાં ૧૯૨૪ પાઉન્ડ, ચાઈલ્ડકેરમાં પ્રતિ બાળક ૧૯૧૬ પાઉન્ડ અને બે રેઈલ સીઝન ટિકિટ માટે વધુ ૧૭૪૦ પાઉન્ડ સહિત ૫,૯૪૯ પાઉન્ડ વધુ ખર્ચાય છે.

પાર્ટીએ જણાવ્યું છે કે વાસ્તવિક પરિવર્તનની યોજના બાળકો માટે મફત સંભાળનાં સમાવેશથી પ્રતિ બાળક ૨,૯૪૧ પાઉન્ડ પાછાં ખેંચાવા સાથે દરેક પરિવાર માટે ૬,૭૧૬ પાઉન્ડની બચત થશે. રેલવેને જાહેર માલિકી હેઠળ લાવવાથી બે સીઝન ટિકિટ પરની બચત ૨,૧૯૪ પાઉન્ડ થશે. ટોરી પાર્ટી દ્વારા ૨૦૪ પાઉન્ડ વધારાની સરખામણીએ નેશનાલાઈઝ્ડ બ્રોડબેન્ડ સેવા સાથે ફાઈબર ઈન્ટરનેશન આપવાની યોજનાથી વર્ષે ૩૬૪ પાઉન્ડ બચશે.

તંગી અનુભવતા સામાન્ય બ્રિટિશ પરિવારોને રાહત આપવા ૧૬ અને તેથી વધુ વયના લોકોને લઘુતમ વેતન વધારી પ્રતિ કલાક ૧૦ પાઉન્ડ કરાશે જેનાથી ૨૫થી વધુ વયના લોકોને વાર્ષિક સરેરાશ ૩,૪૪૪ પાઉન્ડનો વેતનવધારો થશે. 

લેબર પાર્ટીને જેકેએલએફના સમર્થનનો વિવાદ

સામાન્ય ચૂંટણી સંદર્ભે ત્રાસવાદી જૂથ જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) દ્વારા લેબર પાર્ટીને અપાયેલા સમર્થનથી ઘેરી ચિંતા વ્યક્ત કરાઈ છે. લેબર પાર્ટીએ આ સમર્થનને આવકાર આપ્યો છે. લંડન બરો ઓફ લેમ્બેથના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલે લેબર પાર્ટીના જનરલ સેક્રેટરી જેની ફોર્મબીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે JKLF દ્વારા ૧૯૮૪ના ફેબ્રુઆરીમાં ભારતીય રાજદ્વારી રવિન્દ્ર મ્હાત્રેનું બર્મિંગહામમાં અપહરણ કરાયું હતું. જૂથના સ્થાપક મકબૂલ ભટને ભારતીય જેલમાંથી છોડાવવામાં નિષ્ફળતાના પરિણામે મ્હાત્રેની હત્યા કરી હતી.

ડો. પાટિલે લખ્યું છે કે,‘આ સંગઠન ભારતમાં ત્રાસવાદી અપરાધોનો લાંબો ઈતિહાસ ધરાવે છે અને તેને ત્યાં ત્રાસવાદી સંગઠન જાહેર કરાયું છે. હું ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિનો પ્રખર હિમાયતી છું અને બંને સમુદાયોને સાથે લાવવા સંખ્યાબંધ કાર્યક્રમો યોજ્યા છે. મેં પાકિસ્તાની મુસ્લિમ કોમ્યુનિટીના સહયોગથી થેમસ નદીના કાંઠે ભારતીય-પાકિસ્તાની ફિલોસોફરની પ્રતિમાની પણ સ્થાપના કરાવી છે. મને એ જાણીને નિરાશાસહ દુઃખ થાય છે કે લુટન લેબર પાર્ટી તેમના સત્તાવાર ફેસબુક પેજ પર જેકેએલએફના સમર્થનનો પત્ર દર્શાવી રહી છે તેમજ સોશિયલ મીડિયા મારફતે આ પત્ર કોમ્યુનિટીના સભ્યોને મોકલી રહી છે.’

ડો. પાટિલે નોંધ્યું છે કે લુટન લેબર પાર્ટી અને તેમની સત્તાવાર વેબસાઈટ JKLFના સમર્થનનો પત્ર દર્શાવવા સાથે તેનો પ્રસાર કરી રહેલ છે. તેમણે લેબર પાર્ટીને આ સંદર્ભે તત્કાળ સુધારાત્મક પગલાં લેવાં જણાવ્યું છે. JKLFના સમર્થનપત્ર પર JKLFના બ્રિટિશ ચેપ્ટરના પ્રમુખ સૈયદ તહશીન ગિલાનીની સહી છે અને તેમાં જણાવાયું છે કે ૧૨ ડિસેમ્બરની ચૂંટણીમાં તેઓ લેબર પાર્ટીને જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ વતી સંપૂર્ણ ટેકો જાહેર કરે છે. 

જેરેમી કોર્બીન વડા પ્રધાનપદે નહિઃ જ્યુઈશ લેબર મૂવમેન્ટ

લેબર પાર્ટીમાં યહુદીવિરોધ ફરિયાદોનો મુદ્દો જે રીતે હાથ ધરાયો છે તેનાથી ભારે નારાજ જ્યુઈશ લેબર મૂવમેન્ટ (JLM) દ્વારા પક્ષના નેતા જેરેમી કોર્બીનને વડા પ્રધાન તરીકે સમર્થન આપવા સાફ ઈનકાર કરાયો છે. ગત એપ્રિલમાં JLM દ્વારા કોર્બીન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ હતી.

ઉલ્લેખનીય છે ૭૦થી વધુ વર્તમાન અને પૂર્વ લેબર કર્મચારીઓએ ઈક્વલિટિઝ એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા પાર્ટીમાં એન્ટિ-સેમેટિઝમની ફરિયાદ સંદર્ભે ચલાવાતી સત્તાવાર તપાસમાં મૂવમેન્ટની રજૂઆતમાં શપથ સાથે જૂબાની પૂરી પાડી છે. JLM દ્વારા ૫૩ પાનાના રિપોર્ટમાં જણાવાયું છે કે યહુદીવિરોધની અવિરત ઘટનાઓ સાથે લેબર પાર્ટી ‘હવે જ્યુઈશ લોકો માટે સલામત સ્થાન’ નથી. જોકે, કોર્બીને પોતાની નેતાગીરી હેઠળ પાર્ટી યહુદીવિરોધીઓ માટે ‘આવકારપૂર્ણ આશ્રય’ બની ગયાનો ઈનકાર કર્યો છે. વેસ્ટમિન્સ્ટર ન્યૂઝ કોન્ફરન્સમાં નેશનલ સેક્રેટરી પીટર મેસને જણાવ્યું હતું કે,‘૧૨ ડિસેમ્બરે લેબરને મત આપવો કે નહિ તે મૂવમેન્ટના સભ્યોનો વ્યક્તિગત નિર્ણય રહેશે. લેબર પાર્ટી વિરુદ્ધ આક્ષેપો સાથૈનો દસ્તાવેજ જાહેર થયો જ છે. લોકો પોતાનો નિર્ણય ખુદ લેશે. વડા પ્રધાન તરીકે કોર્બીનમાં વિશ્વાસ નહિ હોવાનો ઠરાવ JLM દ્વારા પસાર કરાયેલો જ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter