પીએનબી કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદી લંડનમાં જલ્સા કરે છે

Wednesday 13th March 2019 02:12 EDT
 
 

લંડનઃ ભારતમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં બહાર આવેલા ૧૩,૭૦૦ કરોડ રૂપિયા (અંદાજે ૧.૫ બિલિયન પાઉન્ડ)ના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં અતિ વૈભવી સેન્ટર પોઈન્ટ ટાવર બ્લોકના એપાર્ટમેન્ટમાં ત્રણ બેડરુમ વાળા ફ્લેટમાં રહેતો હોવાના અહેવાલથી સનસનાટી ફેલાઈ છે. તેણે પોતાનો વેશ બદલી લીધો છે અને સફાચટ ચહેરાના બદલે હવે તેણે મૂંછો ઉગાડી છે. ધ ટેલિગ્રાફના એક પત્રકારે વેશ બદલીને લંડનના રસ્તાઓ પર ૧૦ હજાર પાઉન્ડ (આશરે દસ લાખ રૂપિયા)નું જેકેટ પહેરીને ફરી રહેલા નીરવ મોદીને શોધી કાઢતા આ વિષય ચર્ચાસ્પદ બન્યો હતો. ધ ટેલીગ્રાફે નિરવ મોદીનો એક વીડિયો પણ જારી કર્યો હતો. હોમ સેક્રેટરી સાજિદ જાવિદે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારતની વિનંતીને સ્વીકારી લીધી છે. ભારત પીએનબી કૌભાંડ અંગે તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચલાવવા દેશમાં પરત લાવવા માગે છે.

પાંચ સવાલનો એક જ જવાબઃ ‘નો કોમેન્ટ’

ધ ટેલિગ્રાફ અખબારના પત્રકાર મિક બ્રાઉને નીરવ મોદીને શું તમે ભારતને નાણા પરત કરવા માગો છો?, શું તમે બ્રિટનની નાગરિક્તા મેળવવા અરજી કરી છે, તમે અહીં રહેવા માગો છો? શું તમે બ્રિટનમાં જ કોઇ નવો બિઝનેસ શરૂ કર્યો છે, શું તમારા પર લગાવેલા આરોપો સાચા છે? સહિત અનેક પ્રશ્નો કર્યા હતા. પરંતુ, રીઢા ગુનેગારની માફક જ હસતા હસતા ‘નો કોમેન્ટ’, ‘નો કોમેન્ટ’ કરીને જતો રહ્યો હતો. મીડિયા અહેવાલો મુજબ ૭૩ કરોડના એપાર્ટમેન્ટમાં રહેતો નીરવ મોદી દર મહિને એપાર્ટમેન્ટનું ૧૭ હજાર પાઉન્ડ (અંદાજે ૧૫.૫ લાખ રૂપિયા) ભાડું ચૂકવે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય સત્તાવાળાએ નીરવના ખાતાં સ્થગિત કરી દીધા છે પરંતુ, લંડનમાં નીરવને નેશનલ ઈન્સ્યોરન્સ નંબર પણ અપાયો હોવાથી તે અહીં કાયદેસર બિઝનેસ કરવાની સાથોસાથ ઓનલાઇન વ્યવહારથી બ્રિટિશ બેન્કના એકાઉન્ટનો પણ સરળતાથી ઉપયોગ કરી શકે છે. તેની ધરપકડ માટે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવા છતાં નીરવ લંડનમાં નવા નામે ડાયમંડનો ધમધોકાર બિઝનેસ કરી રહ્યો હોવાના પણ અહેવાલો છે.

કોર્ટે સુરક્ષાના કારણોની દલીલ ફગાવી

ફેબ્રુઆરી ૨૦૧૮માં પીએનબી કૌભાંડનો ઘટસ્ફોટ થયા અગાઉ જ નીરવ મોદી ભાગી ગયો હતો. નીરવ અને તેના મામા મેહુલ ચોક્સીએ નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા બેન્કો પાસેથી રકમો મેળવીને વિદેશમાં ટ્રાન્સફર કરી હતી. સરકાર બંનેના પ્રત્યાર્પણ માટે પ્રયત્ન કરી રહી છે. મેહુલ ચોક્સીએ એન્ટીગુઆની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે.

પીએનબી કૌભાંડ કેસમાં ઈડી મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ કોર્ટમાં નીરવ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ઈડીની માગણી નીરવને આર્થિક ભાગેડુ અપરાધી કાયદા-૨૦૧૮ અંર્તગત ભાગેડુ જાહેર કરવાની છે. ઈડીની અરજીના આધારે સ્પેશિયલ કોર્ટે નીરવ પાસે જવાબ માગ્યો હતો. ડિસેમ્બરમાં નીરવના વકીલે સ્પેશિયલ કોર્ટમાં સુરક્ષાની દલીલ કરતા કહ્યું હતું કે, નીરવના ભારત પરત આવવાથી મોબ લિન્ચિંગનું જોખમ રહેલું તેને પરત લાવવો મુશ્કેલ છે. જોકે કોર્ટે આ દલીલ ફગાવતાં કહ્યું હતું કે, જો તેને કોઈ જોખમ હોય તો તેણે પોલીસ સુરક્ષા માંગવી જોઈએ.

નીરવ મોદીના પ્રત્યાર્પણની કાર્યવાહી

નીરવ મોદી લંડનમાં હોવાનું જાણવા મળતા હવે ભારત સરકાર અને એજન્સીઓ સક્રીય થઇ ગઇ હોવાના અહેવાલો છે. વિદેશ મંત્રાલયે બ્રિટન સરકારને નિરવ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા હાથ ધરવા માટે અરજી મોકલી દીધી છે અને બ્રિટન સરકારે પણ કાયદાને ધ્યાનમાં રાખીને જે પણ શક્ય હોય તે પગલા ભરવાની ખાતરી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું હતું કે નીરવ મોદી લંડનમાં જોવા મળ્યા છે તેને રાતોરાત ભારત લાવી શકાય નહિ, તેના પ્રત્યાર્પણની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને ગયા વર્ષે જ નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે અપીલ મોકલી દેવાઈ હતી. સરકારે ઇડી અને સીબીઆઇ બન્નેની વિનંતી બાદ બ્રિટન સરકારને પ્રત્યાર્પણ માટે અપીલ મોકલી હતી.

સીબીઆઇએ નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે જે પણ મદદ પુરાવાની જરુર પડે તે તમામ બાબતો બ્રિટનની સરકારને પુરી પાડવાનો દાવો કર્યો છે. બ્રિટનની હોમ ઓફિસે પણ પ્રત્યાર્પણની અપીલને સર્ટિફાઇ કરી દીધી હોવાથી હવે આ મામલો બ્રિટનની કોર્ટમાં ચાલી શકે છે. એમ મનાય છે કે જે વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં વિજય માલ્યાનો કેસ ચાલ્યો હતો ત્યાં હવે નીરવ મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

વારંવાર ઠેકાણાં બદલતો કૌભાંડી નીરવ

સરકારી એજન્સીઓએ ૯,૦૦૦ કરોડ રૂપિયાના લોનકૌભાંડના આરોપી લિકર કિંગ વિજય માલ્યાને ભારત પરત લાવવા જે પ્રકારના પ્રયાસો કર્યાં છે તેવા વિશેષ પ્રયાસ નીરવ મોદીને સ્વદેશ લાવવા કરાયા નથી તે સ્પષ્ટ જણાઈ આવે છે. હજારો કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી નીરવ મોદી તપાસ એજન્સીઓની પકડથી બચવા બ્રિટનમાં વારંવાર પોતાનું ઠેકાણું બદલી રહ્યો છે. મોદીએ ઓછામાં ઓછા ત્રણ વાર તેની જગ્યા બદલી નાખી છે. તેણે તાજેતરમાં સેન્ટ્રલ બ્રિટનથી માન્ચેસ્ટર અને તે પછી લંડનમાં એક ફ્લેટમાં સ્થળાંતર કર્યું છે. પાસપોર્ટ રદ કરાયા બાબતે બ્રિટનને વારંવાર રીમાઇન્ડર્સ મોકલવા છતાં, નીરવ મોદીએ યુકેની બહાર ત્રણ વાર મુસાફરી કરી છે. તપાસની બાબત એ છે કે તે બ્રિટનમાંથી ત્રણ વખત કેવી રીતે બહાર ગયો છે. તેની મુસાફરીની તારીખો પણ બ્રિટિશ સત્તાવાળાને અપાઈ હતી. ભારતીય એજન્સીઓ મોદીની ઔપચારિક ધરપકડની રાહ જોઈ રહી છે. હકીકત તો એ છે કે નીરવ હોંગ કોંગ અને અમેરિકામાં પણ રહી આવ્યો છે.

બીજી તરફ, અન્ય રિપોર્ટ અનુસાર મોદીની ધરપકડ કરવા બ્રિટને ભારત પાસેથી અનેક વખત દસ્તાવેજો માગ્યા હતા પરંતુ, ભારત સરકાર તરફથી કોઇ જ ઉત્તર અપાયો ન હતો. બ્રિટિશ અધિકારીઓએ મદદ કરવા ભારત આવવાની તૈયારી પણ દર્શાવી હતી. એનડીટીવીના દાવા અનુસાર આ માહિતી લંડનની સીરિયસ ફ્રોડ ઓફિસ દ્વારા આપવામાં આવી હતી.

દેશવિદેશમાં પ્રોપર્ટી ટાંચમાં લેવાઈ

ઈડીએ આ વર્ષે માર્ચમાં મુંબઈ અને સુરતમાં નીરવ મોદીની ૧૪૭.૭૨ કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરી હતી, જેમાં આઠ કાર, એક પ્લાન્ટ, મશીનરી, જ્વેલરી, પેન્ટિંગ અને અન્ય સ્થાયી સંપત્તિનો સમાવેશ થયો હતો. ઈડી દ્વારા વિદેશમાં પણ નીરવની પ્રોપર્ટી ટાંચમાં લેવાની કાર્યવાહી કરાઈ છે. ઓક્ટોબરમાં હોંગકોંગમાં ૨૫૫ કરોડ સંપત્તિ એટેચ કરાઈ હતી. અગાઉ, નીરવ અને પરિવારજનોની ૬૩૭ કરોડની પ્રોપર્ટી એટેચ કરાઈ હતી.

ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીએ ૯૩૪ કરોડ રૂપિયા પત્ની અને પિતાના અંગત ખાતાઓમાં ડાયવર્ટ કર્યા હતા. આ દાવો મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં દાખલ સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કરાયો છે. નીરવ મોદીએ આમાંથી ૫૬૦ કરોડ રૂપિયા પોતાના અંગત ખાતામાં તેમજ ૨૦૦ કરોડ રૂપિયા પત્ની એમી અને રૂપિયા ૧૭૪ કરોડ પિતા દીપક મોદીના અંગત ખાતાંઓમાં ટ્રાન્સફર કર્યા હતા. આ બધા ખાતાં વિદેશી બેંકોમાં છે. ઇડીએ પૂરક ચાર્જશીટમાં નીરવની પત્ની એમી મોદીને પણ આરોપી બનાવી છે.

શાહમૃગની ખાલમાંથી બનેલું કિંમતી જેકેટ

મોસ્ટ વોન્ટેડ કૌભાંડી નીરવ મોદીને લંડનમાં જોવામાં આવ્યો ત્યારે તેણે દુર્લભ પક્ષી ગણાતાં શાહમૃગ-ઓસ્ટ્રીચના ચામડાંમાંથી બનેલું જેકેટ પહેર્યું હતું. ટેલીગ્રાફના રિપોર્ટ અનુસાર તેની કિંમત ૧૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૯૧૧,૦૦૦ રૂપિયા) અંકાય છે. મુખ્યત્વે આફ્રિકામાં ઓસ્ટ્રીચનું ફાર્મિંગ તેની ખાલ માટે જ કરાય છે. શાહમૃગના ચામડામાંથી પહેલા મિલિટ્રી યૂનિફોર્મ અને ટોપી બનતી હતી. પરંતુ મોંઘી પ્રોસેસના કારણે આંતરરાષ્ટ્રીય ફેશનમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ લક્ઝરી લેધરમાંથી પર્સ, બેગ, જેકેટ અને શૂઝ બને છે. ૧૮મી સદીમાં શ્રીમંત મહિલાઓમાં તેમાંથી બનાવાતાં વસ્ત્રોની એટલી લોકપ્રિયતા હતી કે નોર્થ અમેરિકામાંથી તો શાહમૃગ લુપ્ત થઈ ગયું છે. શાહમૃગનું ચામડું ઉબડખાબડ હોય છે અને તેને લીસું કે સુંવાળું બનાવવાની પ્રક્રિયા વિશિષ્ટ અને ભારે ખર્ચાળ હોય છે. ફિનિશ્ડ લેધરના ઉત્પાદનમાં સાઉથ આફ્રિકા ઉપરાંત, ઝિમ્બાબ્વે, નામિબિયા અને બોસ્ટવાના મુખ્ય દેશ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter