બેદરકારી માટે કોણ જવાબદાર? કોરોનાની વિનાશકતા બે મહિના સુધી છુપાવાઈઃ રોઈટર્સની તપાસમાં ઘટસ્ફોટ

સરકારના વૈજ્ઞાનિક અને મેડિકલ નિષ્ણાતોની અક્ષમ્ય બેદરકારીનો ભોગ બનેલી બ્રિટિશ પ્રજાઃ યુકે વાઈરસના સામનાની તૈયારી માટે એક મહિનાના સમયની તક ચૂકી ગયું

Wednesday 15th April 2020 05:37 EDT
 
 

લંડનઃ બ્રિટન કોરોના મહામારીના વિસ્ફોટની ભૂમિ પર બેઠેલું છે અને વિસ્ફોટ થશે તો હજારો લોકોના મોત થશે તેવી જાણકારી બે મહિના સુધી દિલોદિમાગમાં સંઘરીને બેઠેલા સરકારના વૈજ્ઞાનિક અને મેડિકલ નિષ્ણાતોની અક્ષમ્ય બેદરકારીનો ભોગ બ્રિટિશ પ્રજા બની છે. આ નિષ્ણાતોએ પોતાની આશંકા મિનિસ્ટર્સને જણાવી નહિ અને છેલ્લે માર્ચ મહિનાની મધ્યમાં લોકડાઉન પગલાંની સલાહ આપી ત્યાં સુધી તો ન થવાનું થઈ ગયું હતું. રોઈટર્સ દ્વારા યુકેના ૨૦થી વધુ વિજ્ઞાનીઓ, મહત્ત્વના અધિકારીઓ અને કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ સૂત્રોનો ઈન્ટર્વ્યૂ એડવાઈઝરી કમિટીની બેઠકોની મિનિટ્સ, જાહેર જુબાની અને દસ્તાવેજોની તપાસ પછી ઘટસ્ફોટ થયો છે કે વિજ્ઞાનીઓને છેક જાન્યુઆરીમાં જ ખાતરી થઈ હતી કે યુકે વિનાશક રોગચાળાના આરે આવીને ઉભું છે. ડાઉનિંગ સ્ટ્રીટને માર્ગદર્શન-સલાહ આપનારા વિજ્ઞાનીઓ પોતાના સૌથી ખરાબ ભયનો ચિતાર સરકાર કે પબ્લિકને વેળાસર આપવામાં નિષ્ફળ રહ્યા અને તેમની અક્ષમ્ય બેજવાબદારી સમગ્ર દેશને મહામારીના વિનાશમાં ઘસડી ગઈ.

એડવાઈઝર જ્હોન એડમન્ડ્સ કહે છે કે જાન્યુઆરીની મધ્યમાં જ ખબર પડી ગઈ હતી કે મામલો અતિ ગંભીર છે. વૈજ્ઞાનિક સલાહકારોએ તેમની ગંભીર ચિંતાનો સંકેત પણ બે મહિના સુધી સરકાર અથવા જનતાને આપ્યો ન હતો. તપાસના તારણો જણાવે છે કે વિજ્ઞાનીઓએ ફ્લુ મહામારીના મોડેલ પર જ વધુપડતું ધ્યાન આપ્યું હતું. એક ટોરી નેતાએ કહ્યું હતું કે તેને ઘણો વિનાશક નહિ તેવા ‘ખરાબ ફ્લુ’ તરીકે ગણાવાયો હતો, જેને અટકાવી ન શકાય. પ્રશ્ન એ પણ થાય છે કે વડા પ્રધાને તેમના સલાહકારોની ધારણાઓ પર સવાલો ઉઠાવ્યા હતા ખરા?

સાયન્ટિફિક કમિટીઓએ માર્ચ મહિનાની અધવચ્ચ સુધી લોકડાઉન સિનારિયોનો અભ્યાસ પણ કર્યો નહિ કારણકે તેમની માન્યતા હતી કે બ્રિટિશરો તેને સ્વીકારશે નહિ. તેઓ તો એમ પણ માનતા હતા કે ક્વોરેન્ટાઈન કામ નહિ કરે. સામૂહિક પરીક્ષણોનો કાર્યક્રમ તૈયાર કરવા બાબતે પણ કોઈ ધ્યાન અપાયું ન હતું. જાન્યુઆરીના અંતમાં સરકારના ચીફ મેડિકલ એડવાઈઝર અને એપિડીમીઓલોજિસ્ટ ક્રિસ વ્હિટીએ રાજકારણીઓને ખાનગીમાં જણાવ્યું હતું કે જો વાઈરસ ચીનમાંથી ફેલાશે તો તેને ધીમો પાડી શકાશે પરંતુ, અટકાવી નહિ શકાય. લાન્સેટના એડિટર રિચાર્ડ હોર્ટનનું કહેવું છે કે યુકે વાઈરસના સામનાની તૈયારી માટે એક મહિનાના સમયની તક ચૂકી ગયું હતું.

આખરે સ્પ્રિંગના આરંભે જ બ્રિટિશ વિજ્ઞાનીઓએ સરકાર સમક્ષ નગ્ન સત્ય રાખ્યું હતું કે યુકેમાં કોવિડ-૧૯ના લાંબા ગાળાનું ટ્રાન્સમિશન થઈ ગયું છે. ફ્લુ મહામારીનું મોડેલ બનાવવા રચાયેલી સત્તાવાર કમિટીના સભ્ય વિજ્ઞાનીઓએ બીજી માર્ચે લખ્યું કે જો અંકુશિત નહિ કરાય અને વાઈરસનું આક્રમણ ચીન જેવું રહેશે તો પાંચમાંથી ચાર એટલે કે ૮૦ ટકા બ્રિટિશર ચેપગ્રસ્ત બનશે અને ૧૦૦માંથી એક નાગરિક મૃત્યુ પામી શકે છે. તેમના મૂલ્યાંકનમાં સ્પષ્ટતા કરાઈ ન હતી પરંતુ, એક આગાહી એવી પણ હતી કે આશરે ૭૦ મિલિયનની વસ્તીના દેશમાં ૫૦૦,૦૦૦થી વધુ લોકો મોતનો શિકાર બની શકે છે.

આમ છતાં, ત્રીજી માર્ચે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પર તેની કોઈ અસર જણાઈ ન હતી અને તેઓ હોસ્પિટલમાં કોરોના પેશન્ટ્સ સહિત દરેક સાથે હસ્તધૂનન કરતા રહે છે તેવી મજાક પણ કરી હતી. આ સમયે ઈટાલીમાં મૃત્યુઆંક ૭૯નો હતો. જ્હોન્સને દેશ પાસે શ્ર્રેષ્ઠ કક્ષાની NHS છે, શ્રેષ્ઠ પરીક્ષણ વ્યવસ્થા છે અને રોગના પ્રસાર પર નજર રાખવાની વ્યવસ્થા છે તેવી બડાશ મારી હતી. તેમની સાથે હાજર ક્રિસ વ્હિટીએ રોગના પ્રસાર અને સંભવિત મૃત્યુની ચેતવણીને હળવાં સ્વરુપે રજૂ કરી હતી. આમ છતાં, પડદા પાછળ બ્રિટિશ વિજ્ઞાનીઓ વ્યગ્ર હતા, તેઓ સ્પષ્ટ હતા કે બ્રિટન વિનાશક રોગચાળાની કગાર પર ઉભું છે. ૧૨ માર્ચ સુધી જોખમ-ખતરાનું લેવલ મધ્યમ જ રખાયું હતું, જેમાં વ્યાપક પ્રસારની સંભાવના જ દર્શાવાઈ હતી. અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલા ઈન્ટર્વ્યૂઝ અને રેકોર્ડ્ઝ સૂચવે છે કે જહોન્સનને સલાહ આપનારી સાયન્ટિફિક કમિટીઓએ માર્ચ મહિનાની મધ્ય સુધી તો ચીનમાં ડિસેમ્બરમાં કોરોના રોગચાળાનો ઉદ્ભવ થયાં પછી શરૂઆતથી જ લેવાયેલાં કડક લોકડાઉનના પગલાંનો અભ્યાસ જ કર્યો ન હતો. વર્તમાન પરિસ્થિતિ જ દર્શાવી રહી છે કે વિજ્ઞાનીઓ, સલાહકારો અને સરકાર કોરોના વાઈરસના પ્રસારની ગંભીરતાને સમજવામાં કેટલા ખોટાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter