ફ્લાયદુબઈમાં જોડાતાં પહેલાં જ હુમલાનું કાવતરું ઘડયું હતુંઃ ઓમાની કો-પાઈલટ

Wednesday 07th October 2026 06:24 EDT
 
 

દુબઈ: ફ્લાયદુબઈની તેલઅવીવ ફ્લાઇટની કોકપિટમાં ભારતીય કેપ્ટન પર જીવલેણ હુમલો કરનાર ઓમાની કો-પાઈલટ હમામ અલ-હમ્મામી બાબતે ઘણા ચકચારી ખુલાસા થઈ રહ્યા છે. યુએઈમાં ચાલી રહેલી પૂછપરછમાં આરોપીએ કબૂલ કર્યું છે કે તેની યોજના કેપ્ટન સ્મિત મચ્છરને માર્ગમાંથી હટાવીને વિમાનને સામાન્ય રીતે ઉડાડતા રહેવાની અને પછી ઈઝરાયેલના બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટની કોઈ ઈમારત કે વિમાન સાથે સીધું ક્રેશ કરવાની હતી.
સમગ્ર વિશ્વને આંચકો આપનારી ગત બુધવારે બનેલી આ ઘટનાને યુએઈએ આતંકવાદી કૃત્ય ગણાવી છે. આ મામલાની તપાસ આગળ વધી રહી છે. કટ્ટરપંથી હોવાની આશંકાને કારણે અગાઉ ઓમાને પણ હમ્મામી પર વિમાન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે વિશ્વની શ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થાઓમાં ટોચની હરોળમાં સ્થાન પામતી ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ પણ કટ્ટરપંથી વિચારધારા ધરાવતાં હમ્મામીના મામલે થાપ ખાઇ ગઈ હતી.
હમ્મામી મોટાભાગે ઓમાનની બહાર સીરિયામાં રહ્યો હતો અને ત્યાં જ કટ્ટરપંથી વિચારધારાનાં પ્રભાવમાં આવ્યો હતો. તેનો જન્મ યુએઇમાં થયો હતો. તેનાં પિતા ઓમાની અને માતા સીરિયાઈ નાગરિક હતા. અલ હમ્મામીનો ઈરાદો ઈઝરાયેલમાં ફ્લાઈટને ક્રેશ કરવાનો હતો. 2024માં ઓમાન એર માટે તેણે કો-પાઈલટની ટ્રેનિંગ લીધી હતી જ્યાં તેની પાસેથી કટ્ટરપંથી સામગ્રી તેમજ પેલેસ્ટાઈનને સમર્થન કરતી સામગ્રી મળી હતી. આ પછી ખતરાને ધ્યાનમાં લઈને તેને વિમાન ઉડાડવા પર તેમજ અન્ય સંવેદનશીલ કાર્યો કરવા પર પ્રતિબંધ લગાવાયો હતો. જોકે, ફ્લાયદુબઈ દ્વારા તેને પાઈલટ તરીકે નોકરી પર રખાયો હતો યુએઇ તેમજ ઈઝરાયેલને જોડતા સંવેદનશીલ રૂટ પર વિમાન ઉડાડવા કેવી રીતે મંજૂરી અપાઇ તેની તપાસ કરાશે.
ઇઝરાયેલી મીડિયા રિપોર્ટ અને ઇટાલિયન અખબારની તપાસ અનુસાર, જો આ હુમલો ન ટળ્યો હોત તો 2001ના 9/11 હુમલાની જેમ ઈઝરાયેલમાં એક ભીષણ તારાજી થઈ શકતી હતી. તેણે ફ્લાયદુબઈ જ શા માટે પસંદ કરી? એવા મીડિયાના સવાલના જવાબમાં આતંકી હમ્મામે જણાવ્યું કે, મેં રિસર્ચ કર્યું કે કઈ એરલાઈન સીધી તેલ અવીવ ઉડ્ડયન કરે છે. તેથી મેં ફ્લાયદુબઈને પસંદ કરી. મેં એરલાઈનમાં ભરતી થતાં પહેલાં જ આ હુમલાનો પ્લાન બનાવી લીધો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, તે છેલ્લા થોડા મહિનામાં ઘણી વાર ફ્લાયદુબઈની ફ્લાઈટથી બેન ગુરિયન એરપોર્ટ આવી ચૂક્યો હતો. જૂનમાં જ્યારે તે ઈઝરાયેલ આવ્યો ત્યારે તેનું સમગ્ર ધ્યાન સિક્રેટ માહિતી એકત્ર કરવાનું અને હુમલાનો નકશો તૈયાર કરવા પર હતું. ખરેખર તો તે જુલાઈમાં જ પોતાનો પ્લાન અમલમાં મૂકી દેવાનો હતો, પરંતુ એ સમયે ક્રૂ મેમ્બર્સમાં તેનો એક નિકટનો મિત્ર હતો, જેના લીધે તેણે છેલ્લી ઘડીએ પોતાનો ઇરાદો બદલી નાખ્યો હતો.

યુદ્વ હજુ પૂરું નથીઃ અલ કાયદાની ધમકી

આતંકી સંગઠન અલ-કાયદાએ ફ્લાયદુબઈની ફ્લાઇટ હાઈજેક કરવાના નિષ્ફળ પ્રયાસની પ્રશંસા કરી છે. તેણે ધમકીના સૂરમાં કહ્યું છે કે યુદ્ધ હજુ પૂરું થયું નથી. અરબી ભાષામાં લખેલા સંપાદકીયમાં ઓમાનના કો-પાઈલટ હમામ અલ હમ્મામીના કામની પ્રશંસા કરાઇ છે તેમજ અમેરિકન-ઇઝરાયેલી એરલાઇન્સ પર આવા જ હુમલા કરવાની ધમકી પણ આપી છે. ‘11 સપ્ટેમ્બર અને 30 સપ્ટેમ્બરની વચ્ચે’ શીર્ષકવાળા આ સંપાદકીયમાં 11 સપ્ટેમ્બર, 2001ના રોજ ટ્વીન ટાવર સાથે અથડાતા વિમાન અને તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ઉડાન એફઝેડ-1073ની તસવીરો હતી. અરબી ભાષામાં પ્રકાશિત સંપાદકીયમાં કહેવાયું છે, ‘યુદ્ધ હજી પૂરું થયું નથી; અમેરિકન અને ઇસ્લામ વિરુદ્ધ લડતી અલગ-અલગ અવિશ્વાસી શક્તિઓને લઈ જતાં વિમાનો હજી પણ આકાશમાં ઉડે છે. તેના પર હુમલાનું જોખમ યથાવત છે, જે 11 સપ્ટેમ્બર અને 30 સપ્ટેમ્બરે જોવા મળ્યું હતું. અપહરણનો પ્રયાસ સફળ થયો હોત તો આ ક્ષેત્રમાં શક્તિનું સંતુલન બદલાયું હોત. લેખમાં વધુ ઉમેરાયું છે કે બિન-મુસ્લિમો પણ અમેરિકા અને ઇઝરાયેલને નિશાન બનાવી શકે છે ને આવા હુમલાથી મુસ્લિમોનું ભલું થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter