પાંચ રાજ્યોનો રણસંગ્રામઃ શાખ, સમીકરણ, સત્તાની અગ્નિપરીક્ષા

આસામ, બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીની ચૂંટણીઓ રાષ્ટ્રીય રાજનીતિની દિશા નક્કી કરશે

Tuesday 07th April 2026 06:31 EDT
 
 

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ માત્ર પ્રાદેશિક મુકાબલો નથી. આ રાષ્ટ્રીય રાજનીતિનો નિર્ણાયક વળાંક છે. સત્તા કરતાં વધુ, શાખ દાવ પર છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ - બંને માટે આ ચૂંટણીઓ સમાન રીતે મહત્વપૂર્ણ છે. એક માટે વિસ્તારનો પડકાર છે. તો બીજા માટે અસ્તિત્વનો.
કોંગ્રેસ માટે આ ચૂંટણી વધુ નિર્ણાયક છે. ખાસ કરીને રાહુલ ગાંધી માટે. નેતૃત્વની સ્વીકૃતિ હવે પરિણામો પરથી નક્કી થશે. ઓછામાં ઓછા એક રાજ્યમાં જીત - રાજકીય ઓક્સિજન સમાન હશે. બે રાજ્યોમાં જીત પુનર્જીવનનો સંકેત. અને એક પણ રાજ્યમાં વિજય નહીં મળે તો ગંભીર સંકટ...
આસામ-કેરળમાં કોંગ્રેસની સીધી લડાઇ
આસામ-કેરળમાં કોંગ્રેસની સીધી લડાઈ છે. બંને સ્થળે સત્તાવિરોધી માહોલ (એન્ટી-ઈન્કમ્બન્સી)ની સંભાવના છે. પરંતુ સંભાવનાઓ હંમેશા પરિણામ નથી બનતી. સંગઠન, રણનીતિ અને સ્થાનિક નેતૃત્વ નિર્ણાયક બનશે. બીજી તરફ, ભાજપ માટે આસામની સત્તા બચાવવી જરૂરી છે. બંગાળ જીતવું -પ્રતીકાત્મક અને રાજકીય બંને દૃષ્ટિએ મોટું લક્ષ્ય છે. મમતા બેનર્જી સામેની લડાઈ સરળ નથી. ત્રણ કાર્યકાળની એન્ટી-ઇન્કમ્બન્સી ચોક્કસ છે. પરંતુ તેમનો જનાધાર મજબૂત છે.
પશ્ચિમ બંગાળઃ સમીકરણ જટિલ
બંગાળનું સમીકરણ જટિલ છે. મુસ્લિમ મત-નિર્ણાયક ભૂમિકામાં છે. વિપક્ષ વહેંચાયેલો છે. ડાબેરીઓ અને કોંગ્રેસનો જનાધાર મર્યાદિત છે. રણનીતિ અસ્પષ્ટ છે. આવા સંજોગોમાં ભાજપને તક દેખાય છે, પરંતુ જીતનો રસ્તો હજુ પણ કઠિન છે. ભાજપ આક્રમક છે, પણ મમતાની કોર વોટબેંક હજુ પણ નક્કર છે. મુકાબલો સીધો નથી, પરંતુ દરેક બેઠક પર ટક્કર તીવ્ર છે.
આસામઃ ચિત્ર અલગ
આસામમાં ચિત્ર અલગ છે. ભાજપ સંગઠન અને નેતૃત્વ બંનેમાં મજબૂત છે. મુખ્યમંત્રીની આક્રમક શૈલી ફાયદાકારક છે. મુસ્લિમ મતોનું વિભાજન પરિણામ નક્કી કરી શકે છે. AIUDF (ઓલ ઇંડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફંડ)ની ભૂમિકા અહીં નિર્ણાયક છે. AIUDFની પકડ જેટલી મજબૂત, ભાજપ માટે એટલી જ સરળતા. કોંગ્રેસ માટે આ ગણિત નિર્ણાયક કસોટી છે.
કેરળઃ સત્તા પરિવર્તનની પરંપરા
કેરળમાં સત્તા પરિવર્તનની પરંપરા દાવ પર છે. કોંગ્રેસ માટે આ ‘અત્યારે નહીં તો ક્યારેય નહીં’ની ઘડી છે. લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રદર્શન મજબૂત રહ્યું. કોંગ્રેસની આ લીડ સંકેત આપે છે, પરંતુ ડાબેરી મોરચાની જમીની પકડ કાયમ છે. અહીં જીત માત્ર લહેરથી નહીં, બૂથ મેનેજમેન્ટથી નક્કી થશે. અને આમાં ભાજપની પકડ છે. રાજકીય પક્ષો માટે શીખ સ્પષ્ટ છે.
તામિલનાડુઃ ગઠબંધનની રાજનીતિ
તામિલનાડુમાં ચૂંટણી મુકાબલો પ્રમાણમાં શાંત પરંતુ રસપ્રદ છે. ડીએમકે આગળ તો દેખાઈ રહી છે, પરંતુ એન્ટી-ઇન્કમ્બન્સીની પાતળી રેખા હાજર છે. ગઠબંધનની રાજનીતિ અહીં હંમેશા ચોંકાવે છે. એઆઈએડીએમકે ગઠબંધન સંપૂર્ણ નબળું નથી. અહીં સમીકરણો છેલ્લી ઘડી સુધી બદલાઈ શકે છે.
પુડુચેરીઃ કોંગ્રેસ માટે પડકાર
પુડુચેરી નાનું જરૂર છે, પરંતુ મોટો સંકેત આપે છે. અહીં ગઠબંધનની રાજનીતિ નિર્ણાયક છે. ભાજપ માટે દક્ષિણ ભારતમાં પકડ મજબૂત કરવાની તક છે. કોંગ્રેસ માટે ગુમાવેલો જનાધાર પાછો મેળવવાનો પડકાર છે. દરેક બેઠકની અસર મનોવૈજ્ઞાનિક રીતે વ્યાપક છે.
માત્ર રાજકીય પક્ષો માટે જ નહીં, મતદાતાઓ પણ આ ચૂંટણી એક તક છે. મતદાતાઓ માટે પણ આ એક તક છે. લાગણીઓથી ઉપર ઊઠીને નિર્ણય લો. પ્રદર્શનને પ્રાથમિકતા આપો. વાયદાઓને નહીં, કામને મૂલવો. અંતે, આ ચૂંટણીઓ માત્ર સરકારો નક્કી નહીં કરે. તે નક્કી કરશે - રાજનીતિની દિશા શું હશે. અને નેતૃત્વની વિશ્વસનીયતા કેટલી બચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter