ફાલ્કને ડ્રેગનને કરાવી અંતરીક્ષ યાત્રા

અવકાશ ક્ષેત્રે ઇતિહાસ રચાયોઃ સૌપ્રથમ સમાનવ ખાનગી યાનનું સફળ લોન્ચિંગ

Wednesday 03rd June 2020 09:14 EDT
 
 

ફ્લોરિડા: એલન મસ્કની ‘સ્પેસએક્સ’ કંપનીએ કોમર્શિયલ અવકાશી ઉડ્ડયન ક્ષેત્રે અંતરીક્ષમાં ઇતિહાસ આલેખ્યો છે. કંપનીએ ‘નાસા’ના બે અવકાશયાત્રીઓ - બોબ બેનકેન અને ડગ હર્લીને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચાડવાની સાથે ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી ફાલ્કન-૯ રોકેટે અવકાશયાન ‘ડ્રેગન’ સાથે અંતરીક્ષનો પ્રવાસ આરંભ્યો તે ઘડીના સાક્ષી બનવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ટોચના અધિકારીઓ, ‘નાસા’ અને સ્પેસએક્સના વૈજ્ઞાનિકો ઉપરાંત મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવકાશી મિશનની વિશેષતા એ હતી કે, વર્ષ ૨૦૧૧ બાદ પહેલી વખત અમેરિકી ધરતી પરથી અવકાશયાત્રીઓએ ઉડાન ભરી હતી. એટલું જ નહીં, પહેલી વખત કોઇ ખાનગી કંપનીએ તૈયાર કરેલા અવકાશયાનમાં યાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને મોકલાયા છે. સ્પેસ-શટલ પ્રોગ્રામ બંધ કરી દીધા બાદ ‘નાસા’ મોટાભાગે અન્ય દેશોના મિશન પર આધારિત હતું. આમ હવે આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓએ પણ પ્રવેશ કર્યો છે.
આ મિશનમાં કામયાબી સાથે જ સ્પેસએકસ કંપની હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) સાથે જોડાયેલા અન્ય ૬ ઓપરેશનલ મિશન માટે આગળ વધવાની હોવાનું જાણવા મળે છે. ‘નાસા’ હવે સ્પેસએકસ સાથે ૨.૬ બિલિયન ડોલરનો કોન્ટ્રાકટ કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સ્પેસએક્સની બોઇંગ સાથેની ડિલ પણ ૪.૨ બિલિયન ડોલરની છે.
પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર ફાલ્કન-૯ રોકેટ અવકાશયાત્રીઓ સાથેનું ડ્રેગન યાન લઇને ૨૮ મેના રોજ રવાના થવાનું હતું, પરંતુ પ્રતિકૂળ હવામાનના કારણે લોન્ચિંગ મુલત્વી રહ્યું હતું. આ પછી ૩૦મી મેના રોજ રોકેટ રવાના થયું હતું, અને અવકાશયાત્રીઓને સફળતાપૂર્વક સ્પેસ સ્ટેશને પહોંચાડ્યા હતા.

કોરોના મહામારી સામે ભારે સંઘર્ષ કરી રહેલી અમેરિકન પ્રજાને આ મિશનથી પોતાના દર્દ ભૂલવાની સાથે ઉજવણીની એક તક સાંપડી હતી. ફ્લોરિડાના ટિટુસ્વિલેમાં આવેલા એક પૂલ પર હજ્જારોની સંખ્યામાં અમેરિકન નાગરિકો આ લોન્ચિંગને જોવા માટે ઉમટી પડયા હતા.

સ્પેસએક્સ સાથે ભારતીય કનેક્શન

સ્પેસએક્સની કેપ્સ્યૂલ ડ્રેગનનાં સફળ ઉડ્ડયન સાથે ભારતીય બાલાચંદર રામમૂર્તિનું નામ જોડાયેલું છે.
તેઓ છેલ્લા નવ વર્ષથી સ્પેસએક્સમાં કામ કરી રહ્યા છે. તેઓ સ્પેસએક્સનાં ક્રૂ ઓપરેશન એન્ડ રિસોર્સ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. કેનેડી સ્પેસ સેન્ટર ખાતેનાં લોન્ચ પેડમાં ફાયરિંગ રૂમ નંબર-૪માં ચીફ એન્જિનિયર છે. ચેન્નઈના મૂળ વતની બાલાચંદરે અન્ના યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવેલી છે.

બંને અવકાશયાત્રી આઇએસએસ પર શું કરશે?

બંને અવકાશયાત્રી બોબ બેનકેન અને ડગ હર્લી અગાઉ નક્કી કર્યા મુજબ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) ખાતે ૧૧૦ દિવસ રહેશે અને ત્યાં રિસર્ચ વર્ક કરશે. સ્પેસએક્સની કેપસ્યૂલ ડ્રેગન અવકાશમાં ૨૧૦ દિવસ રહી શકે તેમ છે. બંને અવકાશયાત્રી સ્પેસક્રાફ્ટમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. રોબર્ટ બેનકેન અગાઉ બે વખત ૨૦૦૮ અને ૨૦૧૦માં સ્પેસ સ્ટેશન જઈ ચૂક્યા છે અને ૩ વખત સ્પેસવોક કર્યું છે. હર્લી સ્પેસક્રાફ્ટ કમાન્ડર છે. તેઓ ૨૦૦૯ અને ૨૦૧૧માં સ્પેસ સ્ટેશન જઈ ચૂક્યા છે.

કોન્ગ્રેચ્યુલેશન ટુ ‘નાસા’ એન્ડ મસ્ક: ટ્રમ્પ

અવકાશી કમર્શિયલ ઉડ્ડયન ક્ષેત્રની સીમાચિહ્નરૂપ સિદ્ધિ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અવકાશયાત્રીઓ, ‘નાસા’ અને એલન મસ્કને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ દિવસ અમેરિકાના ઈતિહાસનો એક યાદગાર દિવસ બની રહ્યો છે. મને ‘નાસા’ના વૈજ્ઞાનિકો - અધિકારીઓની સાથે સાથે આ મિશન સાથે જોડાયેલા જાહેર અને ખાનગી તમામ સંસ્થાના અધિકારીઓ પર ગર્વ છે. જ્યારે તમે આ પ્રકારની દૃષ્ટિકોણથી જુઓ છો, તો તમને અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. જ્યારે તમને તેનો (લોન્ચિંગનો) અવાજ - ગર્જના સંભળાય છે, ત્યારે તમે કલ્પના કરી શકો છો કે તે કેટલું ભયંકર હશે.
ટ્રમ્પે ઊમેર્યું કે, મને લાગે છે કે, આ ઘટના આપણા દેશને ક્રાંતિકારી પ્રેરણા પૂરી પાડશે. આપણો દેશ ઘણું સારું કરી રહ્યો છે. આપણે હાલ જેનો સામનો કરી રહ્યા છીએ તે અત્યંત ખતરનાક છે. તે થવું જોઈતું જ નહતું. તે (કોરોના) ચીન બહાર આવવો જ જોઈતો નહોતો. આજે મારા અહીં હાજર રહેવા પાછળનું એક કારણ એ પણ છે. હું માનું છું કે, તમારામાંથી કોઈ પણ કહેશે કે, આપણે જે જોયું તે ખરેખર પ્રેરણાદાયી હતું. પ્રમુખ ટ્રમ્પે એલન મસ્કને વિશ્વના મહાન બુદ્ધિજીવીઓમાંના એક તરીકે ઓળખાવ્યા હતા.

રોકેટમાં રિયુઝેબલ ટેક્નોલોજી

ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા રોકેટ સાથે જોડાયેલા 'ક્રુ ડ્રેગન' નામના યાનમાં બંને અવકાશયાત્રીઓની સફર ૧૯ કલાક હતી. ફ્લોરિડાના સ્પેસ સેન્ટરથી શરૂ થયેલી ઉડાનના ૧૯ કલાક બાદ તેઓ અવકાશમાં તરી રહેલા સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. અવકાશ યાત્રીઓને તેમના મુકામ પર પહોંચાડયા બાદ ફાલ્કન-૯ રોકેટ ધરતી પર સફળતાપૂર્વક પરત આવી ગયું છે. હવે રિઝ્યુઝેબલ ટેકનોલોજીનો ઉપયોગ રોકેટમાં પણ થઈ રહ્યો છે. જેથી લોન્ચિંગનો ખર્ચ ઘટાડી શકાય. સ્પેસએક્સે રિયૂઝેબલ પાર્ટને મેળવી લીધો છે. ડ્રોન શિપ દ્વારા તે પરત લવાયો હતો.

નવા યુગમાં નવો સ્પેસસૂટ

અમેરિકામાં અવકાશ યાત્રા ક્ષેત્રે નવા યુગના મંડાણ થયા છે, ત્યારે ‘નાસા’ના બંને અવકાશયાત્રીઓના સ્પેસસૂટ પણ નવીન પ્રકારે ડિઝાઇન થયેલા હતા. આ માટે એલન મસ્કે ચાર વર્ષ સુધી મહેનત કરી હતી. કોસ્ચ્યુમ ડિઝાઇનર જોસ ર્ફ્નાન્ડિઝની સાથે રહીને એલન મસ્કે આ નવો સ્પેસસૂટ તૈયાર કરાવ્યો છે. જોસ ર્ફ્નાન્ડિઝ હોલિવૂડની સુપરહીટ ફિલ્મો ‘ધ એવેન્જર્સ’ અને ‘એક્સ-મેન’ માટે કામ કરી ચૂક્યા છે.
આ સ્પેસસૂટની ખાસિયત એ છે કે એ કસ્ટમ મેઇડ છે એટલે કે અવકાશયાત્રી માટે વિશેષ તૈયાર કરેલો છે. ખરેખર તો આ સૂટ પ્રેશરસૂટ હોય છે, જે વેક્યૂમમાં અવકાશયાત્રીઓને જીવિત રાખે છે. ડિપ્રેશરાઇઝેશનમાં રક્ષણ આપે છે. ‘નાસા’ના મતે આ સ્પેસસૂટમાં જાંઘ પર એક લાઇફ સપોર્ટ સિસ્ટમ છે, જેમાં હવા અને પાવરનું જોડાણ છે. હેલ્મેટ થ્રી-ડી પ્રિન્ટ ટેકનોલોજીથી બનાવાઇ છે. તેમાં ઇન્ટિગ્રેટેડ વાલ્વ છે, વાઇઝર રિટ્રેક્ટેશન અને લોકિંગ મિકેનિઝમ છે. હેલ્મેટની અંદર જ માઇક્રોફેન અને સ્પીકર પણ છે.

હવે રશિયાને કોરાણે મૂકશે?

અમેરિકાની અવકાશી સંશોધન કરતી સંસ્થા ‘નાસા’એ તેના સ્પેસ શટલનો ૨૦૧૧માં અકસ્માત સર્જાયા બાદ લોન્ચિંગ પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો. આ પછી તેઓ અવકાશમાં યાત્રીઓ મોકલવા માટે રશિયાના ‘સોયુઝ’ યાનની મદદ લેતા હતા અને આ માટે તેઓ જંગી રકમ ચૂકવતા હતા. જોકે મસ્કની સ્પેસએક્સ કંપનીએ સફળતાપૂર્વક સમાનવયાન લોન્ચ કરતાં હવે ‘નાસા’ આગામી સમયમાં આ જ કંપનીને વધુ પ્રોજેક્ટ આપશે તેમ મનાય છે.

એલન મસ્ક કોણ છે?

ટેસ્લાના સીઇઓ એલન મસ્ક આખું મિશન સંભાળી રહેલી ‘સ્પેસએક્સ’ કંપનીના સ્થાપક-સીઇઓ છે. મિશનની સફળતાની સાથે સ્પેસએક્સ વિશ્વની એવી પહેલી ખાનગી કંપની બની છે કે, જેણે સમાનવ યાનને અંતરીક્ષમાં મોકલ્યું હોય. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીનની સરકારોએ જ સમાનવ યાનને અંતરીક્ષમાં મોકલ્યા હતા.
સાઉથ આફ્રિકામાં જન્મેલા એલન મસ્કે તેનું ભાગ્ય સિલિકોન વેલીમાં ટેકનોલોજીની દુનિયામાં અજમાવ્યું હતું. તે ઇલેક્ટ્રિક કાર અને બેટરી બનાવતી કંપની ટેસ્લા ઇન્કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ છે. ૨૦૦૨માં તેણે સ્પેસ એક્સ્પ્લોરેશન ટેકનોલોજીસ તરીકે જાણીતી સ્પેસએક્સ નામની કંપની કેલિફોર્નિયાના હોથર્ન ખાતે શરૂ કરી હતી. સ્પેસએક્સની સામે એરોસ્પેસ સેક્ટરની જાણીતી કંપની બોઈંગે પણ પોતાની લોન્ચિંગ સિસ્ટમ વિકસાવી હતી. સ્પેસએક્સ સામેની પ્રતિસ્પર્ધામાં તે જોકે પાછળ છે. આવતા વર્ષે તે પહેલી વખત CST-100 સ્ટારલાઇન વ્હીકલ લોન્ચ કરી શકે છે. સ્પેસક્રાફ્ટ ડ્રેગનને ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. ‘નાસા’ અને સ્પેસએક્સ દ્વારા આ મિશન માટે સંયુક્ત કામગીરી માટે કરાર કરાયા હતા. ફાલ્કન-૯ નામનાં રોકેટ દ્વારા તેને લોન્ચ કરાયું હતું. આ મિશનને ‘ડેમો-ટુ’ નામ આપવામાં આવ્યું હતું. જ્યારે ‘ડેમો-૧’ મિશનમાં ડ્રેગન સ્પેસક્રાફ્ટ વડે સ્પેસ સ્ટેશન સુધી અગાઉ જરૂરી સામગ્રી અને રિસર્ચને લગતી વસ્તુઓ પહોંચાડાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter