લંડનઃ બ્રિટનમાં ઈસ્ટર સન્ડે કાળો દિવસ બની રહ્યો હતો. કોરોના વાઈરસના લીધે મૃત્યુઆંક ૧૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગયો હતો. અત્યાર સુધી યુએસ, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન સત્તાવારપણે ૧૦,૦૦૦નો મૃત્યુઆંક આંબી ગયા છે. હવે બ્રિટન પણ તેમની સાથે જોડાયું છે. છેલ્લા અહેવાલ મુજબ યુકેમાં ૯૩૮૭૩ લોકો ચેપગ્રસ્ત થયા છે અને ૧૨,૧૦૭ના મોત થયા છે. જોકે, મૃત્યુ અને ચેપના દરમાં ઘટાડો નોંધાયો હતો. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કોરોના વાઈરસના ચેપથી મૃત્યુના આરે પહોંચી ગયા હતા પરંતુ, સઘન કાળજી અને સારવારથી બચી શક્યા છે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અને તેઓ સગર્ભા ફીઆન્સી કેરી સાયમન્ડ્સ સાથે ચેકર્સ નિવાસે આરામ કરવા ગયા છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે મૃતકોમાં કોરોના સામે સતત જંગ લડી રહેલા NHSના ૨૧ હેલ્થ વર્કર્સનો પણ સમાવેશ થયો છે.
૧૨ એપ્રિલે વધુ ૭૩૭ લોકોના મોત નીપજ્યા હતા. ૧૧ એપ્રિલ સુધીના ૨૪ કલાકમાં ૯૧૭ લોકોએ કોરોના જંગ સામે હારી મોતનું શરણ સ્વીકારી લીધું હતું. જોકે, તેની અગાઉના ૨૪ કલાકમાં ૧૦ એપ્રિલે મૃતકોની વિક્રમી સંખ્યા ૯૮૦ની રહી હતી, જે ઈટાલી અને સ્પેનમાં એક દિવસના મૃત્યુઆંક કરતાં પણ વધુ છે. બીજી તરફ, નવા ચેપગ્રસ્તોની સંખ્યામાં પણ નજીવો ઘટાડો જોવાયો હતો. દરમિયાન, વરિષ્ઠ વિજ્ઞાનીએ ચેતવણી આપી છે કે યુરોપના અન્ય કોઈ દેશ કરતાં પણ યુકેમાં વધુ મૃત્યુ થઈ શકે છે.
NHS ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું હતું કે સૌથી નાના ૧૧ વર્ષના કિશોર અને ૧૦૨ વર્ષના સૌથી વૃદ્ધ પેશન્ટ સહિત ૮૨૩ લોકો હોસ્પિટલમાં મોતને ભેટ્યા હતા. મેડિકલ ડાયરેક્ટર સ્ટીફન પોવાઈસે જણાવ્યું હતું કે કોરોના વાઈરસ સામેના જંગમાં યુકે હજુ પહેલા રાઉન્ડમાં જ છે, તેનો સામનો કરવો તે મેરેથોન દોડ સમાન લાંબું બની રહેશે. યુનિવર્સિટી ઓફ રીડિંગના સેલ્યુલર માઈક્રોબાયોલોજીના એસોસિયેટ પ્રોફેસર ડો. સિમોન ક્લાર્કે જમાવ્યું હતું કે,‘બે સપ્તાહ અગાઉ આપણે યુકેને ૧,૦૦૦ મોતની સીમા ઓળંગતા જોયું હતું અને આવતી કાલે (ઈસ્ટર સન્ડે) ૧૦,૦૦૦નો આંકડા પાર કરી જઈશું. અગાઉની ધારણાથી વિપરીત યુવાન અને કોઈ પણ બીમારી ન હોય તેવા લોકો પણ ભારે જોખમ હેઠળ છે.’
બ્રિટનમાં આઠ એપ્રિલે ૯૩૮ અને નવ એપ્રિલે ૮૮૧નો તેમજ ૧૦ એપ્રિલે વિક્રમી ૯૮૦નો એકદિવસીય મૃત્યુઆંક નોંધાયો હતો, જે ઈટાલી (૯૧૯) અને સ્પેન (૯૫૦)ના એકદિવસીય આંક કરતા પણ વધુ હતો. ફ્રાન્સમાં સૌથી વધુ દૈનિક ૧,૦૦૦નો મૃત્યુઆંક જોવા મળ્યો છે પરંતુ તેમાં હોસ્પિટલ અને કેર હોમ્સમાં થયેલા મોતનો પણ સમાવેશ થાય છે જે પદ્ધતિ બાકીના મોટા ભાગના દેશમાં જોવા મળતી નથી.
બ્રિટનમાં સમર હવામાન જણાઈ રહ્યું છે ત્યારે ઈસ્ટર વેકેશનમાં પણ ઘરમાં જ રહેવા બ્રિટિશ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે લોકોએ પોતાના ઘરમાં જ રહીને દિવસરાત બીમાર લોકોને બચાવવાની સેવામાં લાગેલા NHS સ્ટાફને મદદ કરવા આગળ આવવું જોઈએ.


