પાકિસ્તાનમાં ચૂંટણી જંગઃ વડા પ્રધાન પદની રેસમાં ઇમરાન મોખરે

Wednesday 25th July 2018 06:59 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં નવી સરકારની રચનાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પાકિસ્તાની પ્રજાજનો બુધવાર - ૨૫ જુલાઇએ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને તેમના પ્રતિનિધિઓને ચૂંટશે. કેન્દ્રીય ચૂંટણી પંચે ૩૪૨ બેઠકો માટે ૩૭૬૫ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરી છે. આમાં ૧૭૧ મહિલા ઉમેદવારો ઉપરાંત કટ્ટરવાદી સંગઠનો સાથે સંકળાયેલા ૪૬૦ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.
આ વખતે મતદારો કેન્દ્ર સરકાર અને ૪ રાજ્યોની સરકાર માટે ચૂંટણીમાં મતદાન કરશે. કેન્દ્રમાં સરકાર માટે નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય વિધાનસભા માટે ચૂંટણી યોજાશે.
પાકિસ્તાનની કુલ વસતી ૨૦ કરોડથી વધુ છે અને વસતીની દૃષ્ટિએ તે વિશ્વનો છઠ્ઠો મોટો દેશ છે. ભ્રષ્ટાચારના મામલામાં નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ જેલમાં ગયા પછી ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. ચૂંટણીનાં પરિણામો જે કંઈ હોય પણ ભારત સહિત આખી દુનિયાની નજર તેના પર છે.

પીટીઆઇ રેસમાં આગળ 

પાકિસ્તાનમાં યોજાઈ રહેલી સમાન્ય ચૂંટણીમાં ઇમરાન ખાન વડા પ્રધાન બની શકે તેમ હોવાનું તારણ ‘ડોન’ ન્યૂઝપેપરના સર્વેમાં નીકળ્યું છે. સર્વેના તારણ અનુસાર પાકિસ્તાનમાં ઇમરાન ખાનના નેતૃત્વ હેઠળની પાક તહરિક-એ-ઇન્સાફ (પીટીઆઇ) સરકાર રચશે તેવા ઉજળા સંજોગો છે. આ સર્વેમાં આવરી લેવાયેલા મતદાતાઓમાં મોટાભાગના યુવાનો હતા, જેમની વય ૧૮થી ૪૪ વર્ષની હતી. આ તમામ ઇમરાન ખાનના સમર્થક મનાય છે. આ ચૂંટણી જંગમાં મુખ્યત્વે ત્રણ મોટા ચહેરાઓ – શાહબાઝ શરીફ, ઇમરાન ખાન અને બિલાવલ ભુટ્ટો વચ્ચે સીધો જંગ છે. નવાઝ શરીફના ભાઈ શાહબાઝ એટલા જોરદાર નેતા નથી. જ્યારે બિલાવલ ભુટ્ટોને ખાસ રાજકીય અનુભવ નથી. આ સંજોગોમાં ઇમરાન ખાનનું પલ્લું ભારે ગણાય છે.

કમનસીબ નવાઝ શરીફ

પાકિસ્તાનના ઇતિહાસમાં આજ સુધી કોઈ વડા પ્રધાન તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. પાકિસ્તાનમાં છેલ્લી સામાન્ય ચૂંટણી ૨૦૧૩માં યોજાઈ હતી. તે વખતે ૧૪મી નેશનલ એસેમ્બલી માટે નવાઝ શરીફનો પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભર્યો હતો. તેમના પક્ષની સરકારે પાંચ વર્ષનો કાર્યકાળ તો પૂરો કર્યો છે, પરંતુ ભ્રષ્ટાચારના આરોપસર હાલ જેલમાં રહેલા નવાઝ શરીફ ‘ઇતિહાસ જાળવ્યો’ છે. તે સતત પાંચ વર્ષ વડા પ્રધાન પદ જાળવી શક્યા નથી. ત્રણ-ત્રણ વખત વડા પ્રધાન પદ બનેલા શરીફ હાલમાં પુત્રી મરિયમ સાથે જેલમાં છે.

પ્રચારમાં ભારત મુદ્દો

પાકિસ્તાનમાં જ્યારે જ્યારે રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જાય છે ત્યારે ત્યારે નેતાઓ રાજકીય સ્વાર્થ સાધવા ભારતના નામનો દુરુપયોગ કરતા રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં ઇમરાન ખાને ભારતને નિશાન બનાવ્યું છે. ક્રિકેટમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાને ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદીની મિત્રતા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વિટ કરી કે એ જાણીને આશ્ચર્ય થાય છે કે જ્યારે પણ નવાઝ શરીફ તકલીફમાં હોય છે ત્યારે પાકિસ્તાન સરહદ પર તણાવ વધી જાય છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ વધી જાય છે. શું આ માત્ર સંયોગ છે? ઇમરાને આક્ષેપ કર્યો હતો કે શરીફ તેના ભારત સાથેના સંબંધોનો ઉપયોગ કરીને સરહદે તંગદિલી વધારવાનું કામ કરે છે, જેથી લોકો ઉશ્કેરાટ વધે અને તેમની તરફેણમાં લોકજુવાળનું મોજું સર્જાય. ઇમરાનના પક્ષ પીટીઆઇએ તો નવાઝ શરીફના જેલ જવાના મુદ્દાને પણ મોદી સાથે જોડી દીધો છે.

પ્રચારમાં બચ્ચન - માધુરી!

પાકિસ્તાનમાં ઉમેદવારો ચૂંટણી જીતવા માટે મતદારોને આકર્ષવા તમામ નુસ્ખા અજમાવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં કરાચીમાં એક ઉમેદવાર પ્રચારના ભાગરૂપે કચરાના ઢગલા પર બેસીને જમ્યા હતા. તો બીજા એક ઉમેદવાર લાહોરના માર્ગો પર સાચુકલો સિંહ લઇને ફર્યા હતા. આ જ રીતે કેટલાક ઉમેદવારોએ મતદારોને આકર્ષવા બોલિવૂડનો ઉપયોગ કર્યો છે. તહરિક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રચાર પોસ્ટર્સમાં ઉમેદવારની આસપાસ અમિતાભ બચ્ચન અને માધુરી દીક્ષિતના ફોટો છે. આ ઉપરાંત પક્ષોએ પ્રચાર માટે જાણીતા ડીજેની સેવા લઇને થીમ સોંગ બનાવ્યાં હતા, જેમાંના કેટલાક હિન્દી ફિલ્મી ગીતો આધારિત હતા. ખાસ વાત એ હતી કે આ રેલીઓમાં ભારતીય ગીતો પણ સાંભળવા મળતા હતા. જેમ કે 'મેરે રશ્ક-એ-કમર', 'સાડી ગલી ભૂલ કે ભી આયા કરો...' પર પાકિસ્તાનીઓ મન ભરીને ઝૂમ્યા હતા.

કટ્ટરવાદીઓનું પ્રભુત્વ

આ વખતે ચૂંટણીમાં ધાર્મિક રાજકીય પક્ષોએ મહત્તમ સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આમાં ગયા મહિના સુધી જેમના પર પ્રતિબંધ હતો તેવા કટ્ટરપંથી ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. ચાર કટ્ટરપંથી પક્ષો તો એવા છે કે જેના તાર સીધા ત્રાસવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે.
સાત પ્રતિબંધિત ત્રાસવાદીઓ મહમદ અહમદ લુધિયાનવી, ઔરંગઝેબ ફારુકી, ખાદિમ હુસેન રિઝવી, સૈફુલ્લાહ ખાલિદ, મહમદ શેખ યાકૂબ, હાફિઝ સઈદ, મૌલાના ફલઝુર રહમાન અને શફીક મેંગલ પણ ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણીની એબીસીડી

• પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે નેશનલ એસેમ્બલીની ચૂંટણી થાય છે. જેમાં કુલ ૩૪૨ બેઠકો છે. નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ પાંચ વર્ષનો છે. ૪ રાજ્યો - પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાન છે. ફાટા અને ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરી છે.
• પંજાબમાં નેશનલ એસેમ્બ્લીની કુલ ૧૪૧ બેઠકો છે. આમાંથી સિંધમાં ૬૧ બેઠકો છે. ખૈબર પખ્તુનવામાં ૩૯ અને બલુચિસ્તાનમાં ૧૬ બેઠકો છે. ફાટામાં નેશનલ એસેમ્બલીની ૧૨ અને ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરીમાં ૩ બેઠકો છે.
• નેશનલ એસેમ્બલીની ૩૪૨ બેઠકોમાંથી ૨૭૨ માટે બહુદળીય વ્યવસ્થા હેઠળ સીધી ચૂંટણી યોજાય છે. નેશનલ એસેમ્બલીમાં ૬૦ બેઠકો મહિલઓ અને ૧૦ બેઠકો ધાર્મિક અલ્પસંખ્યકો માટે અનામત છે. નેશનલ એસેમ્બલીની સાથે ૨૫ જુલાઈએ ૪ પ્રાંતો માટે પણ મતદાન યોજાવાનું છે.
• ૨૦૧૭માં પાકિસ્તાનની વસતી ગણતરી થઈ હતી તે પછી મતદાન કેન્દ્રોનું નવું સીમાંકન કરવામાં આવ્યું છે. આમ દેશમાં નવા ૧૫ મતવિસ્તારોનો વધારો થયો છે.
• પાકિસ્તાનમાં સૌથી મોટું રાજ્ય પંજાબ છે. સીમાંકન પછી અહીં નેશનલ એસેમ્બલીની બેઠકો ૧૪૮ ઘટીને ૧૪૧ થઈ ગઈ છે. જ્યારે સિંધમાં નેશનલ એસેમ્બલીની બેઠકો ૬૧ જ રહી છે. જ્યારે ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરીમાં હવે કુલ ૩ બેઠક થઈ છે. ખૈબર પખ્તુનવામાં ૪ બેઠક અને બલૂચિસ્તાનમાં ૨ બેઠક વધી છે.
• સેનેટની ૧૦૪ બેઠકમાંથી ૫૬ બેઠક સામાન્ય છે. અન્ય બેઠકો ઉલેમાઓ, મહિલાઓ, લઘુમતી વર્ગ, ફેડરલ કેપિટલ વગેરે માટે અનામત છે.
ઉમેદવાર એક, બેઠક ચાર - પાંચ કે તેથીય વધુ
• પાકિસ્તાનની ચૂંટણીમાં અનેક મુખ્ય નેતાઓ એકથી વધુ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. રિપોર્ટમાં જોઈએ તો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના અધ્યક્ષ શાહબાઝ શરીફ ૩ પ્રાંતના ૪ મતવિસ્તારોથી ચૂંટણીનાં મેદાનમાં છે. આ બેઠકોમાં એનએ-૧૩૨ (લાહોર), એનએ-૧૯૨ (ડેરા ગાઝીખાન), એનએ-૨૪૯ (કરાંચી) અને એનએ-૩ (સ્વાત)નો સમાવેશ થાય છે.
• પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાન એનએ-૯૫ (મિયાંવાલી) અન ખૈબર પખ્તુનવા પ્રાંતના એનએ-૩૫ બન્નુ મતવિસ્તારની સાથે પાંચ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
•પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી મલકંદ, લાહોર અને મૂળ લારકાનાની ૩ બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.
• આસિફ અલી ઝરદારી એનએ-૨૧૩ (શહીદ બેનઝીરાબાદ)થી ચૂંટણી લડી રહ્યા છે. જમિયત-એ-ઉલેમાએ ઇસ્લામના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાન એનએ-૩૮ અને એનએ-૩૯ (ઇસ્લાઇલ ખાન)થી ચૂંટણી લડી રહ્યા છે.
• પૂર્વ ગૃહપ્રધાન ચૌધરી નિસાર અલી ખાન એનએ-૫૯ અને એનએ-૬૩ (રાવલપિંડી) એમ બે-બે બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં તેમનું નસીબ અજમાવી રહ્યા છે.
• જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ સિરાઝુલ હક એનએ-૭ (લોઅર દિર) અને એનએ-૨૩ (ચર્સદા)થી ચૂંટણી લડી રહ્યા છે.
• પૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની મુલતાનની એનએ-૧૫૮ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે.
• ગિલાનીના પુત્ર અલી મૂસા અને અલી કાદીર બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ત્રણ મુખ્ય પક્ષો વચ્ચે મુકાબલો
• પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝ (પીએમએલ-એન)ઃ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ દ્વારા ૨૦૧૩માં ચૂંટણી પછી ઇતિહાસ રચવામાં આવ્યો હતો અને પહેલી વાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. હાલ નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફનાં નેતૃત્વમાં પક્ષ ચૂંટણી લડી રહી છે.
• પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ઃ પક્ષના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારી પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર છે. પક્ષે દેશમાં અનેક વાર શાસનધૂરા સંભાળી છે અને છેલ્લાં પાંચ વર્ષમાં પાકિસ્તાનને સ્થાયી વિપક્ષ આપ્યો છે.
• પાક તહરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ઃ ક્રિકેટથી રાજકારણમાં આવેલા ઇમરાન ખાનનો આ પક્ષ દેશમાં ઘણો લોકપ્રિય છે પણ છેલ્લી ચૂંટણીમાં પક્ષ વોટ મેળવવવામાં સફળ થઈ ન હતો. આ વખતે આ પક્ષ સરવેમાં આગળ ચાલી રહ્યો છે. જોકે નવાઝ શરીફની ધરપકડ પછી રાજકીય પંડિતોના અનુમાન બદલાઈ રહ્યાં છે.

૨૦૧૮ની ચૂંટણીઃ આંકડાની નજરે

• કુલ રાજકીય પક્ષોઃ ૧૦૭ • સક્રિય પક્ષોઃ ૩૦ • કુલ ઉમેદવારોઃ ૩૭૬૫ • મતદાન કેન્દ્રોઃ ૮૫,૦૦૦ • કુલ મતદારોઃ ૧૦,૫૯,૫૫, ૪૦૭ • અંદાજિત ખર્ચઃ રૂ. ૧૭૦૦ કરોડ • ૨૦૧૩માં મતદાનઃ ૫૫ ટકા

પાકિસ્તાનનું વસ્તી ગણિત

પાકિસ્તાનની વસ્તીને ટકાવારીની દૃષ્ટિએ મૂલવીએ તો... 

• મુસ્લિમો ૯૬.૨૮ ટકા
• ખ્રિસ્તી ૧.૫૯ ટકા
• હિન્દુઓ ૧.૦૬ ટકા અને
• અન્ય સમુદાયના ૦.૫૮ ટકા લોકો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter