‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતીની ઉજવણીઃ ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી માટે સેમિનાર

Wednesday 11th May 2022 07:20 EDT
 
 

ગત બે વર્ષ ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી માટે ભારે મુશ્કેલીસભર બની રહ્યા હતા. હવે આ ઈન્ડસ્ટ્રીએ ફરી એક વખત પગભર થવાની સજ્જતા દર્શાવી છે અને પ્રવાસીઓ ફરી એક વખત આકાશમાં ઉડવા સજ્જ બન્યા છે. ‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતીની ઉજવણીના ભાગરુપે ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ દ્વારા ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી બિઝનેસને ઉત્તેજન પુરુ પાડવાની પહેલ સ્વરુપે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસીઓ તેમજ ટ્રાવેલ એજન્ટ્સે સામનો કરવો પડતો હોય તેવા મુદ્દાઓ અને ચિંતા-સમસ્યાઓની ચર્ચા થઈ અને નિષ્ણાતોની પેનલ દ્વારા તેના ઉત્તર પણ આપવામાં આવ્યા હતા.

સંગત એડવાઈસ સેન્ટરના CEO કાન્તિભાઈ નાગડા MBEએ પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે,‘ સંગત સેન્ટરમાં આપ સહુને આવકારતા મને ઘણો આનંદ થાય છે. આ રજિસ્ટર્ડ ચેરિટી છે જેનો 49 વર્ષ વૂર્વે આરંભ થયો હતો. અમે ઈમિગ્રેશન, વેલ્ફેર બેનિફિટ્સ, હાઉસિંગ, લગ્ન વગેરે બાબતો પર સલાહ અને માર્ગદર્શન આપીએ છીએ. અમે કેસીસને ટ્રિબ્યુનલ, હાઈ કોર્ટ્સ સુધી લઈ જઈએ છીએ. ટુંકમાં કહું તો, અમે મિનિ સિટિઝન્સ એડવાઈસ બ્યૂરો છીએ.’

આ સેમિનારના થીમનો પરિચય આપતા ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ ના એડિટર-ઈન-ચીફ સી.બી.પટેલે જણાવ્યું હતું કે,‘ટ્રાવેલિંગ કે પ્રવાસ માત્ર આનંદ મેળવવા સુધી મર્યાદિત નથી, આ તો નવા સ્થળો , નવા લોકો, સંસ્કૃતિઓ, અવનવી વાનગીઓ, રીતરિવાજો અને જીવનશૈલીઓ વિશે જાણકારી મેળવવાની વાત છે. આ અલગ રીતે જીવન જીવવાના અનુભવ હોવાની સાથોસાથ તણાવ, એન્ગ્ઝાઈટી અને હતાશામાંથી બહાર આવવાનો સારો ઉપાય પણ છે. હવે લોકોએ ભય પર વિજય મેળવી લીધો છે. અને નવાં સામાન્ય જીવન સ્વરૂપે મહામારી અગાઉના તેમના જીવનને પૂર્વવત જીવી રહ્યા છે. આજે આપણે ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને ઉત્તેજન આપવા શક્ય અને વ્યવહારુ ઉપાયો શોધવા માટે અહીં એકત્ર થયા છીએ.’

સ્ટ્રેટ્સમોર ગ્રૂપના એક્વિઝિશન્સ અને ઈન્વેસ્ટમેન્ટ્સના વડા પરેશ કિરિ આ ચર્ચાના મોડરેટર હતા. ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ મહેમાનોને આવકાર આપ્યો હતો. ABPL ગ્રૂપના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પૂજા રાવલે પેનલિસ્ટ્સનો પરિચય કરાવ્યો હતો.

પેનલિસ્ટ્સમાં એર ઈન્ડિયાના રીજિયોનલ મેનેજર (યુકે અને યુરોપ) સુહાસ જાધવ, ABTA પ્રેસ ઓફિસના સીન ટિપ્ટન, સ્કાયલોર્ડ ટ્રાવેલના ચેરમેન રાજન સેહગલ, સિટિબોન્ડ ટ્રાવેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશ મહેતા, સોના ટુર્સના CEO દિવ્યકુમાર શાહ, લંડન એસેમ્બલીના પૂર્વ સભ્ય અને અધ્યક્ષ નવીનભાઈ શાહનો સમાવેશ થયો હતો. આ બધામાં સર્વસંમત સમજ એ હતી કે ગત બે વર્ષમાંથી ઘણું શીખવાનું છે કારણકે હવે ઉડવાનો સમય આવી પહોંચ્યો છે.

યુકેથી આખરી ફ્લાઈટ 18 માર્ચ,2020ની હતી

એર ઈન્ડિયાના રીજિયોનલ મેનેજર (યુકે, યુરોપ, ઈઝરાયેલ અને મોસ્કો) સુહાસ જાધવે જણાવ્યું હતું કે,‘મને યાદ છે કે યુકેથી આખરી ફ્લાઈટ 18 માર્ચ,2020ના દિવસની હતી. અમને આશ્ચર્ય થયું હતું. અમને 4 એપ્રિલે સંદેશો મળ્યો કે ભારત ‘વંદે ભારત’ ફ્લાઈટ ઓપરેટ કરનાર છે.

હું માત્ર 50 ટકા સ્ટાફ સાથે અહીં હતો. અમારું કાર્ય ઈન્ડિયા કમિશન પાસેથી આવનારી યાદી યાદી અનુસાર ઓફિસમાં બેસી ટિકિટિંગ કરવાનું હતું. આ ભારે ત્રાસજનક કામ હતું. એવી ઘણી ઘટનાઓ હતી કે મારા એરપોર્ટ મેનેજર રોઈ પડતા હતા કારણકે ફ્લાઈટ્સ ફૂલ-ભરચક હતી અને લોકો ટિકિટ મેળવવા માટે ખરાબ તબક્કામાં હતા. ચોથા તબક્કામાં અમે ટ્રાવેલ એજન્સીઓને ટિકિટિંગ માટે પરવાનગી આપવા માંડી હતી. તે સમય સુધી અમે સવારના 9 વાગ્યાથી બીજા દિવસની વહેલી સવારના 1.30 વાગ્યા સુધી ટિકિટની કામગીરી બજાવતા હતા. અમારા માટે આ મિશન હતું. અમે તે કામ કર્યું. યુક્રેન કટોકટી સમયે પણ આવી જ પરિસ્થિતિ રહી હતી. અમે માત્ર એક ફ્લાઈટ સફળતાપૂર્વક ઓપરેટ કરી શક્યા હતા. બીજી ફ્લાઈટનું ઉતરાણ કરાવાનું હતું પરંતુ, યુક્રેન સરકારે અમને પરવાનગી આપી નહિ. હવે આપણે મહામારીને પાછળ છોડી દીધી છે અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી ગતિ પકડી રહી છે. હવે એવો સમય છે કે લોકો બહાર ફરવા જવા ઈચ્છે છે. અમે આ બાબતે ઘણા આશાવાદી છીએ.’

ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીમાં નવી 126 મિલિયન નોકરી

ABTAની પ્રેસ ઓફિસના સીન ટિપ્ટને જણાવ્યું હતું કે,‘તમે બધા જ તમારા પર રહેલા ધંધાકીય દબાણો-પ્રેશર્સ વિશે જાણો છો પરંતુ, રિફન્ડને સંબંધ છે ત્યાં સુધી એક સમતુલા રહેવી જોઈએ. અમે અમારા સભ્યોને સપોર્ટ કરવા બેઠા જ છીએ. દેખીતી રીતે જ તમે તૈયાર છો, આની સાથોસાથ લોકોનો વિશ્વાસ ફરી સંપાદન કરવાનું પણ તમારે વિચારવું જોઈએ. અમે અવારનવાર સર્વેક્ષણો કરતા રહીએ છીએ પરંતુ, એ બાબત ખરે જ આશ્ચર્યજનક છે કે 75 ટકા લોકો હજુ પણ કડક નિયંત્રણો અમલી હોવાનું માને છે. આશરે 30થી 40 ટકા નવા કસ્ટમર્સનું કહેવું છે કે તેમણે અગાઉ કદી ટ્રાવેલ એજન્ટની સેવાનો ઉપયોગ કર્યો નથી. તાજા વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ ઈકોનોમિક ઈમ્પેક્ટ રિપોર્ટમાં જાહેર કરાયું છે કે ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટર દ્વારા આગામી દસકામાં નવી આશરે 126 મિલિયન નોકરીનું સર્જન કરાશે. આ રિપોર્ટમાં દર્શાવાયું છે કે ટુરિઝમ સેક્ટર વૈશ્વિક આર્થિક રિકવરીમાં ડ્રાઈવિંગ ફોર્સ- ચાલકબળ બની રહેશે અને તમામ નવી દર ત્રણ નોકરીઓમાંથી એક નોકરીનું સર્જન કરશે. વિશ્વમાં ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટર સૌથી મોટા ત્રીજા એમ્પ્લોયરનું સ્થાન ધરાવશે.’

                                            રિફન્ડિંગ બાબતે સુધારાની આવશ્યકતા

સ્કાયલોર્ડ ટ્રાવેલના ચેરમેન રાજન સેહગલે જણાવ્યું હતું કે,‘અમે ગત 40 વર્ષથી આ બિઝનેસમાં છીએ. મુખ્યત્વે અમે કોન્સોલિડેટર્સ છીએ તેમજ એરલાઈન્સ અને ટ્રાવેલ એજન્ટ્સની વચ્ચે કામ કરીએ છીએ. આપણે બધાએ ખરાબ સમયનો સામનો કર્યો છે. રિફન્ડિંગ બાબતે ઘણી બધી સમસ્યાઓ છે. આપણી પાસે ABTA અને ATOL જેવી રેગ્યુલેટરી સંસ્થાઓ છે. આ સંસ્થાઓએ તમામ નાણા ચોક્કસ સમયમર્યાદાની અંદર રિફન્ડ કરવામાં આવે તેની ચોકસાઈ રાખવી જોઈએ.’

સિટિબોન્ડ ટ્રાવેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશ મહેતાએ જણાવ્યું હતું કે,‘અમે ગત 45 વર્ષથી આ પારિવારિક બિઝનેસમાં છીએ. ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી માટે આ ઘણો પીડાકારી સમયગાળો હતો. અમારો બિઝનેસ ઘણો વૈવિધ્યસભર છે અને અમારા ક્લાયન્ટ વર્ગ પર મોટા ફલક પરનો છે. રિફન્ડની સમસ્યા ઘણી મોટી હતી. આમ છતાં, હવે સ્થિતિ સારી છે. વર્તમાનમાં ટેકનોલોજી પણ ઘણી મહત્ત્વની છે. જે લોકો પ્રવાસ કરવા ઈચ્છતા હોય તેમને શિક્ષિત કરવાની પણ આપણી જવાબદારી છે. હવે મોટા ભાગનું વિશ્વ ખુલ્લું થઈ ગયું છે આથી, આપણે ફરીથી કેવી રીતે આગળ વધવું, લોકોનો વિશ્વાસ સંપાદન કરવો તે બાબતે વિચારવું જોઈશે.’

1970ના દાયકાથી બિઝનેસમાં રહેલી બ્રાન્ડ સોના ટુર્સના CEO દિવ્યકુમાર શાહે કહ્યું હતું કે,‘ બે વર્ષ તો ભારે પડકારજનક રહ્યા પરંતુ, સારી બાબત એ છે કે આપણે મહામારીના ભયમાંથી બહાર આવી રહ્યા છીએ. સમગ્ર ઈન્ડસ્ટ્રી તદ્દન સ્થગિત હાલતમાં હતી પરંતુ, અમે સમયાંતરે તમામ રિફંડ્સ પરત કર્યા હતા. કસ્ટમર્સને ફંડ-નાણા પરત કર્યા હોય તેવી 24 કંપનીઓમાંથી અમે એકમાત્ર ભારતીય કંપની હોવાની યાદીમાં છીએ. હવે પરિસ્થિતિ ઘણી બહેતર છે. વધુ આરોગ્યપ્રદ, સલામત અને સરળ બની છે. લોકોએ પ્રવાસ કરવાની શરૂઆત કરી દીધી છે પરંતુ, તેઓ હજુ પણ ભયભીત છે. આપણે બધા જ વધુ ટેક્નિકલ બન્યા છીએ અને મહામારીનું આ સારું પરિણામ છે.’

લંડન એસેમ્બલીના પૂર્વ સભ્ય અને અધ્યક્ષ નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે,‘ આ સેન્ટર હેરોનું લેન્ડમાર્ક સ્થળ છે. હેરો ભારતીય કોમ્યુનિટીનું મધ્યબિંદુ છે. યુકેમાં લેસ્ટરની બહાર ભારતીય કોમ્યુનિટીની સૌથી વધુ હાજરી હેરોમાં જ છે. આર્થિક પ્રવૃત્તિઓ તેમજ લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિઓ માટે આ નવા યુગનો શુભારંભ છે. લોકોમાં હજુ પણ ચિંતા, ગેરમાન્યતાઓ અને ભય પ્રવર્તે છે. પર્યટકો-પ્રવાસીઓમાં વિશ્વાસ ઉભો કરવો તે ટુરિઝમ ઈન્ડસ્ટ્રી માટે વધારાની જવાબદારી છે.’

P&R Travelના MD પ્રવીણ કંટારિઆએ કહ્યું હતું કે,‘હું છેલ્લાં 36 વર્ષથી આ બિઝનેસમાં છું. અમારી વિશિષ્ટતા ટેઈલર-મેડ પેકેજીસની છે. યોગ્ય સલાહ સાથે આગોતરું આયોજન ઘણું આવશ્યક છે કારણકે તેનાથી છેલ્લી ઘડીની ગરબડોને ટાળી શકાય છે.’

ગ્લોબલ ટ્રાવેલ સોલ્યુશન્સના ડાયરેક્ટર પારસ મેઈશેરી પણ સેમિનારમાં ઉપસ્થિત હતા. તેમની કંપની ઈરાક, ઈરાન અને આફ્રિકાની ટુર્સમાં સ્પેશિયાલિટી ધરાવે છે.

સ્કાયલોર્ડ ટ્રાવેલના સેલ્સ મેનેજર ચરત મહેરાએ સ્વીકાર્યું હતું કે,‘ગત બે વર્ષ ભારે મુશ્કેલીપૂર્ણ’ રહ્યાં હતાં અને હવે લોકો અનેક સ્થળોએ ફરવા જવાની રાહ જુએ છે અને હોલિડે બૂક કરાવવા રાહ જોઈ રહ્યા છે.

‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ના એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે આભાર પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું હતું કે,‘ તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેસ-અખબારોમાં સૌથી વધુ પ્રિન્ટ મીડિયામાં પબ્લિસિટી ચ્રાવેલ અને ટુરિઝમને સંબંધિત હોય છે. મને એ જણાવતાં આનંદ થાય છે કે ઘણા વર્ષોથી એરલાઈન્સ અને ટ્રાવેલ કંપનીઓની એડવર્ટાઈઝમેન્ટ અને પ્રમોશન એક્ટિવિટીઝ માટે ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ પસંદગીપાત્ર સ્રોત બની રહ્યા છે. વંશીય સમાચાર માધ્યમો-પ્રેસમાં એડવર્ટાઈઝિંગ અને પ્રમોશનનો સોથી વધુ હિસ્સો અમે ધરાવીએ છીએ. મહામારીના ગાળામાં પણ આ સેક્ટર દ્વારા અમારી સેવાનો ઉપયોગ કરાયો હતો અને અમે પણ આ સેક્ટરને આગળ વધારવા અને સપોર્ટ કરવા મહત્તમ પ્રયાસો કર્યા હતા.’

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ ના પ્રકાશક ABPLગ્રૂપે અમારા વાચક બિરાદરો, કોમ્યુનિટી અને અમારા વિજ્ઞાપનદાતાઓની જરૂરિયાતોને સંતોષી શકાય તે પ્રમાણે વિવિધ ઈવેન્ટ્સ, સેમિનાર્સ અને વેબિનાર્સના આયોજનો કરેલાં છે. હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે RAFના સહયોગથી યોજાએલા અમારા તાજેતરના સેમિનાર્સને પ્રસિદ્ધ મહાનુભાવો અને પદાધિકારીઓ દ્વારા ભારે આવકાર સાંપડ્યો હતો.’

‘આ ટ્રાવેલ અને ટુરિઝમ સેમિનારનું આયોજન કરવાનો વિશેષ લાભ પ્રાપ્ત થયો છે. અમારી આ નાની પહેલને પોતાની ઉપસ્થિતિ થકી ભારે સફળતા બક્ષવામાં મદદ કરનારા તમામ પાર્ટિસિપેન્ટ્સ અને પેનલિસ્ટ્સનો હું ઘણો આભારી છું. આ પહેલી જ વખત સ્ટેકહોલ્ડર્સ, સર્વિસ પ્રોવાઈડર્સ અને કન્ઝ્યુમર્સ વચ્ચે સંવાદ થયો છે.

‘મને 1966માં શ્રી માણેક દલાલ સાથેની મુલાકાત યાદ આવે છે. તેમણે એર ઈન્ડિયાને મજબૂતી બક્ષી હતી. તેમણે ભારતીય સંસ્કૃતિ, નૃત્ય અને સંગીતનું યથાર્થ-વાસ્તવિક સ્થળ બની રહેલાં ભારતીય ભવનની સ્થાપનામાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. તે સમયગાળામાં એર ઈન્ડિયા વિશ્વના શ્રેષ્ઠ પાંચ એરલાઈન્સમાં સ્થાન ધરાવતી હતી. ખરેખર તો એ દરિયાપાર વસતા ભારતીયો અને ભારત વચ્ચે સેતુસમાન હતી.’

‘આ સેમિનાર તો એક ફિલ્મની ઝલક-ટ્રેલર જ છે. ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી માટે હજું ઘણું કરવાનું બાકી છે.’

નિષ્ણાતોએ પ્રવાસ અને પર્યટન (ટ્રાવેલ અને ટુરિઝમ)ને સંબંધિત સામાન્ય પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા.

પ્રશ્નઃ ટ્રાવેલ એજન્ટ્સ ભવિષ્યના પ્રવાસ માટે પણ સંપૂર્ણ રકમની આગોતરી માગણી શાથી કરે છે?

નિષ્ણાતોઃ તમે જેટલી મોડી ટિકિટ લેશો તેમ તે વધુ ખર્ચાળ નીવડશે. એરલાઈન્સ માત્ર ચોક્કસ સમયગાળા પૂરતી જ ઓકર્ષક ઓફર્સ આપે છે. હવે જો ટિકિટ ફ્લેક્સિબલ હોય તો તમે ડિપોઝિટ બેસીસ પર કામ ચલાવી શકો. જો તમે સંપૂર્ણ રકમ ચૂકવો તે તમને ટિકિટ આપી દેવાતી હોય છે. જ્યારે તમે ડિપોઝિટ આપતા હો તો તમારે ભાડાંમાં વધારાનો સામનો કરવો પડી શકે છે. આથી, તમારે નિયમો અને શરતોની ચકાસણી કરી લો તે યોગ્ય ગણાશે, દરેક એજન્ટની કાર્યપદ્ધતિ અલગ હોય છે.

પ્રશ્નઃ રોકડ રકમના બદલે કાર્ડથી ચૂકવણી વધુ સલામત ગણી શકાય?

નિષ્ણાતોઃ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં બે રેગ્યુલેટર્સ હોય છે. રોકડિયા સોદામાં હંમેશાં ઓછું રક્ષણ મળે છે. કાર્ડથી પેમેન્ટ કરાય ત્યારે તમને ઝડપી રિફન્ડ મળવામાં પણ મદદ થાય છે. આની સાથોસાથ, તમે કેશલેસ પ્રકારમાં જાઓ ત્યારે કંપનીના પ્રોફાઈલને ચકાસી લેવાનું યોગ્ય ગણાશે. જો તેની પાસે IATAનો નંબર હોય તો તેની ચકાસણી કરો, રેગ્યુલેટરની મુખ્ય વેબસાઈટ પર જઈ તેની ચકાસણી કરી શકાય. તમારે નિયમો અને શરતો પણ સમજી લેવાં જોઈએ. દરેક ટિકિટની અલગ શરતો હોય છે. માત્ર ટિકિટની કિંમત પર ધ્યાન ન આપશો. એકસરખા નિર્ધારિત સ્થળ માટે એકસરખી ટિકિટની કિંમત કોઈ કારણસર અલગ હોઈ શકે છે.

પ્રશ્નઃ હવે હોલીડે માર્કેટ ખુલ્લું થઈ રહ્યું છે ત્યારે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી ઊંચી કિંમતો અને પ્રવાસ માટે આરામ અનુભવતા અને પ્રવાસ માટે સજ્જ થઈ રહેલા લોકો વચ્ચેની ખાઈ કેવી રીતે પૂરી કરશે?

નિષ્ણાતોઃ કિંમતો શા માટે ઊંચી જાય છે તેનું કારણ તમે સમજી શકો છો. જો ફ્લાઈટ્સ ઓછી હોય તો તેઓ વધુ નાણા માગશે. બે વર્ષના સમયગાળામાં ભારે નુકસાન અને સ્ટાફની અછત મુખ્ય કારણો છે. જો આગામી થોડાં વર્ષમાં બધું સારું પાર ઉતરશે તો અમારા માટે ખાઈ પૂરી કરવાનું શક્ય બનશે. અને હા, આપણી ઈન્ડ્સ્ટ્રીમાં કિંમતમાં હંમેશાં ચડઉતર થતી રહે છે. આ લગભગ સ્ટોક માર્કેટ જેવું જ છે. આખો સમય પ્રાઈસ વધતી જ રહે અને દિવસના અંતે નીચે પણ આવી જાય. આ મામલો સમગ્રપણે માગ અને પુરવઠાને આધારિત રહે છે. યોગ્ય સમજ માટે સારા-આધારભૂત ટ્રાવેલ એજન્ટ વાસે જવું હિતાવહ છે. જો તમે હાલ પ્રવાસ કરવાના હો તો પાસપોર્ટ પરત આવવામાં 12 સપ્તાહ જેટલો સમય લાગે છે. વિઝા માટેના ઈન્ટરવ્યૂ માટે પણ ઘણો લાંબો સમય લાગે છે. આથી, તમારા હાથમાં પૂરતાં અને યોગ્ય ડોક્યુમેન્ટ્સ ના હોય ત્યાં સુધી ટિકિટનું બૂકિંગ અને પેમેન્ટ કરશો નહિ.

પ્રશ્નઃ મહામારી અગાઉના સમયપત્રક મુજબ અમદાવાદ સુધી ડાયરેક્ટ ફ્લાઈટ્સ ક્યારથી શરૂ કરાશે?

આ બાબતે એર ઈન્ડિયાના રીજિયોનલ મેનેજર સુહાસ જાધવે ઉત્તર આપતા જણાવ્યું હતું કે,‘ અમે એક ફ્લાઈટ વધારી છે આથી, હવે અત્યારે અમદાવાદ માટે ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરાય છે. અમે ચોક્કસપણે પ્રયાસ કરી ફ્લાઈટ્સ વધારીશું પરંતુ, સામાન્ય સ્થિતિ માટે હજુ થોડો સમય લાગશે. એરલાઈન્સ માત્ર ઈકોનોમી ક્લાસની ટિકિટ્સ વેચીને્ નફો રળી શકતી નથી. તેમણે અસ્તિત્વ જાળવવા બિઝનેસ અથવા ફર્સ્ટ ક્લાસ રાખવા જ પડે છે. કોર્પોરેટ્સ દ્વારા હજુ ઉડ્ડયનો શરૂ કરાયા નથી. અત્યારે જે પ્રવાસની પેટર્ન જોવા મળે છે તે માત્ર ફેમિલી ટ્રાવેલિંગની જ છે.’

પ્રશ્નઃ શું ટ્રાવેલ ઈન્સ્યુરન્સ મહત્ત્વનો છે?

નિષ્ણાતોઃ અમે માનીએ છીએ કે ટ્રાવેલ ઈન્સ્યુરન્સ મહત્ત્વનો છે. જ્યારે તમે કોઈ પણ પ્રકારની હોલીડે ટિકિટ ખરીદતા હો ત્યારે તમારે ટ્રાવેલ ઈન્સ્યુરન્સ લેવો જ જોઈએ. આની સાથે કઈ સેવા આવરી લેવાઈ છે તેની હંમેશાં ચકાસણી કરી લેવી પણ સલાહપાત્ર છે.

------------------

ફોટો કેપ્શન્સઃ

. સુહાસ જાધવ, RM એર ઈન્ડિયા

. સીન ટિપ્ટન, પ્રેસ ઓફિસ, ABTA

. (ડાબેથી જમણે) ચરત મહેરા, રાજન સેહગલ, સુહાસ જાધવ, મહેશ લિલોરિયા અને મહેમાન

. (ડાબેથી જમણે) પેનલિસ્ટ્સઃ નવીન શાહ, દિવ્યકુમાર શાહ, રાજન સેહગલ, હિતેશ મહેતા, સીન ટિપ્ટન, સુહાસ જાધવ

. (ડાબેથી જમણે) P&R Travel ટીમ, પ્રવીણ કંટારીઆ, કૃષ્ણા પૂજારા, નવીનભાઈ શાહ, પરેશ કિરિ, પારસ મેઈશેરી, સુહાસ જાધવ, સી.બી. પટેલ, રાજન સેહગલ

. શ્રીમતી સહેગલ, દિવ્યકુમાર શાહ, હિતેશ મહેતા, ચરત મહેરા, યશ શાહ, મહેશ લિલોરિયા, પૂજા રાવલ

. કાન્તિભાઈ નાગડા MBE, સંગત સેન્ટરના CEO

. રાજન સેહગલ, ચેરમેન- સ્કાયલોર્ડ ટ્રાવેલ

. હિતેશ મહેતા, MD – સિટિબોન્ડ ટ્રાવેલ્સ

૧૦. પરેશ કિરિ, સ્ટ્રેટ્સમોર ગ્રૂપના એક્વિઝિશન્સ અને ઈન્વેસ્ટમેન્ટ્સના વડા

૧૧. નવીન શાહ, લંડન એસેમ્બલીના પૂર્વ સભ્ય અને અધ્યક્ષ

૧૨. દિવ્યકુમાર શાહ, CEO – સોના ટુર્સ

૧૩. ચરત મહેરા, સેલ્સ મેનેજર-સ્કાયલોર્ડ ટ્રાવેલ

૧૪. પૂજા રાવલ, મેનેજર- બિઝનેસ ડેવલપમેન્ટ, ABPL ગ્રૂપ

૧૫. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેમિનારમાં ઉપસ્થિત મહેમાનો

૧૬. તસવીર સૌજન્યઃ રાજ ડી. બકરાણીઆPR MEDIA PIX


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter