બરાકપુર: બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 92 ટકા જેવું વિક્રમજનક મતદાન થયા બાદ હવે સહુકોઇની નજર બુધવારે થનારા બીજા અને છેલ્લા તબક્કાના મતદાન પર છે. આ અંક આપ સહુના હાથમાં આવશે ત્યારે 142 સીટો પર 1448 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયું હશે અને પરિણામના દિવસ ચોથી મેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચાર પ્રવાસની છેલ્લી ચૂંટણી સભા સોમવારે બરાકપુરમાં સંબોધી હતી. બંગાળમાં હવે સત્તા પરિવર્તન દૂર નથી એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે હવે હું બંગાળમાં ભાજપન સરકારના શપથવિધિ સમારોહ વખતે જ પાછી આવીશ. તેમણે લોકોને ખાતરી આપી હતી કે પઢાઈ, લિખાઈ ઔર દવાઈ હમારી પ્રાથમિકતા હૈ. તેમણે ફરી એકવાર લોકોને પાંચ ગેરંટી આપીને માસ્ટરસ્ટ્રોક લગાવ્યો હતો. રોજગારી, નોકરીમાં ભરતી, વેતન અને ગામડામાં કામ જેવા મુદ્દાને તેમણે શસ્ત્ર બનાવ્યા હતા.
બીજી તરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 12 કિમી લાંબો પગપાળા રોડ શો યોજ્યા બાદ એક્સ પર બંગાળના લોકોને ભાવનાત્મક અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, રાજ્યના સાંસ્કૃતિક વારસા અને ઓળખ પર હુમલો કરતી વિનાશક શક્તિઓને પ્રજા લોકશાહી રીતે પાઠ ભણાવશે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, લોકો સત્તાના લોભમાં બંગાળના ગૌરવને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને યોગ્ય જવાબ આપશે. મમતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ‘મા, માતા અને માનુષ’નો સંકલ્પ રાજ્યની સુરક્ષા અને વિકાસ માટે સાચી ઢાલ છે, જેમાં કોઈ બાહ્ય શક્તિ પ્રવેશી શકતી નથી.
10 ચૂંટણીમાં બે વાર સત્તા બદલાઇઃ
એક વાર મતદાન ઘટ્યું, એક વાર વધ્યું
બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 152 બેઠક પર રેકોર્ડ 92.88 ટકા મતદાન થયા પછી રાજકીય શેરીઓમાં હાર-જીતના દાવાનું પૂર ચઢ્યું છે. કોઈ તેને સત્તા પરિવર્તનની લહેર ગણાવી રહ્યું છે તો કોઈ ‘સર’થી પેદા થયેલો ડર, પરંતુ આ બંગાળ છે. અહીંનો રાજકીય ઇતિહાસ અન્ય રાજ્યો કરતા થોડો અલગ છે. અત્યાર સુધી અહીં કુલ 11 વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. 12મી ચાલી રહી છે. 1977 થી 2021 વચ્ચે જે 10 ચૂંટણી થઈ છે. તેમાં માત્ર બે જ વાર સત્તા બદલાઈ. 1977માં ડાબેરીઓએ કોંગ્રેસને સત્તા પરથી હટાવી, ત્યારે 5 ટકા મતદાન ઘટ્યું હતું. પછી 2011માં મમતાદીદીની તૃણમૂલ કોંગ્રેસે ડાબેરીઓ પાસેથી સત્તા છીનવી હતી, ત્યારે 2.6 ટકા મતદાન વધ્યું હતું. આમ વોટિંગની ટકાવારી અને સત્તા પરિવર્તન વચ્ચે કોઈ સીધો સંબંધ રહ્યો નથી. આથી જ સહુ કોઇ પૂછી રહ્યું છે આ વખતે મતદાનમાં વધારો મોદીને ફળશે કે દીદીને?
ગંગાકિનારાની બેઠકો સત્તાનું પ્રવેશદ્વાર
પ્રથમ તબક્કાના મતદાનથી ઉત્સાહિત ભાજપ અને ટીએમસીએ બીજા તબક્કાના મતદાન માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે હુગલી નદીના ઘાટ પર નાવિકો સાથે મુલાકાત કરી હતી તેમજ સવારે ફરવા નીકળેલા લોકોને મળીને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું. અહીં તેમણે એકાદ કલાક બોટ રાઈડ કરી. ગંગાને ‘બંગાળનો આત્મા’ ગણાવતા તેમણે કહ્યું કે ગંગાનું પવિત્ર જળ સમગ્ર સભ્યતાની શાશ્વત ભાવનાને સમાવે છે. પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગંગા કિનારાની વિધાનસભા બેઠકો સત્તાનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. માલદાથી લઈને ગંગાસાગર સુધી ફેલાયેલી આ બેઠકો રાજ્યની 294 બેઠકોમાંથી લગભગ 90-100 બેઠકો પર અસર કરે છે. આ જ કારણ છે કે ગંગાકિનારે આવેલી આ બેઠકોની અવગણના કરવી કોઈપણ પક્ષ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
ગંગા નદી કે જે બંગાળમાં ભાગીરથી - હુગલી તરીકે ઓળખાય છે, તે રાજ્યને ઉત્તર અને દક્ષિણ બંગાળમાં વિભાજિત કરે છે. તેના કિનારે આવેલા માલદા, હુગલી, હાવડા, કોલકાતા, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લા ચૂંટણીની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જિલ્લાઓની ગીચ વસ્તી અને રાજકીય સક્રિયતા રાજ્યનો મૂડ નક્કી કરે છે.
142 બેઠકો પર 1448 ઉમેદવારો
ચૂંટણી જંગના બીજા તબક્કામાં બંગાળનાં સાત જિલ્લામાં 142 બેઠકો માટે લાખો મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા 16,000 કર્મચારીઓને ફરજ પર મૂકાયા છે. આ તબક્કામાં બંગાળનાં સાત જિલ્લા કોલકાતા, હાવડા, ઉત્તર તેમજ દક્ષિણ 24 પરગણા, હુબલી, નદીયા અને પૂર્વ બર્ધમાન જિલ્લાની 142 બેઠકનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની 2231 કંપનીઓ તહેનાત કરાઇ છે, જેમાં સૌથી વધુ 237કંપનીઓ માત્ર કોલકાતામાં ગોઠવાશે.


