પિતાની ‘વજ્રાદપિ કઠોરાણિ, મૃદુનિ કુસુમાદપિ’ ઓળખનો પિતૃવંદના કાર્યક્રમ

અચ્યુત સંઘવી Wednesday 30th June 2021 07:02 EDT
 
 

વર્તમાન યુગમાં પિતા અને પિતૃત્વની વ્યાખ્યા ઘણી બદલાઈ ગઈ છે. પિતા હવે પરિવારના મોભી હોવાની સાથોસાથ બાળકોના મિત્ર તરીકેની પ્રભાવક ભૂમિકા પણ ભજવી રહ્યા છે. માતા થકી બાળકનો પિંડ બંધાય છે, તેનો વિકાસ થાય છે અને પિતા આ પિંડને વાણી, વર્તન, જવાબદારી તથા બૌદ્ધિક અને સામાજિક વિકાસ સાથે વિશ્વનો સામનો કરવા પગભર થવાનું શીખવે છે. વિશ્વભરમાં જૂન મહિનાના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારતના ૮મી શતાબ્દીના નાટ્ય અને કાવ્ય જેવા સંસ્કૃત સાહિત્યના વિદ્વાન મહાકવિ ભવભૂતિએ ‘ઉત્તરરામચરિત’ નાટકમાં પ્રયોજેલી ઉક્તિમાં પ્રભુ રામના હૃદયને માટે ‘વજ્રાદપિ કઠોરાણિ, મૃદુનિ કુસુમાદપિ’ એવું કહેવાયું છે. વજ્રથી પણ કઠોર હૃદય ધરાવતા અને પુષ્પથી પણ સુકોમળ હૃદય ધરાવતા પુરુષ અથવા પિતાના સંદર્ભમાં આ ઉક્તિ સંપૂર્ણપણે સત્ય છે. ABPL ગ્રૂપના બે સાપ્તાહિક અખબારો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા ૨૦ જૂન રવિવારે ફાર્ધર્સ ડે- પિતૃદિન નિમિત્તે ‘ઝૂમ’ થકી બપોરના ૩.૦૦ થી ૬.૦૦  (યુકે ટાઈમ) દરમિયાન વિશિષ્ટ ‘પિતૃવંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન માતા સરસ્વતીના પનોતા પુત્ર અને પ્રખ્યાત ઉદ્ઘોષક શ્રી તુષારભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

તુષારભાઈએ પોતાના પિતા કુમારભાઈ અને માતાને વંદન સાથે કાર્યક્રમનો સુચારુ આરંભ કરાવ્યો હતો. તેમણે ૨૧ જૂનના વિશ્વ સંગીતદિવસને પણ યાદ રાખી સંગીતના સૂરો સાથે સંકળાયેલા તમામ લોકોને ભાવપૂર્વક વંદન કર્યા હતા. તેમણે પિતા વિશે જણાવ્યું હતું કે જન્મ માટે જવાબદાર હોવા સાથે જે સંતાનની રક્ષા કરે છે તે પિતા છે. પિતા બાળકોને પરિશ્રમના સંસ્કારને ઉગાડવાનું મહત્ત્વ સમજાવે છે. શીળી છાયા આપનાર વૃક્ષથી માંડી સારાનરસાંનું જ્ઞાન આપી રક્ષા કરનાર સંસ્કૃતિ સહિત કોઈ પણ વ્યક્તિત્વ બહોળા અર્થમાં પિતા ગણાય. તેમણે પિતા માટે એક કવિની રચના જણાવી હતી કે ‘મેરા સાહસ, મેરી ઈજ્જત, મેરા સમ્માન હે પિતા, મેરી તાકત, મેરી પૂંજી, મેરી પહેચાન હે પિતા.’ તેમણે એમ પણ જણાવ્યું હતું કે સી.બી.ના પિતાશ્રીએ તેમને શિક્ષણક્ષેત્રે કામ કરવાની સલાહ આપી તેમાંથી જ ABPL ગ્રૂપના આ જ્ઞાનયજ્ઞનો આરંભ થયો છે.

પ્રસિદ્ધ ગાયિકા માયાબહેન દીપકે સૌપ્રથમ પુનિત મહારાજ રચિત ‘ ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ... અગણિત છે ઉપકાર એના, એહ કદી વિસરશો નહિ’ ગીત સાથે પિતૃવંદના કાર્યક્રમને સંગીતમય બનાવ્યો હતો. તેમણે હિન્દી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ના ગીતનું ‘યે તો સચ હૈ કી ભગવાન હે, હૈ મગર ફિર ભી અન્જાન હૈ, ધરતી પર રુપ માબાપ કા ઉસ વિધાતા કી પહેચાન હૈ’ની પણ ભાવવાહી રજૂઆત કરી હતી.

સામાન્ય રીતે આ તબક્કે ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર શ્રીમતી કોકિલાબહેન પટેલ પ્રાસંગિક પ્રવચન કરતાં હોય છે પરંતુ, અનિવાર્ય કારણોસર કોકિલાબહેન પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતાં. ABPL ગ્રૂપના આસિસ્ટન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ મેનેજર જ્યોતિબહેન ગુરનાનીએ પિતૃદિનની શુભકામના સાથે કોવિડ-૧૯થી જગતને અલવિદા કરી ગયેલા માતાપિતાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે સંતાનોના વિકાસમાં સાથ આપનારા વ્યક્તિત્વ તરીકે પિતાનું વર્ણન કર્યું હતું.

આ ઐતિહાસિક પિતૃવંદના કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા. લોર્ડ જિતેશ ગઢિયાના માતુશ્રી હંસાબહેન ગઢિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત, સર્વશ્રી કાન્તિભાઈ નાગડા, વિમલજી ઓડેદરા અને ધીરુભાઈ ગઢવી સહિત અનેક મહાનુભાવો કાર્યક્રમમાં જોડાયા હતા. 

અમેરિકાથી આ કાર્યક્રમમાં જોડાયેલા, ગુજરાત અને અમદાવાદના ગૌરવસમાન ડો. પ્રશાંત ભીમાણીએ શ્રી સી.બી પટેલને સારા અને અદ્ભૂત વ્યક્તિ તરીકે વર્ણવી તેમની પ્રશંસા કરી હતી. ડો. ભીમાણીએ જણાવ્યું હતું કે, ‘પિતૃવંદના શબ્દ મને ઘણો ગમ્યો છે. સામાન્યપણે પિતૃઓ નડતર કરતા હોવાનું મનાય છે પરંતુ, જે મનનો, જીવનનો સડો દૂર કરે તે પિતૃ છે. જીવનમાં જીવવા માટે શું કરવું અને શું ના કરવું જોઈએ તેની દિશા અને શીખ આપનાર પિતા છે. પિતા જે હિંમત આપે છે તે મોટી જણસ છે. મારા પિતા- ભારતમાં સંમોહનશાસ્ત્રના પ્રણેતા અને ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ પ્રોફેસર શ્રી હરિશ ભીમાણીએ મને એક મુશ્કેલ સમયમાં શીખ આપી હતી કે આપણે દુનિયાને બતાવી આપવાનું છે કે આપણે કોણ છીએ. તેમના એક વાક્યે મારી સારવાર કરી હતી. પિતા તમને હિંમત આપે તેનાથી આગળ કશું હોતું નથી. પિતા સંકટ સમયની સાંકળ છે’ ડો. ભીમાણીએ પિતાના સ્વરુપ વિશે સાઈકોલોજિકલ સમજ આપી હતી. તેમણે પેરન્ટ્સ કે પિતાની સાથે સાચું કોમ્યુનિકેટ કરીએ છીએ કે કેમ તેવો પ્રશ્ન કર્યો હતો. આજે માતાપિતાને ભેટી લો, તેમની સાથે વાતો કરો, હૈયું હળવું કરો તેવી સલાહ પણ લોકોને આપી હતી. ભારતીય સંસ્કૃતિમાં માતા અને પિતાને પરમેશ્વરનું સ્વરુપ કહ્યું છે જેઓ, તમને બધું જ આપે છે. તેમણે સામેની વ્યક્તિનો તેના ગુણદોષ સાથેનો સ્વીકાર એ જ પ્રેમ છે તેમ જણાવી લોકોને સંવાદ અને સ્વીકાર કરવાનું પણ જણાવ્યું હતું.

પિતૃવંદનાના સૂરમાં ૧૯૮૭માં યુકેમાં સ્થાયી થયેલા અને ભારતીય વિદ્યા ભવનમાં સંગીતની તાલીમ લીધાં પછી સંગીતયાત્રાને આગળ ધપાવનારા સુશ્રી મીનાબહેન ત્રિવેદીએ ‘એક થા બચપન, એક થા બચપન, છોટા સા, નન્હા સા બચપન’ ગાઈને બાળપણનું સ્મરણ કરાવી દીધું હતું. તેમણે ગુજરાતી ગીત ‘દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ છે’ ની સુંદર રજૂઆત કરી હતી. મીનાબહેને મધૂરા સ્વરે ઘરમાં દીકરીના આગમન સમયની ‘મેરે ઘર આઈ, મરે ઘર આઈ એક નન્હી પરી, સોને કી એક હસીન રથ પે સવાર’ તેમજ દીકરીના લગ્નપ્રસંગે તેની વિદાયના ગીત ‘મૂડ કે ન દેખો દિલબરો, દિલબરો’ અને ‘હર બાત કો ભૂલ જાઓ, મા-બાપ કો મત ભૂલના’ ની ભાવવાહી અને હૃદયસ્પર્શી રજૂઆત કરીને સુંદર દાદ મેળવી હતી. આફ્રિકામાં સંગીતજ્ઞ પરિવારમાં જન્મેલાં અને પિતા પાસેથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન મેળવનારા વંદનાબહેન સોમૈયાએ આલાપસભર ‘તોરા મન દર્પન કહેલાએ’ તેમજ ‘ડમરુવાલે શિવ ...નમો નમો અને ‘તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો, તુમ્હી હો બંધુ, સખા તુમ્હી હો’ ભજન- ગીતથી દર્શકોને રસતરબોળ કરી દીધાં હતાં.

ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર રુચિબહેન ઘનશ્યામે વિશ્વના તમામ પિતાઓને ફાધર્સ ડેની શુભકામના વ્યક્ત કરી હતી. તેમણે પિતા વિશે જણાવ્યું હતું કે,‘ પિતા વિશાળ વૃક્ષસમાન છે જેમની છાયામાં સંતાનો સુરક્ષા અનુભવે છે, તેમની પાસેથી આપણે શીખીએ છીએ. સંતાનોના જીવનમાં પિતાની ભૂમિકા અતિ મહત્ત્વની છે. તેઓ રોલ મોડેલ બની રહે છે, તેઓ મૂલ્યો થકી જીવનને ઘડે છે. મારાં જીવનમાં મારા પિતાની ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.’ તેમણે પોતાના પિતા વિશે વાત કરી હતી કે ‘મારાં જીવનમાં પિતા હોવાથી મને અભ્યાસનો સારો સમય મળી રહેતો હતો જે, મારી એક મિત્રને મળ્યો ન હતો. ભારતમાં બાળકીઓને ઘરકામ, રસોઈ વગેરે માટે માતા દ્વારા વધુ ધ્યાન અપાય છે પરંતુ, તેમને યોગ્ય શિક્ષણ –અભ્યાસ મળી રહે તેનું ઉત્તેજન પિતા થકી વધુ મળે છે જેથી તેઓ યોગ્ય દિશામાં આગળ વધી શકે.’ પિતા પોતાના અનુભવોનું ભાથું બાળકોને આપે છે જેથી તેમને જીવનમાં યોગ્ય દિશા પ્રાપ્ત થાય છે. રુચિબહેને પિતા સાથે ગાળેલા સમયના સંસ્મરણોને પણ વાગોળ્યાં હતાં.

યુકેના ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર શ્રીમતી જ્યોત્સનાબહેન શાહના સુપુત્ર અને KKR ના મેનેજિંગ ડાયરેક્ટર અને ભારત માટેના કાનૂની અને કોમ્પ્લાયન્સ વિભાગના વડા જિગર ડી.આર. શાહે તેમના પિતા દિનેશભાઈ શાહ તેમને ‘ગરમ તપેલી’ કહેતા હતા તેનું ભાવપૂર્વક સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે ‘મારા પિતા મારા માટે વિશિષ્ટ હતા. તેમણે યુવાન વયથી જ સમગ્ર પરિવારની ગાર્ડિયનની જવાબદારી ઉઠાવી હતી. અમે થોડા સમય પહેલા જ તેમને ગુમાવ્યા છે. તેમના જીવન, સજ્જનતા, પરોપકારી  સ્વભાવ વિશે જેટલું કહીએ, લખીએ તે ઓછું લાગશે. ટુંકમાં કહીએ તો તેઓ અજબના માણસ હતા, ગજબના માણસ હતા, એ કર્મ, મન અને ધર્મના માણસ હતા, માણસાઈના માણસ હતા. તેઓ કોના ન હતા, તેઓ સહુના હતા પણ બધાથી અલગ હતા. મારા પિતા સમર્પણ અને નિષ્ઠાનો સ્રોત હતા.’

મુંબઈસ્થિત ઉમંગ પબ્લિકેશનના ચંદ્રકાન્તભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, ‘વિદેશી સંસ્કૃતિમાં માતા અને પિતાને યાદ કરવા એક-એક દિવસ રખાય છે પરંતુ. ભારતીય સંસ્કૃતિમાં માતાપિતા-પિતૃઓની યાદ માટે શ્રાદ્ધપક્ષના ૧૫ દિવસ આપ્યા છે. નાના હોઈએ ત્યારે પિતાના કાયદા આપણી સમજમાં નથી આવતા, પિતાના આદર્શો સાથે આપણે સહમત પણ હોતા નથી. મોટા થયા કે પિતા બન્યા પછી તેમની વાતો સમજાય છે. પુત્રી સાથે પિતાનો અનેરો સંબંધ હોય છે. પુત્રી પિતાને ધમકાવી શકે છે.’

અમારા વાચકમિત્રો હર્ષાબહેન પંડ્યા, સુરેશભાઈ પટેલ અને તરલાબહેન મોઢાએ પોતાના પ્રેમાળ પિતાના સુખદ સંભારણામાં બધાને સહભાગી બનાવ્યાં હતા. હર્ષાબહેને પિતૃદેવો ભવ સાથે પોતાના પિતાની યાદને વાચા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આદર્શ શિક્ષક એવા મારાં પિતા વિશે જેટલું કહીશ તે ઓછું જ રહેશે. દુનિયામાં જીવનમાં કેમ આગળ વધવું તે પિતાના માર્ગદર્શન, પ્રેરણા થકી જ શીખવા મળ્યું છે. પિતા વિના જીવનમાં અંધારુ છે.’ તરલાબહેન મોઢાએ પિતૃદિન નિમિત્તે પોતાના પિતાને હીરો-નાયકસમાન ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,‘ મારા પિતાએ મને મૂલ્યો શીખવાડ્યા છે. તમે મને સખત મહેનતનો અર્થ, સાચા અને ખોટા વચ્ચેનો તફાવત અને બીજાને માફ કરવાનું શીખવ્યું છે. તમે મને કદી હાર માનતા શીખવ્યું નથી.’ શ્રી સુરેશભાઈ પટેલે ટાન્ઝાનિયાના દારેસલામમાં રહેતા પોતાના પિતાસમાન વ્યક્તિત્વ સ્ટીવન ઈમાન્યુલને યાદ કર્યા હતા. તેમની સાથે પરિવાર જેવો જ સંબંધ હતો તેમ કહી પિતા અને મિ. સ્ટીવનના સંબંધો વિશે જણાવ્યું હતું.

લોકોની સમસ્યાને વાચા આપનારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી શ્રી સી.બી. પટેલે સહુને નમન કરતા જણાવ્યું હતું કે ‘આજે પિતૃવંદનાનો સાક્ષાત્કાર કર્યો છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મા ગંગાના પ્રવાહમાં આપણે સહુ જોડાયા, તણાયા અને તરી પણ ગયા છીએ. જીવનમાં ત્રણ પળ પણ સુખ-શાંતિ મળે તે ઈશ્વરની પરમકૃપા છે. પિતા હોય કે માતા હોય અથવા માતા કે પિતાસમાન વ્યક્તિઓ હોય, તેમને સંબંધિત કાર્યક્રમોમાં હું નિમિત્તમાત્ર છું. મારા સાથીઓની મહેનત રંગ લાવે છે.’

તેમણે કહ્યું હતું કે, ‘સમગ્ર પિતૃવંદના કાર્યક્રમના આયોજન ઉપરાંત, કલાકારો અને ભજનો-ગીતોની  પસંદગી કોકિલાબહેન પટેલે ચીવટપૂર્વક કરી હતી. કોકિલાબહેનના મજબૂત સાથ-સથવારા વિના અમારો પ્રવાહ આટલો સુખદાયી નીવડ્યો નહિ હોય. અમે આપના આભારી છીએ. આપણે કોણ છીએ તે આપણે ઓળખવાનું છે તેવી પ્રશાંતભાઈ ભીમાણીએ કહેલી વાત ખરેખર સાચી છે. જીવનમાં સંવેદનશીલતા આવશ્યક છે. બધાના ગુણદોષ છે. તેને સ્વીકારી લઈએ. મારા માટે મોક્ષનો માર્ગ મીડિયા દ્વારા સેવા છે. દરેક પદાર્થના પોતાના ગુણધર્મો હોય છે. આપણું આગવું જીવન છે. આપણે જીવનની ફરિયાદ કરવાની જરુર નથી કે કકળાટ છે કે દુઃખ છે. આપણે પોતાનામાં જ શ્રદ્ધા રાખીએ. નાના –મોટા, જાણીતા-અજાણ્યા લોકો આ ત્રણ કલાકના કાર્યક્રમમાં સામેલ થયા તે માટે હું આપ સહુનો આભારી છું.’

કાર્યક્રમના સમાપને તુષારભાઈએ સહુનો આભાર માન્યો હતો. ઝૂમ થકી પિતૃવંદનામાં ૨૦૦ જેટલા લોકો જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter