લંડનઃ બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ હિંસક ઉગ્રવાદ માટે કરવાની મંજૂરી આપી શકાય નહીં. મોદીએ સ્ટાર્મરને ખાલિસ્તાની આતંકીઓ સામે કડકમાં કડક પગલાં લેવા સૂચન કર્યું હતું. બંને નેતાઓએ ખાલિસ્તાની ઉગ્રવાદ અંગે વ્યાપક ચર્ચા કરી હતી. મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે લોકતાંત્રિક સમાજમાં કટ્ટરપંથ અને હિંસક ઉગ્રવાદને કોઈ સ્થાન નથી. સમાજને આપવામાં આવેલી સ્વતંત્રતાનો આ રીતે દુરુપયોગ કરવા દેવાય નહીં. બંને પક્ષો પાસે રહેલા કાયદાની જોગવાઈને આધારે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
સ્ટાર્મરે જગતાર જોહલનો મુદ્દો નરેન્દ્ર મોદી સમક્ષ ઉઠાવ્યો
વડાપ્રધાન કેર સ્ટાર્મરે ભારતની મુલાકાત દરમિયાન ભારતની જેલમાં છેલ્લા 8 વર્ષથી કેદ બ્રિટિશ નાગરિક જગતારસિંહ જોહલનો મુદ્દો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ઉઠાવ્યો હતો. આ અંગે પત્રકારો દ્વારા કરાયેલા સવાલના જવાબમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, અમે ભારત સમક્ષ કોન્સ્યુલર કેસોનો મુદ્દો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રી આગામી સપ્તાહોમાં જોહલ અને અન્યોના પરિવારો સાથે મુલાકાત કરશે. જોહલના મોટાભાઇ ગુરપ્રીતસિંહે આરોપ મૂક્યો હતો કે બે દિવસ પહેલાં વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, તેઓ જગતારને ભૂલ્યા નથી પરંતુ આજે તેમણે મારા ભાઇના નામનો પણ ઉલ્લેખ કર્યો નથી.