પ્રમુખ ટ્રમ્પ પર અંધાધૂંધ ફાયરિંગઃ ‘આ અમેરિકાના બંધારણ પર હુમલો’

Wednesday 29th April 2026 05:23 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર વ્હાઈટ હાઉસ કોરસપોન્ડટ્સ એસોસિએશન આયોજિત ડિનર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગની ઘટનાએ વિશ્વભરમાં હલચલ મચાવી દીધી છે. જોકે સલામતી દળોએ ગણતરીની મિનિટોમાં હુમલાખોર યુવકને ઝડપી લઇને સ્થિતિ કાબૂમાં લઇ લેતાં સહુએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. હિલ્ટન હોટેલમાં શનિવારે રાત્રે આ ઘટના બની તે વેળા બોલ રૂમમાં 2600થી વધુ મહેમાનો હાજર હતા. ટ્રમ્પે આ ઘટનાને અમેરિકાના બંધારણ પરનો હુમલો ગણાવ્યો હતો.
ઉપપ્રમુખ વેન્સ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ
વોશિંગ્ટન ડીસીમાં શનિવારે રાત્રે હિલ્ટન હોટેલમાં વાર્ષિક વ્હાઈટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડીનર દરિમયાન ગનમેન દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. ઘટના વખતે પ્રમુખ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલિનિયા તેમજ ઉપપ્રમુખ જે.ડી. વેન્સ સહિત અનેક મહાનુભાવો બોલ રૂમમાં હાજર હતા. હૂમલાખોરે ફાયરિંગ કરીને બોલ રૂમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સિક્રેટ સર્વિસ એજન્ટોએ તેનો ઇરાદો પાર પડવા દીધો નહોતો. ટ્રમ્પની હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો અને સિક્રેટ સર્વિસ એજન્ટો દ્વારા હુમલાખોરને જીવતો પકડી લેવાયો હતો. જેની ઓળખ 31 વર્ષનાં કોલ ટોમસ એલન તરીકે થઈ હતી. તે કેલિફોર્નિયાનો રહીશ હતો. હુમલાખોર દ્વારા 7 રાઉન્ડ ફાયર કરાયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહોતી.
હુમલાને ઇરાન સાથે કોઇ નિસ્બત નથીઃ ટ્રમ્પ
ઈરાન યુદ્ધ વખતે જ પ્રમુખ ટ્રમ્પની સુરક્ષામાં ચૂક બહાર આવી છે. જોકે ટ્રમ્પે કહ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ હુમલાને ઈરાન સંકટ સાથે કોઈ સંબંધ નથી તેવું જણાઈ રહ્યું છે. ફાયરિંગને પગલે હોટેલમાં અને બોલ રૂમમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા ટેબલ અને ખુરશીની નીચે છુપાઈ ગયા હતા. પહેલા ટ્રમ્પ અને વેન્સને સલામત રીતે બહાર કઢાયા હતા અને તે પછી મહેમાનોને વારાફરતી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ટ્રમ્પે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે આ અમેરિકાનાં બંધારણ પરનો હુમલો છે. સિક્રેટ સર્વિસ એજન્ટો દ્વારા મારો જીવ બચાવવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓએ બહાદૂરીનું કામ કર્યું છે. આ ઘટનાનાં એક અધિકારીને ગોળી લાગી છે પણ તેમણે બૂલેટપ્રુફ જેકેટ પહેર્યું હોવાથી તેમનો જીવ બચી ગયો છે. હુમલાખોર પાસે પાવરફુલ ગન હતી. તેમજ કેટલાક અન્ય શસ્ત્રો હતા. ટ્રમ્પે કહ્યું કે પ્રભાવશાળી લોકોને જ નિશાન બનાવવામાં આવે છે.
હું રેપિસ્ટ કે પીડોફાઇલ નથીઃ ટ્રમ્પ તાડૂક્યા
વિશ્વભરમાં ચકચાર જગાવનારી આ ઘટના બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિવિઝન પર ઈન્ટરવ્યૂ આપ્યો હતો. હુમલા સમયના દૃશ્યોને ટ્રમ્પ યાદ કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરના મેનિફેસ્ટો અંગે સવાલ પૂછાતા ટ્રમ્પ ભડકી ઊઠ્યા હતા. ઈન્ટરવ્યૂમાં ગરમા-ગરમ દલીલો સાથે ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે, ‘હું રેપિસ્ટ કે પીડોફાઈલ નથી.’
CBS ટીવીના ‘60 મિનિટ્સ’ શોમાં ઈન્ટરવ્યૂ આપતાં ટ્રમ્પે હિલ્ટન હોટેલમાં અફરા-તફરીના માહોલ અંગે વાત કરી હતી. ફાયરિંગના અવાજ વચ્ચે ઈજાગ્રસ્ત થવાના જોખમ અંગે તેમણે કહ્યું કે, ‘મને ચિંતા નહોતી. આપણે વિચિત્ર દુનિયામાં રહીએ છીએ. શું બની રહ્યું છે, તે જોવાની ઉત્સુકતા હતી. તેથી મને સલામત બહાર લઈ જવા માગતા સિક્રેટ સર્વિસ સ્ટાફની કામગીરી ધીમી પડી હતી. મારી આસપાસ ઘણાં સારા લોકો હતા, પરંતુ કદાચ મારા લીધે તેમની કામગીરી વધુ ધીમી થઈ હતી. સલામતી જવાનો નીચા નમીને જવાનું કહેતા રહ્યા અને હું ધીમે-ધીમે ચાલતો હતો. બાદમાં હું અને ફર્સ્ટ લેડી ગોઠણભેર બહાર નીકળ્યા હતા.’ શનિવારે રાત્રે હુમલાને અંજામ આપતા પહેલા શકમંદે પોતાના પરિવાર સાથે મેનિફેસ્ટો પણ શેર કર્યો હતો. આ અંગે સવાલ પૂછાતા ટ્રમ્પ ભડક્યા હતા. તેમણે શોના હોસ્ટને પરખાવ્યું હતું કે તમે આ વાંચો તેની જ રાહ જોતો હતો. મને ખબર જ હતી કે તમે આ કરશો, કારણ કે તમે બહુ ભયંકર લોકો છો. મેનિફેસ્ટો મેં વાંચ્યો છે. હુમલાખોર મનોરોગી છે અને CBS ‘60 મિનિટ્સ’માં તેને વાંચવો તે અપમાનજનક છે, પરંતુ તમે આગળ વધો, આપણે ઈન્ટરવ્યૂ પૂરો કરીએ. ઉલ્લેખનીય છે કે મેનિફેસ્ટોમાં હુમલાખોરે રેપિસ્ટ-પીડોફાઈલ પર હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે જવાબ આફતા ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું રેપિસ્ટ કે પીડોફાઈલ નથી. વિકૃત હુમલાખોરે કરેલા વર્ણનો સાથે મારો કોઈ સંબંધ નથી.
હુમલાખોર કેલિફોર્નિયાનો રહીશ
હિલ્ટન હોટેલમાં ટ્રમ્પ પર હુમલો કરનાર એલન એક સમયે નાસાનો ફેલો હતો. આરોપીનું નામ કોલ થોમસ એલન છે કે જે કેલિફોર્નિયાના ટોરેન્સનો વતની હોવાનું બહાર આવ્યું છે. 31 વર્ષનો એલન મિકેનિકલ એન્જિનીયર અને કોમ્પ્યુટર સાયન્સનો સ્ટુડન્ટ હતો. 2014માં તે ફેલોશીપ માટે નાસામાં પણ જોડાયો હતો. એલન પાર્ટ ટાઇમ શિક્ષક તરીકે પણ કામ કરી ચુક્યો છે.
ખતરાની ખબર હોત તો રાષ્ટ્રપતિ જ ન બનત: ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિનું પદ ખતરાથી ભરેલું હોય છે. જો કોઈએ મને પહેલા જણાવ્યું હોત કે આ પ્રોફેશન ખતરનાક છે તો હું ક્યારેય અહીંયા આવ્યો ન હોત. રાષ્ટ્રપતિ બન્યો ન હોત. જો કે તેમણે આ નિવેદન મજાકમાં કહ્યું હતું. તેમણે માર્કો રૂબિયો તરફ જોતા કહ્યું કે જો મને રૂબિયોએ કહ્યું હોત તો હું ચૂંટણી લડયો જ ન હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter