પ્રભુનું રેલવે બજેટઃ એક પણ નવી ટ્રેન નહીં, ટિકિટ દર પણ જૈસે થે

Tuesday 03rd March 2015 12:49 EST
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ૨૬ ફેબ્રુઆરીએ ભારતીય રેલવેને આર્થિક સંકટમાંથી ઉગારવાના ઉદ્દેશ સાથેનું વર્ષ ૨૦૧૫-૧૬નું બજેટ રજૂ કર્યું હતું. ભાવિ વિકાસનું ગુલાબી ચિત્ર રજૂ કરતાં આ રેલવે બજેટમાં પ્રવાસીભાડાંમાં તો કોઇ વધારો નથી જ કરાયો, પરંતુ એકેય નવી ટ્રેનની પણ જાહેરાત કરવામાં આવી નથી. ભારતીય રેલવેના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું બન્યું છે કે રેલવે બજેટમાં કોઇ નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી ન હોય.

એક તરફ, રેલવે પ્રધાને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હોવા પ્રવાસી ભાડાંમાં ઘટાડો કરવાનું ટાળીને આમ આદમીને નિરાશ કર્યો છે. તો બીજી તરફ નૂરભાડાંમાં ૧૦ ટકા જેટલો વધારો ઝીંકી દેતાં ઓછામાં ઓછી ૧૨ વસ્તુઓની બજારકિંમતમાં વધારો થવાનું નક્કી થઇ ગયું છે. આ ભાવવધારો સરવાળે તો સામાન્ય નાગરિકનાં ખિસ્સાં પર જ બોજ વધારશે. પ્રભુએ ભારતીય રેલવેના વિકાસ માટે પંચવર્ષીય એક્શન પ્લાન રજૂ કર્યો છે, જેમાં ચાર લક્ષ્યાંકો, પાંચ ચાલકબળ અને ૧૧ ભાર મૂકવા જેવી બાબતોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો સાથોસાથ તેમણે થોડાક સમય બાદ સમયસંજોગોનો અભ્યાસ કરીને નવી ટ્રેનોની જાહેરાત કરવાનું વચન આપ્યું છે.

બજેટની કેટલીક વિશેષતા

રેલવે બજેટમાં પહેલી વખત આમ આદમીને બદલે કોર્પોરેટ જગતને નજરમાં રાખવામાં આવ્યું છે કારણ કે કેટરિંગ ખાનગી કંપનીઓનાં હાથમાં જશે. આ ઉપરાંત નવા પ્રોજેક્ટ અને સ્ટેશનના વિકાસ માટે પણ ખાનગી કંપનીઓને અઢળક તક મળશે.

સુરેશ પ્રભુના રેલવે બજેટથી રાજકારણ ઉપર પણ બ્રેક લગાવવામાં આવી છે અને ઝડપ ઉપર જોર આપવામાં આવ્યું છે. રેલવે પ્રધાને બિહાર, પશ્ચિમ બંગાળ જેવાં ચૂંટણીલક્ષી રાજ્યોમાં પણ કશું જ આપ્યું નથી. આથી ઉલ્ટું, નવા રૂટ ઉપર ટ્રેનોની સ્પીડ વધારવાની તૈયારી કરી છે.

બજેટમાં ટ્રેનોમાં હાઇટેક સુવિધા અને ક્લીન એનર્જી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે કારણ કે દરેક ટ્રેન ટોઇલેટથી સજ્જ હશે, ઉપરની બર્થ માટે નવી ડિઝાઇનની સિડીઓ બનશે. આ માટે દેશના ટોચના ડિઝાઇન ઇન્સ્ટિટ્યુટ પાસેથી ખાસ બર્થ ડિઝાઇન કરાવવામાં આવ્યા છે. ૧૦૦૦ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ, ૧૦૦ ડેમુ ટ્રેન સીએનજીથી દોડશે. અન્ય ટ્રેનોમાં પણ ગ્રીન એન્જિન લાગશે. આથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું અટકશે.

છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો

રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પ્રવાસીભાડાંમાં વધારો કરવા નિર્ણય લીધો હતો. ભાડું વધારીને રૂ. ૫૦ હજાર કરોડની આવક મેળવવાનું લક્ષ્યાંક હતું, પરંતુ છેલ્લી ઘડીએ નિર્ણય ટાળ્યો હતો. શરત એટલી જ હતી કે ભારત સરકાર આ રકમની ૫૦ ટકા રકમ (૨૫ હજાર કરોડ રૂપિયા) રેલવેને આપશે. રેલવે બોર્ડના એક અધિકારીનું કહેવું છે કે જમીન સંપાદનના મુદ્દે સરકારની છબી ગરીબ અને ખેડૂતવિરોધી તરીકે ઉપસી રહી છે. આ સમયે રેલવે ભાડું વધારવામાં આવે તો છબી વધુ નબળી પડે. આથી સરકારે ભાડું વધારવાના રેલવે પ્રધાનના નિર્ણયને બદલાવી નાખ્યો.

પ્રભુએ સરકાર સામે તર્ક મૂક્યો હતો કે રેલવે થઈ રહેલા ખર્ચ કરતાં પણ ઓછા મૂલ્યે સામાજિક સેવા આપવાની જવાબદારી નિભાવવા સક્ષમ નથી. કેમ કે તે હેડ હેઠળ દર વર્ષે ૨૫ હજાર કરોડ ખર્ચ થાય છે. પહેલેથી જ નુકસાનમાં ચાલતા ૮૮ રૂટ પર રેલવેને ૧૫ હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે, પણ સરકારે એ માર્ગો બંધ કરવાની મંજૂરી આપી નથી. મંત્રાલયનું કહેવું હતું કે સરકાર જો સચિવોની સમિતિની ભલામણ સ્વીકારી લે કે તે રેલવેની સામાજિક સેવા ખર્ચ (૨૫ હજાર કરોડ) ઉઠાવી લેશે તો ભાડું વધારવાનો નિર્ણય પાછો ખેંચી શકે છે. અને સરકારે મંત્રાલયની વાત માની લીધી હતી.

વિઝન સારું પણ...

ભારત સરકાર અને કેટલાક વિશ્લેષકો રેલવે બજેટને ભલે ‘વિઝનરી’ ગણાવીને ભલે બિરદાવે, પણ શેરબજારને તેમાં કદાચ ભરોસો પડ્યો નહોતો. આથી જ ઇન્ટ્રા-ડેમાં ૩૭૫ પોઇન્ટ અને છેલ્લે ૨૬૧ પોઇન્ટના ઘટાડે બીએસઇ સેન્સેક્સ બંધ આવ્યો છે.

રેલવે બજેટમાં ૮.૫૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ રેલવેમાં કરવાની વાત થઈ છે, અને તે પણ પાંચ વર્ષમાં! ૧૭,૦૦૦ બાયો-ટોઇલેટ્સ, ડિસ્પોઝેબલ લીનન બેડ, CCTV કેમેરા, વાઈફાઈ, પાંચ મિનિટમાં તત્કાલ ટિકિટની પ્રોસેસ, ૬૦૦૦ કિલોમીટર ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન, ૧૨૦ દિવસ પહેલાં રિઝર્વેશનની સુવિધા, રેલવે સ્ટેશન તથા ટ્રેનના સામાન્ય ડબ્બામાં પણ ફોન ચાર્જિંગની સવલત સહિત સંખ્યાબંધ ઉમદા વાતો મોજૂદ છે.

રેલવેનું યોજનાકીય ખર્ચ ૧૦૧ લાખ કરોડ રૂપિયા કરાયું છે જે ચાલુ વર્ષના મુકાબલે બાવન ટકા વૃદ્ધિ બતાવે છે. બીજી તરફ, પૂરતા અને જરૂરી મૂડીરોકાણના અભાવે રેલવે અવદશામાં સરી પડી છે તે જગજાહેર છે. આમ અહીં સવાલ એ છે કે પૈસા ક્યાંથી આવશે? એક લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણમાં કેન્દ્ર સરકાર ૪૧,૬૦૦ કરોડ રૂપિયા આપશે. જ્યારે ૧૭,૭૦૦ કરોડ રૂપિયા રેલવે ખુદનાં આંતરિક સાધનમાંથી ઊભા કરશે. પરંતુ બાકીના ૪૨,૦૦૦ કરોડ રૂપિયાનું શું? માર્કેટ બોરોઈંગ જે આ વર્ષે ૧૨,૦૪૫ કરોડ રૂપિયા હતું તે વધારીને હવે ૧૭,૬૫૫ કરોડ રૂપિયા કરાયું છે. મતલબ કે રેલવે નવા વર્ષે અગાઉ કરતાં ૪૭ ટકા વધુ દેવું કરશે! આમ છતાં બાકી રૂ. ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની ઘટ તો રહે છે જ, જે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી), સ્ટેટલેવલ સ્પેશિયલ પર્પઝ વિહિકલ્સ, બીઓટી રૂટ, દ્વિપક્ષી તથા બહુપક્ષી વિદેશી સહાય વગેરેનાં ભરોસે છોડી દેવાયું છે.

રેલવે પ્રધાને મોટા નિર્ણયો તો લીધા છે, પણ તેનો અર્થ શું?

ભારતીયોને મૂંઝવી રહેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવા અહીં પ્રયાસ કર્યો છે.

નવી ટ્રેન કેમ નહીં?

વીતેલા વર્ષમાં ૫૫૦ નવી ટ્રેન ચલાવવામાં આવી હતી. હાલમાં એક જ ટ્રેક પર સુપર ફાસ્ટ, પેસેન્જર અને માલગાડી એમ ત્રણેય ચાલે છે. ટ્રાફિક લોડ વધુ હોવાથી ટ્રેન ગતિથી ચાલી શકતી નથી. પાંચ વર્ષમાં ટ્રેકની ક્ષમતા ૧૦ ટકા વધારીને ૧.૩૮ લાખ કિ.મી. કરાશે.

• આવું શા માટે કર્યું?

નુકસાનમાંથી બહાર આવવા અને રોકાણ વધારવા માટે. કેમ કે હાલમાં રેલવેની આવક એક રૂપિયાની આવકમાંથી ૯૪ પૈસા રેલવે મેઇન્ટેનન્સ પાછળ ખર્ચ કરવામાં આવે છે. અર્થાત્ વિકાસ માટે માત્ર છ પૈસા બચે છે. તેની મદદથી નવા પ્રોજેક્ટ્સ, વીતેલા ૩૦ વર્ષમાં ૬૭૪ પ્રોજેક્ટની જાહેરાત તો થઈ, પરંતુ તૈયાર થયા માત્ર ૩૧૭ - અને તે પણ નિર્ધારિત સમય કરતાં વિલંબથી. આથી પ્રોજેક્ટ ખર્ચ વધી ગયો. રેલવેને જંગી આર્થિક નુકસાન થયું.

શું રોકાણ વધશે?

રેલવે પ્રધાન પાંચ વર્ષમાં ૮.૫ લાખ કરોડ રૂપિયા મેળવવા માગે છે. તેના માટે વિદેશી રોકાણ ઉપરાંત પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલની વકીલાત કરી. વીતેલા ૧૫ વર્ષનો ઇતિહાસ જોવામાં આવે તો અત્યાર સુધીમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ પણ નથી આવ્યું. તેઓ જાહેરખબર દ્વારા આવકની વાત કરે છે, પરંતુ આવા પ્રયાસ તો વર્ષોથી થઈ રહ્યા છે. કેટલાક વર્ષ પહેલાં બેંગાલૂરુમાં કુરકુરે એક્સપ્રેસ ચાલી હતી, પરંતુ પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો હતો. હરિયાણાના ગુડગાંવમાં રેપિડ મેટ્રોમાં માઇક્રોમેક્સ અને વોડાફોનના નામે સ્ટેશન છે. ગંભીર પ્રયાસ કરવામાં આવે તો જાહેર ખબરના નામે ૧૦-૧૫ હજાર કરોડ રૂપિયા આવી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter