ફ્રાન્સમાં આજથી યુરો કપઃ ૬ ગ્રૂપમાં ૨૪ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ

Friday 10th June 2016 03:29 EDT
 
 

પેરિસઃ વિશ્વભરના ફૂટબોલપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે યુરોપિયન ફૂટબોલના કાર્નિવલ - યુરો કપ ફૂટબોલ ચેમ્પિયનશીપનો આજથી ફ્રાન્સમાં પ્રારંભ થઇ રહ્યો છે. યુરોપની ૨૪ હાઈ પ્રોફાઈલ ટીમો વચ્ચેનો ચેમ્પિયનશીપ માટેનો આ જંગ એક મહિનો ચાલશે. ફ્રાન્સના ૧૦ સ્ટેડિયમોમાં કુલ ૫૧ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં જર્મની ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે સ્પર્ધામાં ઉતરી રહ્યું છે. જોકે તેના માટે આ વખતની સફર આસાન નથી, કારણ કે યજમાન ફ્રાન્સની સાથે ફૂટબોલમાં પાવરહાઉસ મનાતા ઈટાલી, સ્પેન, રશિયા, પોર્ટુગલ, બેલ્જીયમ જેવી ટીમો પણ યુરોપિયન ચેમ્પિયનશીપ જીતવા માટે થનગની રહી છે.

પહેલો મુકાબલો ફ્રાન્સના સેન્ટ ડેનિસમાં યજમાન ટીમ અને રોમાનિયા વચ્ચે ખેલાશે. યુરો કપ ૨૦૧૬ના કુલ છ ગ્રૂપ અને તે ગ્રૂપમાંથી રમી રહેલા સુપર સ્ટાર ખેલાડીઓની એક ઝલક...

• ગ્રૂપ-એઃ યજમાન ફ્રાન્સની સાથે સ્વિત્ઝર્લેન્ડ, રોમાનિયા અને અલ્બેનિયાનો સમાવેશ થાય છે. આ ગ્રૂપમાં હોટ ફેવરિટ ટીમ તરીકે ફ્રાન્સ ઉભર્યું છે અને ફ્રાન્સનો મદાર યુવા ખેલાડી પોલ પોગ્બા પર રહેશે. ટીમનો સૌથી સિનિયર ખેલાડી કેપ્ટન લુઈસ હ્યુગો છે. વેટર્ન સ્ટાર પેટ્રીય એવરા પણ ટીમને જીત તરફ અગ્રેસર કરી શકે છે. રોમાનિયાની ટીમનો મદાર કેપ્ટન વ્લાડ ચીરીચેસ પર રહેશે, જે નેપોલી કલબ તરફથી રમે છે. જોકે રોમાનિયાનો ગેબ્રિયલ ટોર્જે પણ ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે. અલ્બેનિયાનો કેપ્ટન લોરીક કાના ૯૨ આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂક્યો છે. અલ્બેનિયાની ટીમનું ડિફેન્સ સારું છે, પણ તેમનામાં ગોલ સ્કોરરની કમી જોવા મળે છે. સ્વિત્ઝર્લેન્ડની ટીમનો મદાર મીડ ફિલ્ડર ક્ષેરડેન શાકીરી અને ઇરેન ડેર્ડિયોક પર વિશેષ રહેશે.

• ગ્રૂપ-બીઃ ઈંગ્લેન્ડની ટીમ તેના કેપ્ટન વેન રુની પર વધુ નિર્ભર જોવા મળે છે. જોકે ૧૮ વર્ષનો માર્કોસ રશફોર્ડ અને ૨૧ વર્ષનો રહિમ સ્ટર્લિંગ બધાનું ધ્યાન ખેંચી શકે છે. રશિયન ટીમમાં કેપ્ટન શિરોકોવને બાદ કરતાં ૧૦ કે વધુ ગોલ ફટકારવાનો અનુભવ માત્ર એલેકઝાન્ડર કોકોરીનને છે, જે રશિયાને આગળ ધપાવવામાં પાયાની ભૂમિકા ભજવી શકે છે. વેલ્સનો મદાર તેના રિયલ મેડ્રીડના સુપરસ્ટાર ગારેથ બેલ પર રહેશે. જ્યારે સ્લોવિકયાને તેના સ્ટાર સ્ટ્રાઈકર મેરેક હામ્સિકના શાનદાર ફોર્મની આશા છે.

• ગ્રૂપ-સીઃ જર્મનીની ટીમમાં સુપરસ્ટાર્સનો જમાવડો છે. ટોમસ મુલર, કેપ્ટન સ્વાઈન્સ ટાઈગર, ઓઝીલ, ખેડીરા જેવા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ગોલ સ્કોરિંગમાં સૌથી આગળ લુકાસ પોડોસ્કી છે. જો પોડોસ્કી આ યુરો કપમાં વધુ બે ગોલ ફટકારશે તો તે ગોલની અડધી સદી પુરી કરશે. યુક્રેનનો મદાર ડાયનેમો કિવ તરફથી રમતાં એન્ડ્રીય યાર્મોલેન્કો પર છે, જે ૨૫ ગોલ ફટકારી ચૂક્યો છે. પોલેન્ડની ટીમ તેના બેયર્ન મ્યુનિચના સ્ટ્રાઈકર લેવાન્ડોવસ્કીના ફોર્મ પર આધારિત દેખાય છે, તો નોર્ધન આયર્લેન્ડનો મદાર કાયલ લાફેર્ટી પર વધુ રહેશે.

• ગ્રૂપ-ડીઃ આ ગ્રૂપમાં વેટર્ન સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો જોવા મળશે. સ્પેનિશ ફૂટબોલની ગોલ્ડન જનરેશન તેમનું ગુમાવેલું ગૌરવ પાછું મેળવવા માટે ઉત્સુક છે. કેપ્ટન કેસિયસની સાથે ઇનિસ્તા, ફાબ્રેગાસ, સર્જીયો રેમોસ, ડેવિડ વિયા જેવા ખેલાડીઓ પાસેથી સ્પેનને વિજયી દેખાવની આશા છે. ચેક રિપબ્લિકનો મદાર તેના કેપ્ટન અને વેટર્ન સ્ટાર રોસિસ્કી પર રહેશે. જ્યારે તુર્કીને તેના ગોલમશીન તરીકે ઓળખાતા યીલ્માઝના તેમજ ક્રોએશિયાના લુકાસ મોડ્રીકના ફોર્મની આશા છે.

• ગ્રૂપ-ઈઃ વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતા બેલ્જીયમનો મદાર તેના અનોખી હેરસ્ટાઈલ ધરાવતા સિનિયર ખેલાડી ફેલાની પર વિશેષ રહેશે. આ ઉપરાંત લુકુકા અને ડી બુરયન પણ બેલ્જીયમના મહત્ત્વના ખેલાડી છે. ઇટાલીની ટીમને તેના વેટર્ન સ્ટાર ડેનિયલ ડિ’રોસીના ફોર્મની આશા છે. આયર્લેન્ડની ટીમ રોબ્બી કેનની સાથે શેન લોંગ અને વાલ્ટેર્સ પર રહેશે. જ્યારે સ્વિડનનો આધાર અબ્રાહિમોવિચની સાથે સાથે લાર્સન પર પણ રહેશે.

• ગ્રૂપ-એફઃ પોર્ટુગલની ટીમનો મદાર હાલની જનરેશનના મહાન ખેલાડીઓમાં સામેલ રોનાલ્ડો પર વિશેષ રહેશે. જોકે પોર્ટુગલમાં નેની, બ્રુનો એલ્વેસ, પેપે, કાર્વાલ્હો જેવા સ્ટાર્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત આઇસલેન્ડની ટીમમાં ૨૬ વર્ષીય ફોરવર્ડ ખેલાડી સિગ્પોર્સન અને ગ્યુઓજોહન્સન પણ ગોલ ફટકારીને અપસેટ સર્જવા માટે સમર્થ મનાય છે. ઓસ્ટ્રીયાની ટીમમાં જર્મન કલબોમાં રમતાં ખેલાડીઓ વિશેષ છે. આ બધા વચ્ચે ૩૨ વર્ષીય માર્ક જેન્કોના ખભા પર ટીમનો મદાર રહેશે. જ્યારે હંગેરીની ટીમનો આધાર ઝોલ્ટાન જેરા અને તામાસ પ્રિસ્કીન પર વિશેષ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter