પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન

Wednesday 24th April 2024 14:49 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થયું. આ તબક્કામાં 9 કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યપ્રધાનો અને એક પૂર્વ રાજ્યપાલ સહિત 1,600થી વધુ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની સાથોસાથ શુક્રવારે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં સરેરાશ 64 ટકા મતદાન થયું. ત્રિપુરામાં સૌથી વધુ 80.17 ટકા જયારે બિહારમાં સૌથી ઓછું 48.50 ટકા મતદાન થયું. 2019ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સરખામણીમાં આ વખતે મતદાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
2019માં પ્રથમ તબક્કામાં 69.43 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 8.40 કરોડ પુરુષ અને 8.23 કરોડ મહિલા મળીને કુલ 16.63 કરોડ મતદારો હતા અને કુલ 1.87 લાખ મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા. પશ્ચિમ બંગાળ અને મણિપુરમાં હિંસા, ધાકધમકી, હુમલા અને બૂથ કેપ્ચરિંગના પ્રયાસોના છૂટાછવાયા બનાવોને બાદ કરતા મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું.
બીજી તરફ તામિલનાડુ, અરુણાચલ પ્રદેશ, આસામ અને આંદામાન-નિકોબારના કેટલાક મતદાન મથકો પર ઇવીએમમાં ખામીના કિસ્સા સામે આવ્યા હતા. પ્રથમ તબક્કામાં તામિલનાડુની તમામ 39, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, મહારાષ્ટ્ર, આસામ અને ઉત્તરાખંડની 5-5, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, મણિપુર, અરુણાચલપદેશ અને મેઘાલયની 2-2 તથા છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા, આંદામાન-નિકોબાર, મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ અને લક્ષદ્વીપની એક-એક બેઠક માટે મતદાન થયું હતું. દરમિયાન, છત્તીસગઢના બસ્તરમાં ગ્રેનેડ લૉન્ચર શેલ અકસ્માતે ફાટતાં સીઆરપીએફના એક જવાનનું મોત થયું હતું.
નાગાલેન્ડના 6 જિલ્લામાં ઝીરો વોટિંગ નોંધાયું
પૂર્વ નાગાલેન્ડના 6 જિલ્લામાં કુલ ચાર લાખથી વધુ મતદારો હોવાથી એક પણ મત પડયો નહોતો. ઇસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઇઝેશને (ENPO) ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટરી (FNT)ની માગ સાથે આપેલા બંધના એલાનને કારણે આ 6 જિલ્લાના મતદારોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. અહીંના 20 ધારાસભ્યો પણ મતદાનથી અળગા રહ્યા હતા. નાગાલેન્ડના કુલ 13.25 લાખ મતદારો પૈકી 4,00,632 મતદારો આ 6 જિલ્લામાં છે. અહીંની સાત નાગા જનજાતિઓ - યાંગ, કોન્યાક, સંગતમ, ફોમ, યિમખિઉંગ, ખિયામનિઉંગન અને તિખિર અલગ રાજ્યની માગ કરી રહી છે.
26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું 26 એપ્રિલે મતદાન થશે. જોકે બીજા તબક્કામાં જે પણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, તેમાં દર સાતમાંથી એક ઉમેદવારની સામે ગંભીર ગુનાના કેસો છે. જ્યારે દર ત્રણમાંથી એક કરોડપતિ છે. આ માહિતી ચૂંટણીઓ પર કામ કરતી સંસ્થા અસોસિએશન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ (એડીઆર)ના રિપોર્ટમાં સામે આવી છે. બીજા તબક્કાના 1198માંથી 1192 ઉમેદવારો પર આ અભ્યાસ હાથ ધરાયો હતો. રિપોર્ટ અનુસાર, ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોમાં દર સાતમાંથી એક સામે ગંભીર ગૂનાના કેસ ચાલે છે. 167 ઉમેદવારો સામે ગંભીર ગુનાના કેસો ચાલી રહ્યા છે. જેમાં ત્રણ ઉમેદવારો સામે હત્યા, 24 સામે હત્યાનો પ્રયાસ, 25 ઉમેદવારો સામે મહિલાઓ સામેના ગુના અને 21 સામે ઉશ્કેરણીજનક ભાષણનો કેસ ચાલી રહ્યો છે. 32 ઉમેદવારોને તેમની સામે દાખલ ગુનામાં ગુનેગાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter